મા
મા
માસ શ્રાવણ ચાલી રહ્યો છે. પણ શ્રાવણ મામાં વરસાદને બદલે સૂર્યનારાયણનો તાપ વરસી રહ્યો છે. ગાયો દોહવાને ટાણે ગામની બે -ચાર સ્ત્રીઓ પોતાને વાડે જઈ રહી છે. સૂર્યનારાયણ પણ ધીમે પગલે પોતાના નિવાસ્થાને જઈ રહ્યા છે.
“અષાઢ ઉતરીને શ્રાવણ આવ્યો પણ હજુ ક્યાંયે વરસાદનુ એક ટીપું સરખુંઈ દેખાતું નથી.“ આકાશ તરફ મીટમાંડીને એક સ્ત્રી બોલી.
“હાચુ હો બોન, કાલ રાતે મારાં દાદા વાળું વખતે કેતા’તા કે આ સેને કળિયુગ આયો છે એટલે કે ઠંડીમાં તાપ પડેને આ તાપમાં વરહાદ પડે.“ ઘૂંઘટો કાઢીને એક સ્ત્રી બોલે છે.
“ઈ બધું તો ઠીક પણ આ કંચન કેમ આજ કંઈ બોલતી નથી. સાવ સુનમૂન છે.“ એક સ્ત્રી કંચનના ચહેરા સામે જોઈને બોલી.
“એ હાચી વાત હો, આમ તો રોજ આખા ગામની વાતું કરતી હોય પણ આજે તો જો લાગે હે ભાઈ જોડે ઝગડો થયો હશે, કેમ કંચન ?"
કંચન કયાંક ખોવાયેલી છે.
“એ કંચન !” એક સ્ત્રી કંચનના ખભે હાથ મૂકે છે.
કંચન ચમકે છે." હા હું થયું ?"
“ઈ તો અમે તને પુછિયે છીએ કે હું થયું ? કેમ આજ કંઈ બોલતી નથી ?"
“ખબર નહિ પણ આજ સવારથી મારું મન બહુ ભારે લાગે હે, કંઈ સુજતુ નથી.“ કંચન ધરતી પર નજર ઢાળીને બોલે છે.
“હે એમાં સુ, ઈ તો આ ગરમી બહુ પડશને એટલે આ તાપનું એવુ થાય, આવું માર ઈના બાપા કેતા હતા." તે સ્ત્રી કંચનને જવાબ આપે છે.
કંચન જમીન માપતી પોતાના વાડામાં પહોચે છે. તાપથી તરસી થયેલી ગાયો -ભેંસોને ચારપુરોનાખીને પાણી પીવડાવી ગાયો -ભેંસોના ગળાને ટાઢક આપે છે. પણ કંચનનું મન લાગતું નથી.તે એકબાજુ ધરતી પર નજર ઢાળીને બેઠી છે. પટેલ ખેતરની વાડોને રાજાના મહેલના કોટની જેમ ઉભી કરીને, પરસેવેથી રેબઝેબ થઈ સંધ્યા વખતે વાડામાં પાછો ફરે છે. ગાયોના આંચળનીચે દેઘડી મૂકીને દોહવા લાગે છે. પટેલની નજર પટલાણી પર પાડે છે.
“સુ થયું કેમ કંઈ આજ બોલતી નથી ?"
“સુ બોલું, ખબર જ નહિ પડતી આજ સવારથી જ મન બહુ ભારે લાગે છે. અમંગળ ઘટના ઘટવાની હોય એવો ભાસ થયાં કરે છે. કંઈ જ ખબર નથી પડતી." કંચન આકાશ સામે નજરમાંડીને બોલે છે. પાછી જાણે અજાણ્યા મલકમાં આવી હોય તેમ પાછી ખોવાઈ જાય છે.
* * *
પટેલનો દીકરો તપન અમદાવાદમાં બીજા વર્ષમાં કૉલેજમાં અભ્યાસ કરે છે. આજે તેમની પરીક્ષા પૂર્ણ થઈ હોવાથી તે તેનો મિત્ર અક્ષય અને બીજા મિત્રો સાથે કાર લઈને ફરવાનીકળે છે. તેઓ કાર લઈને ઇસ્કોન બ્રિજ ઉપર ચડે છે. બ્રિજ ઉપર એક કાર અને ટ્રકનો એક્સિડન્ટ થયેલો છે.
“ કાર બે મિનિટ સાઈડમાં પાર્ક કર જોતા આવીએ કે શું થયું છે ?" તપન પાછળની સીટમાંથી અક્ષયને કહે છે.
