સંવેદના
સંવેદના
ગોલું રમિલાનો દીકરો હતો. રમિલા પટેલ સાહેબને ત્યાં ઝાડું પોતું કરતી હતી.
ગોલુ આજે મા સાથે પટેલ સાહેબનાં બંગલે આવ્યો હતો. પરી, પટેલસાહેબની એક નવાઈની દીકરી હતી. ગોલુ વારેવારે પરીને ચોકલેટ ખાતી જોઈ આંખ ઝૂકાવી લેતો જાણે મનને બીજી તરફ વાળવા પ્રયત્ન કરતો. ત્યાં જ પરીની ચોકલેટ નીચે પડી ગઈ. એ ઉદાસ થઈ ઘરમાં દોડી ગઈ.
ચોકલેટ ખાવાનું ગોલુને ક્યારનું મન હતું. અંતે તેના મન પર લાલસાની જીત થઈ. તેણે નીચે પડેલી ચોકલેટ લેવા વિચાર્યું. કોઈ જોતું નથી એની ખાતરી કરી નીચે નમ્યો અને ચોકલેટ ઉપાડી એને જોઈ રહ્યો. જેવી એ ચોકલેટ મોંમાં મૂકવા જતો હતો કે પટેલસાહેબ ત્યાં આવી પહોંચ્યા. ગુસ્સામાં એક તમાચો મારતાં બરાડી ઉઠ્યા," ન જાણે ક્યાંથી આવા ભિખરડા જેવા આવી ચડે છે....."
ગોલુ રડતો રડતો બહાર દોડી ગયો. ગુસ્સામાં કહેવાતા પ્રતિષ્ઠિત પ્રોફેસર પટેલસાહેબ લાગણીનાં વિષયમાં અભણ જ રહી ગયા.
