Leena Vachhrajani

Inspirational Thriller

3.2  

Leena Vachhrajani

Inspirational Thriller

મા તુજે સલામ-એક સત્યકથા

મા તુજે સલામ-એક સત્યકથા

4 mins
23.3K


“કલાવતીબહેન પાટણનું પટોળું લઇશ હોં! મજાનો દિકરો આવ્યો છે.”

લેબર રુમની બહાર વ્યાકુળતાથી આંટા મારી રહેલા હરજીવનભાઇને નર્સે વધામણી આપી. 

“દિકરો આવ્યો છે. મીઠાઈ વહેંચો.”

ઓગણીસસો બાસઠની તેરમી જુલાઇનો દિવસ. સોની પરિવારમાં બે ભાઈ અને એક બહેન પછી નિલેશનો જન્મ અમદાવાદની વાડીલાલ સારાભાઈ હોસ્પિટલમાં થયો. 

ચીન સાથેના ભીષણ યુધ્ધનાં નગારાં વાગી રહ્યાં હતાં એ દિવસો હતા. હરજીવનભાઈના હૃદયમાં દેશભક્તિ સતત વહે એટલે એમણે નાનકડા નિલેશને ગળથૂથીમાં દેશપ્રેમ પિવડાવતાં જાહેર કર્યું કે,

“મારો નિલેશ દેશની સેવા કરશે. એને હું સૈન્યમાં મોકલીશ.”

કલાવતીબહેન સ્તબ્ધ હતાં. પણ હજી દિકરાને હમણાં ક્યાં મોકલવો છે એની ધરપત હતી. 

મોટા ભાઈ જગદીશને પણ નેવીમાં સેવા આપવાની હૃદયતમ ખ્વાઇશ હોવા છતાં સંજોગ અનુસાર તે જઈ ન શક્યા. 

નિલેશને પાલડીના શિશુવિહાર બાલમંદિરમાં મૂકવા જતી વખતે કલાવતીબહેનને પહેલી વાર દિકરો મોટો થઈ રહ્યાનો સહેજ ધ્રાસકો પડ્યો. 

પોતાની કાલીઘેલી બોલીથી પરિવારને સતત આનંદ આપતો નાનો મીઠો નિલેશ હવે પ્રાથમિક શિક્ષણ લેવા અમદાવાદની સી.એન.વિદ્યાલયમાં દાખલ થયો.

મમ્મીનો લાડકો નિલેશ પાંચ વર્ષનો થયો. કલાવતીબહેનનો ધ્રાસ્કો પણ મોટો થતો ચાલ્યો.

પાંચમા ધોરણથી નિલેશને બાલાછડી સૈનિક સ્કુલમાં મુકવામાં આવ્યો. 

મમ્મીએ મોટું મન રાખીને આંસુ છુપાવીને સ્મિત સાથે માભોમને હવાલે કરેલો નિલેશ સતત ઝળકતો રહ્યો. કાયમ પ્રથમ પાંચમાં નિલેશ હોય જ. સૈનિક સ્કુલમાં બારમું ધોરણ પાસ કર્યા બાદ સામાન્ય રીતે એ ઉંમરે મા-બાપ અને સંતાન ખુદ ડોક્ટર, એન્જિનિયર,એક્ટર થવાની કારકિર્દીનાં સપનાં જોતા હોય ત્યારે જિંદગીના આ અતિ મહત્વના તબક્કે નિલેશે મક્કમપણે માતૃભુમિની રક્ષાને જ ધર્મ-કર્મ બનાવવાનો અખંડ નિશ્ચય કર્યો.

ગળથૂથીમાં પિવડાવાયેલા સપનાને સાકાર કરવા નિલેશે નેશનલ ડિફેન્સ અકેડમીની પરિક્ષા સફળતાપૂર્વક પાર કરી. હવે શરુ થયો કડક તાલીમનો તબક્કો. પૂણેના ખડકવાસલામાં ત્રણ વર્ષની તાલીમ અને દહેરાદૂનની સ્કુલ ઓફ આર્ટિલરીમાં વધુ એક વર્ષની તાલીમ પૂર્ણ થઈ અને સોની પરિવારમાં એક સૈનિકનો જન્મ થયો. 

૧૯૮૪ની નવમી જૂને સેકન્ડ લેફ્ટેનન્ટ નિલેશ સોની આર્મીની બાસઠમી ફિલ્ડ રેજિમેન્ટમાં અલ્હાબાદ ખાતે નિયુક્ત થયા. દરમ્યાનમાં એક વર્ષ દેવલાલી ખાતે ફરી ટ્રેનિંગ લઈ લેફ્ટનેન્ટ નિલેશ સોની રેજિમેન્ટમાં પરત આવ્યા ત્યારે પરિવારમાં ગૌરવનું વાતાવરણ ફરી વળ્યું.

દરેક સૈનિકને એક્શનની રાહ હોય છે. એમ નિલેશને પણ હવે કંઈક કરી બતાવવાનું જોમ હતું. યુધ્ધથી લઇને છાશવારે થતાં છમકલાં માટે નામચીન કારગીલમાં નિલેશની રેજિમેન્ટને સેવાનો મોકો મળ્યો. તોખાર જેવી તાકાત ધરાવતા નિલેશે બે વર્ષ કારગીલમાં વિતાવ્યાં.

