મા હૈ, તો ક્યા કમ હૈ !
મા હૈ, તો ક્યા કમ હૈ !
મોટી હોટેલમાં એક સ્પેશિયલ ટેબલ ખૂબ જ સારી રીતે સજાવ્યું હતું. ઘણા બધા રેડ એન્ડ વ્હાઈટ બલુનથી અને આખા ટેબલને લાલ ગુલાબની પાંખડીઓથી સજાવ્યું હતું. વચમાં એક મોટી કેક ને ઉપર લખ્યું હતું,હેપ્પી બર્થડે અદિતિ. . બધા જ મિત્રો, ભવ્ય જમણવાર, મ્યુઝિક અને લોટસ ઓફ એન્જોયમેન્ટ સાથે જન્મદિવસની ઉજવણી કરવામાં આવી.
બધા જ મિત્રો પોતપોતાના ઘરે રવાના થઈ ગયા. બચ્યા માત્ર અનુભવ ને અદિતિ. . . બંને ખૂબ જ સારા મિત્રો હતા. સાથે જ નોકરી કરતાં હતા. અદિતીના ખૂબ જ પ્રેમાળ સ્વભાવને કારણે એના મિત્રો એ એને જન્મદિવસની ભેટ રૂપે આ સરપ્રાઇઝ આપી હતી.
"હે. . . આદી ! તને સરપ્રાઇઝ ન ગમી ? "
" કેમ આમ પૂછે છે અનુભવ ? "
" પાર્ટીમાં કોઈ કમી રહી ગઈ હતી ?"
" ના. તો. ! કેમ આમ પૂછે છે,?"
" સાચું કે ને ! મને તો એમ હતું કે તું ખૂબ જ ખુશ થઈ જઈશ. . . તું એમ કહીશ કે થેંક્યું સો મચ. આવી ગિફ્ટ આપવા બદલ. અત્યાર સુધી ની આ મારી બેસ્ટ ગિફ્ટ છે. . પણ તું માત્ર ઉપરથી
જ ખુશ દેખાય છે,જાણે સ્માઇલ પ્લીઝ વાળી લિપસ્ટિક લગાવી હોય. . "
" હમમ. તું સાચું કહે છે, પણ મારી મમ્મીએ જે રીતે મારા જન્મદિવસની ઉજવણી કરી હતી એટલી ખાસ નહિ. . "
" અચ્છા. . ! એવુ તો શું ખાસ હતું એમાં. . "
" ચલ. . , ત્યાં બેસીને કહું. . "
" હા "
મારી એ દસમી બર્થડે હતી. પપ્પા એસ ઇટ ઇસ રાત્રે એક વાગે આવ્યા હતા. સવારે હું તૈયાર થઈ સ્કૂલે ગઈ પણ પપ્પા તો સૂતા જ હતા. હું એકમાત્ર સંતાન છતાં એમને મને શુભેચ્છા પણ ન પાઠવી. . હશે. . મમ્મી એ કહ્યું, કામ વધુ હોઈ તો થાકી ગયા હશે.
સૌની શુભેચ્છાઓ આવી. મને પણ હતું કે જેમ મારા ફ્રેન્ડસની બર્થ ડે ઉજવાય એમ મારી પણ ઉજવાશે, ફુગ્ગાથી ઘર સજાવાશે, કેક લવાશે, મિત્રો આવશે, મને ઘણી ગિફ્ટ આપશે ને પપ્પા આજે તો જલદી આવી જ જશે પણ થયુ એ જ. . કામનું બહાનું.
મમ્મી મન મારીને જીવતી હતી, કામનાં બહાના હેઠળ, એટલું તો હું સમજતી હતી.
હું આજે પણ એ નથી સમજી શકતી કે જેના માટે કામ કરો છો એ મહત્વનું કે કામ.
સાંજથી મારા ચેહરાની સ્માઇલ ઘટતાં ચંદ્રની જેમ ઘટવા લાગી. હું સમજી ગઈ હતી કે મારા સ્વપ્ન પ્રમાણે કંઈ જ નહોતું થવાનું.
"ઓહહ. સો સેડ. . !"
ના. પણ મમ્મી જેનું નામ, આમ જ તો મને ઉદાસ થવા દે. રાત્રે સાડા આઠ થવા આવ્યા હતા. ને પપ્પાના આવવાનાં કોઈ એંધાણ ન હતા. મમ્મી ફટાફટ બજાર ગઈ, મારી મમ્મી ખાનગી શાળામાં શિક્ષક, પગાર ટૂંકો પણ મને હંમેશા મોટી મોટી ખુશીઓ આપતી. એણે મારી પસંદનું પનીર અને પરાઠા બનાવ્યા, પછી બાજઠ પર સુંદર ઓઢણી પાથરી, ત્યાં કાનાજીની મૂર્તિ મૂકી બજારમાંથી એ મોદક લાવી હતી, એ ગોઠવ્યા. એક ડિશમાં દસ દીવા કર્યા.
મને તૈયાર કરી. મેં દસે દીવા પ્રગટાવ્યા. મમ્મી એ કહ્યું, ફૂંક મારી અંધારું નથી કરવાનું, દીવાની જેમ જીવનમાં પ્રકાશ ફેલાવવાનું છે. કાનાજીને તિલક કરાવડાવ્યું ને અમે બંનેએ આંખોમાં આંસુ સાથે મોદક ખાઈ મોં મીઠું કર્યું. આજે પણ નથી સમજી શકતી કે એ આંસુ ઉજવણીની ખુશીનાં હતા કે અમારી એકલતાના. તને ખબર છે અનુ ! જ્યારે કોઈ પાસે હોય પણ સાથે ન હોય ને એ ખૂબ પીડાદાયક હોય છે.
"હમમ. પછી. ,?"
પછી મેં મમ્મી અને કાનાજીનાં આશીર્વાદ લીધા. અમે બન્ને એ સેલ્ફી લીધી, મેં એને સ્ટેટસમાં મૂકી ને લખ્યું, " જબ મા હૈ,તો ક્યાં કમ હૈ !"
