મા
મા
"કૃષ્ણ વિલા" બંગલામાં આજે આનંદનું વાતાવરણ હતું. અહીં અમીત, આરતી તેનાં સાસુ સસરા અને લાડકો દિયર અજય રહેતાં હતાં. આરતી પોતાનાં લાડકા દિયર અજયનાં લગ્ન કરી દેરાણી ઘરે લાવી હતી. આરતી ખૂબ જ સમજુ અને ઘરરખ્ખુ હતી. બધાં જ સભ્યોની દિલથી સંભાળ રાખતી હતી.
હવે તો સહેલી જેવી દેરાણી એટલે કે આરોહી આવતાં આરતી ખુશ હતી. અજય અને આરોહી બંને જોબ કરતાં તો આરતી સવારમાં વહેલી ઊઠી બંનેનાં ટિફિન કરતી. આરોહી પણ આરતીને દીદી જ કહેતી.
ભગવાનની દયાથી હસતો રમતો સુખી સંપન્ન પરિવાર હતો. બસ, આરતીનાં લગ્નને આટલાં વર્ષો થયાં હોવા છતાં તેની કોખ સૂની હતી. ઘણી દવાઓ કરી, બાધા, માનતાઓ રાખી પણ કોઈ પરિણામ ન મળ્યું. આરતી કયારેય પોતાનું દુઃખ મોં પર લાવતી નહી હંમેશા હસતી જ હોય.
સમય રેતીની માફક સરતો જતો હતો. આરતી અને આરોહી સંપીને રહેતાં હતાં. હવે આરોહી પ્રેગનેટ હતી. તેથી આરતી ઘરનાં કામની સાથે સાથે આરોહીનું પણ ખૂબ જ ધ્યાન રાખતી હતી. પૂરા દિવસો જતાં આરોહીએ બે બાળકોને જન્મ આપ્યો. એક દીકરો અને એક દીકરી. બધાં ખુશ હતાં. આરતી તો બાળકોને જોઈ વધારે ખુશ હતી. બે દિવસ પછી આરોહી બાળકોને લઈને ઘરે આવી. આરતીનો દિવસ તો આરોહી અને બાળકોની સેવામાં અને ભાગદોડમાં જ વિતતો હતો.
આજે આરતીનો જન્મ દિવસ હતો. આરતી સવારે વહેલી ઊઠી સાસુ સસરાનાં આશીર્વાદ લીધા. આરોહીએ પણ આરતીને જન્મદિવસની શુભેચ્છા આપી. અમીત અને અજયે ખાસ સાંજે આરતી માટે નાની પાર્ટીનું આયોજન કર્યું. બધાં જ મહેમાનો આરતી માટે સુંદર ભેટો, ફૂલોનાં બૂકે લાવ્યાં હતાં. થોડીવાર થતાં જ અજય અને આરોહી પોતાનાં હાથમાં પોતાની લાડકી દીકરીને લઈને આરતી પાસે આવ્યાં. તેને આરતીનાં ખોળામાં મુકી.
આરોહી :" દીદી, આજથી આ તમારી અમાનત, હું બે બાળકોને સાચવી શકતી નથી હોં ! "
આરતી તો બાળકીને લઈને આંખોમાં આંસું સાથે તેને હૃદય સરસી ચાંપી દીધી. આરતીનાં દિલમાં માતૃત્વની સરવાણી ફૂટવા લાગી. બાળકીનાં મોંનું ખિલખિલાટ હાસ્ય જોઈ આરતી પોતાનું બધું દુઃખ ભૂલી આરોહીને ભેટી પડી.
મા એટલે.... હૃદયનાં ઊંડાણમાંથી નીકળતો વહાલસોયો શબ્દ.....
મા એટલે...... પોતાનું ન વિચારતાં હંમેશા બાળકનું વિચારે, એટલે જ કહ્યું છે કે "મા તે મા, બીજા વગડાના વા" મા ની કોઈ વ્યાખ્યા નથી.