હા, હવે જ શરુ થતી હતી લેફ્ટનન્ટ નિલેશની કસોટી. કસોટી શબ્દ ઝાંખો પડે અને કડકડતી શબ્દ પણ હૂંફભર્યો લાગે એવા સિયાચીન ગ્લેશિયરમાં ૧૯૮૬ના ડિસેમ્બરમાં નિલેશની નિયુક્તિ થઈ.

લેફ્ટનન્ટમાંથી કેપ્ટન બની ચૂકેલા નિલેશે ત્રણ મહિના માટે ૬૪૦૦ મીટરની ઊંચાઇએ આવેલી આગલી હરોળની પોસ્ટ પર ડ્યુટી બજાવી. એ સમય ઓપરેશન મેઘદૂતનો હતો. પાકિસ્તાન પાસેથી સિયાચીનનો સંપૂર્ણ કબજો મેળવવા ભારત તત્પર હતું અને એટલે વારંવાર હુમલાઓ થતા રહેતા. 

૧૯૮૭ની બારમી ફેબ્રુઆરીએ સવારે સવા અગિયારની આસપાસ પાકિસ્તાન તરફથી તોપમારો શરુ થયો. આ તોપગોળા નજીકના બરફના તોતિંગ પર્વત પર પડતાં હિમપ્રપાત શરુ થઈ ગયો. છેલ્લી પળ સુધી દુશ્મનને કટ્ટર જવાબ આપતા કેપ્ટન નિલેશ સહિત અગિયાર બહાદૂરો આ હિમપ્રપાતમાં બરફ નીચે દબાઈ ગયા. માભોમ માટે લડતાં લડતાં એના જ અંકમાં સમાઈ ગયા.

અમદાવાદ ખાતે રાતે બાર વાગે બે ઓફિસરોએ હરજીવનભાઇના ઘરની બેલ મારી. બારણું ખોલતાં એક બાપ આવા કસમયે આવેલા ઓફિસરને જોઇને બધું સમજી ગયો. માત્ર એટલું જ પૂછ્યું,

“સિંહ કે શિયાળ?”

સમજદાર ઓફિસરે બાપનો હાથ પકડ્યો અને કહ્યું, 

“શિયાળ.”

રુમમાં સૂતેલી અને હવે રજામાં નિલેશ આવે ત્યારે એની જિંદગી સંવારવાના સપનાં જોઈ રહેલી પત્નીને ધીરેથી આ સમાચાર અપાયા.

મા એક જ રટણ કરતી રહી કે,

“નિલેશ કહેતો ગયો છે કે તું ચિંતા ન કર મા. હિમાલયની બર્ફિલી પહાડીઓમાં માણસનું મોત જલ્દી ન થાય. આર્મીવાળાઓની ભૂલ થાય છે.”

પરિવાર આખો ભેગો થઈ ગયો પણ નિલેશના કોઈ વાવડ નહોતા. ઓફિસરો કહેતા રહ્યા કે કેપ્ટન એમના સાથીઓ સાથે શહીદ થઈ ગયા છે એ નક્કી. લશ્કરના કાયદા મુજબ વધુ જાનહાનિ ન થાય એટલે ગોળીબારી અને તોપમારા વચ્ચે મૃતદેહો શોધવા જઈ ન શકાય. 

બાર બાર દિવસ સુધી હરજીવનભાઈ પરિવાર સિયાચીનનો બરફ કાળજે મુકીને જીવતો રહ્યો. બારમા દિવસે કેપ્ટન નિલેશ સોની અને સાથીઓના બરફમાં થીજી ગયેલા દેહ મળ્યા અને દરેકના પરિવારને સુપ્રત કરવામાં આવ્યા.

૧૯૮૪ની ચોવીસમી ફેબ્રુઆરીએ કેપ્ટન નિલેશ સોનીનો પાર્થિવ દેહ સંપૂર્ણ લશ્કરી સન્માન સાથે અમદાવાદ લવાયો.

મા દિકરાના જન્મથી લઇને વિદાય સુધીની પળેપળ ઝૂરતી રહી. બાપ રમકડાંની બંદૂકથી લઇને લશ્કરી ગનની સફર ઝૂરતો રહ્યો. ભાઈ જગદીશ સૈનિક સ્કુલના પ્રથમ વાર્ષિક દિનના સમારંભમાં ગયાની ઘટના વાગોળતા રહ્યા.

કેપ્ટન નિલેશનો દેહ ઘેર આવ્યો ત્યારે એના શર્ટના ખિસ્સામાંથી સૂકાયેલા લોહીવાળો પત્ર મળ્યો જે પરિવાર તરફથી નિલેશને આશિર્વાદ અને કાળજી લેવાની ભલામણ કરતો છેલ્લો પત્ર હતો. જેમાં મા એ મોકલાવેલ આશીર્વાદ હતા.

સિયાચીન પોસ્ટિંગની જાણ પણ નિલેશની શહાદત પછી જ પરિવારને થઈ. કલાવતીબહેન જીવ્યાં ત્યાં સુધી પુત્રને માટે આશ્વાસન લેતાં રહ્યાં કે,

નિલેશ મા ની સાથે તો રહ્યો જ. આ મા નહીં પણ એ ભારતમાતાના ખોળામાં જ હતો. 

એક મા ને શત શત નમન. જેણે હસતા મોં એ યુવાન પુત્રને માભોમ કાજે સમર્પિત કરી દીધો.


Rate this content
Log in

Similar gujarati story from Inspirational