કચરો
કચરો
એક આઠ વર્ષનો ગરીબ છોકરો હાથમાં સફેદ પ્લાસ્ટિકની મોટી થેલી લઈ રોડ પર પડેલો કચરો વીણીને પ્લાસ્ટિકની સફેદ બેગમાં નાખી રહ્યો છે. તેનાં કપડાં પરથી તે ઝુંપડપટ્ટીમાંથી આવતો હોય તેવું લાગી રહ્યું છે. કચરો વીણતો જાય છે. કચરામાં મળતો રમકડાં કે કોઈ પ્લાસ્ટિકનો કચરા સાથે રમત રમતો જાય છે. તેની મસ્તીમાં ફરતો જાય છે. કચરો વીણતો વીણતો તે એક સ્કૂલ પાસે પહોંચે છે. જ્યાં સ્કૂલમાંથી છૂટેલા તેનાં જેવા ભુલાકાઓને જોઈ રહ્યો છે.
એક દાદા તેમના એક આઠ વર્ષનાં પૌત્ર ને લેવા આવ્યા છે. તે પૌત્ર ની નજર આ કચરો વીણતા છોકરા પર પડે છે. બંનેની નજર એક થાય છે.છોકરો તેનાં દાદાને સવાલ પૂછે છે.
“દાદા પેલો છોકરો કેમ કચરો વીણી રહ્યો છે ?”
દાદા તે કચરો વીણતા છોકરાની હાલત જોઈને તેમના ચહેરાના રંગ ઉડી જાય છે.
“એ તો ઝુંપડપટ્ટીમાં રહેવાવાળા ભિખારી હોય. એવા લોકોથી દૂર રહેવાનું બેટા.”
“કેમ દાદા એ ભણતો નથી.”
“એ શું ભણવાના ? એ પોતે કચરામાં જન્મેલી જાત અને કામ પણ આખી જિંદગી કચરો વીણવાનું જ કરવાનાં.”
છોકરો દાદા અને પૌત્રની વાતથી અજાણ થઈને નિર્દોષભાવે કચરો વીણતો વીણતો દાદા અને પૌત્રની તરફ આવી રહ્યો છે. દાદા તેનાથી નજર ફેરવીને પૌત્ર સાથે વાતે વળગે છે.
“આજે ગુજરાત સ્થાપના દિવસ પરની વકૃતત્વ સ્પર્ધમાં તે ભાગ લીધો હતો. તો શું એનું કંઈ પરિણામ આવ્યું કે નહિ.”
પૌત્ર બેગમાંથી જીતેલી ટ્રોફી કાઢી દાદાનાં હાથમાં આપે છે. દાદા ટ્રોફી હાથમા લઈને ગર્વ કરી રહ્યા છે. પેલો છોકરો કચરો વીણતો વીણતો દાદા અને તેમના પૌત્રની નજીક આવીને ઉભો રહે છે.
તે પૌત્ર અને તે છોકરો એકબીજા સામે જોઈને હસે છે. દાદા આ જોઈને ગુસ્સે થઈ જાય છે. પેલો છોકરો દાદાના હાથમાં ટ્રોફી જોઈને રાજી થઈ જા
ય છે.
“તું જીત્યો ?“ કહીને ટ્રોફી હાથમાં પકડવાની કોશિશ કરે છે.
બીજા આવતા જતા વિધાર્થી અને બીજા બે ત્રણ વાલી ત્યાં પોતાના બાળકને સ્કૂલમાં મુકવા આવ્યા છે કે લેવા આવ્યા છે. તે બધા આ દ્રશ્ય જોઈ રહ્યા છે.
"એ આને હાથ ના લગાડ. આ તો મારાં દીકરાએ ગુજરાત સ્થાપના દિવસની સ્પર્ધામાં જીતેલી ટ્રોફી છે. તું એક કચરામાં જન્મેલી.... ગુજરાત શું છે ? એની પણ ખબર છે તને ?”
દાદાની વાત સાંભળી ત્યાં હાજર સૌ તે છોકરા પર હસવા લાગે છે. પણ તેમનો પૌત્ર નથી હસતો.
“રહેવા દે. તને શું ખબર હોય. તમારું તો કામ કચરો વીણવાનું જા જઈને કચરો વીણ.”
લોકો ફરીથી હસવા લાગે છે. તે છોકરો મૌન થઈને જોઈ રહ્યો છે. પછી એક નજર સ્કૂલ સામે કરીને કચરો હાથમાં વીણતા કવિતા બોલવા લાગે છે.
"જ્યાં જ્યાં વસે એક ગુજરાતી
ત્યાં ત્યાં સદાકાળ ગુજરાત,
જ્યાં જ્યાં બોલાતી ગુજરાતી
ત્યાં ત્યાં ગુર્જરીની મહિલાત.
ઉત્તર દક્ષિણ પૂર્વ કે પશ્ચિમ જ્યાં ગુર્જરવા વાસ ,
સૂર્ય તણા કિરણો દોડે ત્યાં સૂર્ય તણો જ પ્રકાશ,
જેની ઉષા હશે હેલાતી તેના તે જ પ્રફુલ્લ પ્રભાત
જ્યાં જ્યાં વસે એક ગુજરાતી ત્યાં ત્યાં સદાકાળ ગુજરાત. “
દાદા અને ત્યાં હાજર બીજા વિધાર્થી અને વાલીઓ કચરો વીણતા છોકરાના મોઢામાંથી ગુજરાત વિશેની કવિતા સાંભળીને અચંબીત થઈ જાય છે.
પૌત્ર દાદાના હાથમાંથી ટ્રોફી છીનવી તે કચરો વીણતા છોકરાના હાથમા આપે છૅ. પણ તે છોકરો ખાલી તેને જોઈને પાછી આપી દે છૅ. કચરો વીણતો છોકરો દાદાના પૌત્ર તરફ હાથ લંબાવે છૅ. પણ દાદાનો પૌત્ર હાથ બાજુ પર કરી તે છોકરાને ભેટી પડે છૅ. બધા લોકો જોઈ રહે છે. પૌત્ર અને તે છોકરાના ચહેરા પર એક મુસ્કાન આવી જાય છે.