Meghal Ben

Inspirational

4  

Meghal Ben

Inspirational

મા

મા

3 mins
270


"મા" તારા વિશે લખવું એટલે, "આકાશનાં તારા ગણવા જેવું અઘરું છે !" જેમ તારા ન ગણી શકાય તેમ "મા" વિશે થોડા શબ્દોમાં​ કંઈ ન કહી શકાય તેના માટે "મા" વિશે કંઈ કહેવા કરતાં "મા"ની લાગણીઓ જેણે અનુભવી હોય તે જ તને ઓળખી શકે, તો પણ મારે મારી "મા"ને એણે જ ઓળખાવેલ અક્ષરો અને શબ્દોનાં માધ્યમથી મારે "મા" થોડી ઓળખ બધાંને આપવી છે.

"મા"તે જ તો મારામાં આ વાંચનનો શોખ અને લેખન કલા કેળવેલી ,એ પણ કેવી રીતે જ્યારે બાળપણમાં જ મારા પગ પોલિયોની અસરથી ચાલતાં દોડતાં થંભી ગયાં હતાં અને બીજા દોડાદોડી કરી રમતાં બાળકોને જોઇ હું રડતી ત્યારે તે ક્યારેય એમ નહોતું કહ્યું કે તું આ બાળકો જેમ નહીં રમી શકે પણ તે મને એવું કહેલું, "હું તારામાં એવી કલા ખીલવીસ કે તું જે કરી શકીશ એ આ દોડતાં બાળકો ક્યારેય નહી કરી શકે !" એણે મારી મિત્રતા પુસ્તકો સાથે કરાવી ઉંમરની સાથે પુસ્તકોનું સ્વરૂપ બદલાતું રહ્યું બાળવાર્તાઓથી શરૂ થયેલા પ્રવાસે નવલિકા, નવલકથા, પ્રેરણાદાયી પુસ્તકો પર ગતિ કરાવી,અને "મા" તે જ તો આ પ્રવાસ દરમિયાન મારા હાથમાં કલમ પકડાવી અને "મા" ! સાચે જ તે કહ્યું તું તેમ મારી સાથે મોટા થયેલાં પેલાં દોડાદોડી કરતાં બાળકો ત્યાં જ દોડતાં રહ્યાં અને હું તે પકડાવેલી કલમની સહાયથી એ લોકોને પાછળ મૂકી ક્યાંય આગળ દોડી ગઇ.

"મા" આ મારા શિથિલ થઈ ગયેલા શરીરને ફરીથી હરતું ફરતું કરવા તે કેટલી મહેનત કરેલી, એટલાં વર્ષો તો તું તારું પોતાનું અસ્તિત્વ જ ભૂલી ગયેલી હતી ! તને બસ હું જ દેખાતી ભગવાને મને આપેલી સજા સામે તું જંગે ચડેલી અને તારો એ જોમ જુસ્સો જોઈ ભગવાન પણ તારી સામે હારી ગયાં ! અને એને મારા અચલ થઈ ગયેલાં હાથ પગને ફરીથી ચલીત કરવાં પડ્યા. ભલે ભગવાને મને દોડતી ન કરી પણ તારા પ્રયત્નોએ મને હું દુનિયા સામે કદમ માંડી શકું તેટલી તો સક્ષમ બનાવી જ દીધી.

"મા"હું ભાઇ બહેનમાં સૌથી નાની એટલે તારો પ્રેમ મારા માટે થોડો વધુ અને મોટા ભાઇ બહેન પણ એવું જ કહેતાં ત્યારે મને પણ મારા નાના હોવાની ખુશી થતી પણ મા આજે મને થાય છે કે ભાઇ બહેન કરતા હું મોટી હોત તો તારી સાથે રહેવાનાં એટલાં વધુ વર્ષો મને મળત.

"મા" વર્ષો પહેલાં પિતાજીએ આપણી વચ્ચેથી જ્યારે અણધારી વિદાય લીધેલ ત્યારે તે એ દુ:ખને ભૂલી તારા બાળકોને તે ક્યારેય પિતાની ખોટ ન લાગે તેમ ઉછેર્યા! "મા" અમે ક્યારેય એ તો વિચાર્યું જ નહીં કે અમે તો ફક્ત પિતા ગુમાવ્યાં છે પણ તે તો તારું સર્વસ્વ ગુમાવ્યું છે! અમે દુઃખી​ ન થઇએ કે હિંમત ન હારીએ તે માટે તું તારા દુઃખને મનમાં જ દબાવી અમારી સામે અડીખમ રહી.!

"મા" તે કેટલી મહેનત અને પ્રેમથી અમારા માટે આ માળો ગૂંથ્યો પણ અમને પાંખો આવતાં જ અમે સ્વાર્થી બની ઉડી ગયાં. તો પણ અમે ક્યારેક પાછા ફરીશું એ આશામાં તું આ માળો સજાવતી રહી અને માળામાં અમારી ચિચિયારીઓ​નાં અવાજ સાંભળવાં તારા કાન તરસતા રહ્યાં પણ અમે કયારે પાછા ન ફર્યા ! અને પાછા ફર્યા તો પણ ક્યારે "માં" જ્યારે તું આ માળામાંથી ઉડી ગઇ ત્યારે !

હવે આ આંખ​ સામે મને ધુંધળુ કેમ દેખાય છે ? મારી કલમ કેમ અટકે છે ? કદાચ મારી આંખોનાં પડળ પર તારી યાદોનાં આંસુ છવાઇ ગયાં છે ! કદાચિત એટલે જ મારી કલમ પાસે પણ તારી માટે કંઇ લખવાનાં શબ્દો ઓછા પડે છે, કેમકે આકાશ જેટલું આપણી સામે છે તેટલું જ આપણને દેખાઈ છે બાકી તો તેનો કોઇ અંત જ નથી !

"મા "તારું પણ તો તેવું જ છે ! આ તો માત્ર થોડા જ શબ્દો કહ્યાં તારા માટે પણ અમે અનુભવેલી તારી લાગણીઓ ક્યારેય શબ્દોમાં વ્યક્ત થાય તેમ જ નથી એ તો જેણે અનુભવી હોય તે જ મહેસૂસ કરી શકે.


Rate this content
Log in

Similar gujarati story from Inspirational