અક્ષય ગાડી સાઈડમાં પાર્ક કરે છે. ચારે મિત્રો એકસીડન્ટની જગ્યાએ જોવા જાય છે. ત્યાં તેમના જેવા બીજા ઘણા લોકો પણ ઉભા છે. જે ઇજાગ્રસ્ત લોકોને મદદ કરી રહ્યા છે. આકાશમાં કાળા વાદળો ઘેરાયા છે. વીજળીના ચમકારાની સાથે વરસાદ પણ હવે વરસવાનો ચાલુ થયો છે. ઇસ્કોન બ્રિજ ઉપર ઘોર અંધારું છે.
* * * *
મઘરાતનો સમય થયો છે. પણ કંચનની આંખોને હજુનીંદર નથી આવતી. તે આમ તેમ પડખા ફેરવી રહી છે. આકાશમાં વાદળો પોતાની જાન લઈને આવી પહોંચ્યા છે. વીજળીના કડાકામાં એ પટલાણીને યમરાજના પગલાનો અવાજ સંભળાઈ રહ્યો છે. તે અવાજની સાથે કંચનના મનનો ભાર વધી રહ્યો છે. હૃદયના ધબકારાની સાથે શ્વાસની ગતિ પણ વધી રહી છે. તે તરત જ ખાટલામાંથી બેઠી થઈ જાય છે. તેને ખબર નહિ પણ આજ તેને નીંદર નથી આવી રહી.
“ઓ સાંભળો છો !”
પટેલે પડખું ફેરવીને કંચન સામે જોયું. “શું થયું કેમ આમ અડધી રાતે બેઠી છો ?"
“ખબર નહિ પણ મારું મન મને આજે કંઈક ખોટો આભાસ કરાવી રહ્યુ છે."
ત્યાં તો પટેલમાં ફોનમાં અડધી રાતે રિંગ વાગવા લાગે છે. રીંગનો અવાજ કંચનને જાણે કે મોતના મરાસિયા ગવાતા હોય તેવો લાગે છે.
“હેલ્લો" પટેલ ફોન ઉપાડીને બોલે છે.
સામે છેડેથી અજાણ્યો અવાજ સંભળાય છે.
“હેલ્લો હા, અહીં ઇસ્કોન બ્રિજ ઉપર હમણાં ભયંકર એકસીડન્ટ થયો છે. જેમાં 10 લોકોનો મોત થયા છ. જેમાં એકનુંંનામ તપન છે. શું એ તમારો દીકરો છે ?"
પટેલના હાથમાંથી ફોન પડી જાય છે. સામે છેડેથી
“હેલ્લો..., હેલ્લો....., હેલ્લો..."
કંચન પટેલના ચહેરાની રેખાઓ વાંચી લે છે. પણ છતાએ પૂછે છે કે "સુ થયું કોનો ફોન હતો ?”
ત્યાં તો આભમાં વીજળીના કડાકા જાણે તપનનાં મોતનાં સમાચારની સાક્ષી પુરી રહ્યા છે. વરસતો વરસાદ જાણે તપનનાં મોતની પાછળ આંસુઓ પાડી રહ્યો છે.
* * *
સવારે તપનની સ્મશાન યાત્રામાંમાં અંદરોઅંદર વાતો થઈ રહી છે.
“તપનનાં મોતની આગાહી તો એની મા કંચનને જાણે કાલ સવારથી જ થઈ ગઈ હતી."
ત્યાં તો પેલી સ્ત્રી બોલી. “હાચુ હો કાલે જ એ કેતી હતી કે તેને કંઈ અજગતું લાગી રહ્યું હતું. તેનું મન પણ જાણે તેને કહી રહ્યું હતું એટલે જ એ કાલે સાવ સુનમૂન હતી."
ત્યાં તો એક સ્ત્રી બોલી. “એ તો પેલું કેવાય છેને કે એક માનો જીવ હંમેશા તેના દીકરાનાં ખોળિયામાં જ હોય છે. એ પછી દીકરો ગમે તેટલો દૂર હોય પણ જન્મ આપનાર માને તેનો સારો કે ખોટો અણદેશો આવી જતો હોય છે."
તપનની મા પોતાનો એકનો એક દીકરો ખોયાનાં દુઃખથી આક્રાંદ કરી રહી છે. વરસતા વરસાદ પણ માની મમતા સામે હારી થાકીને તે પણ રડી રહ્યો છે.
“રસ્તા હવે વિકાસનાં રસ્તા નથી લાગતા, હવે તે પોતાના દીકરાઓ માટેની ચિતાઓ લાગી રહ્યા છે."
“માનો આત્મા સોનાની માટીનો છે. પણ તે આત્મા પર શું વિતતી હશે એતો એ મા જ જાણે" .
