લવ યુ જિંદગી
લવ યુ જિંદગી


અચાનક કોઈની દુઃખ ભરી જિંદગીમાં એક નાનું પણ સુખનું કિરણ આવે અને એ જિંદગી જીવવા માટેનું પરિબળ બની જાય છે ત્યારે આ જિંદગીથી પ્રેમ થઈ જાય છે. લવ યુ જિંદગી બનીને જિંદગીથી ખુશ રહેતાં શિખવાડે છે.
આ વાત છે અમદાવાદ માં રહેતી ધારાની. ધારા અનાથાશ્રમમાંજ મોટી થયેલી. કોલેજમાં ભણતાં પ્રતિક સાથે પ્રેમ થઈ ગયો. એટલે પ્રતિકે ધારાને કહ્યું કે 'હું તને ખુબ પ્રેમ કરું છું અને તારી સાથે લગ્ન કરવા માંગુ છું.'
ધારાએ કહ્યું કે 'પ્રતિક હું પણ તને ખુબ જ પ્રેમ કરું છું પણ સચ્ચાઈ એ છે કે હું અનાથાશ્રમમાં રહું છું.
તો તારાં માતા પિતા માનશે ?'
પ્રતિક કહે 'નહિ માને તો હું મનાવીશ. અને છતાંય નહીં માને તો હું ઘર છોડીને આર્યસમાજમાં તારીસાથે લગ્ન કરીને અલગ ઘર બનાવીશું.'
ધારા એ કહ્યું 'પણ તું મારાં માટે આટલું બધું કરીશ ? એક અનાથ માટે ?'
પ્રતિક કહે 'ફરી હવે ના બોલીશ તું અનાથ છે હું તારી દુનિયા છું.' ઘારા પ્રતિકને ભેટી પડી...
પ્રતિકે ઘરમાં વાત કરી તો ઘરનાં એ ના કહી કે એવી અનાથાશ્રમની છોકરી આપણાં ખાનદાનમાં ના શોભે ?
પ્રતિકે કહ્યું કે 'હું ઘર છોડીને પણ એની સાથે જ લગ્ન કરીશ.'
એટલે પ્રતિક ના પિતા એ કહ્યું કે 'નિકળી જા આ ઘરમાંથી તને આ મિલ્કતમાંથી બેદખલ કરું છું. પ્રતિક ઘરમાંથી પહેરેલે કપડાં એ નિકળી ગયો અને એક દોસ્તને મળીને ભાડાં ની રૂમ રાખી અને નોકરી ચાલુ કરી એક વર્ષ નોકરી કરીને ધારા જોડે લગ્ન કર્યા અને બન્ને એ સંસાર માંડ્યો.
ધારાએ પણ એક કંપનીમાં નોકરી ચાલુ કરી. બન્ને જણાં કમાતાં અને ઘરમાં ધીમે ધીમે જરૂરિયાત મુજબની વસ્તુઓ વસાવતા હતાં. આમ એ બન્ને પોતપોતાની મસ્તીમાં જિંદગી જીવતાં હતાં. ધારાને સારા દિવસો રહ્યા અને પ્રતિક એટલો ખુશ થઈ ગયો કે એણે ધારાને કહ્યું કે 'જો દિકરો આવે તો આપણે એનું નામ અનમોલ પાડીશું અને દિકરી આવે તો એનું નામ કંગના પાડીશું. અને તું હવે નોકરી છોડી દે હું વધુ કમાણી કરીશ.'
ધારા એ કહ્યું કે 'પછી રજાઓ પર ઉતરી જઈશ. એક દિવસ પ્રતિક નોકરી પરથી ઘરે આવતો હોય છે અને શહેરમાં તોફાનો ફાટી નીકળ્યા હોય છે એમાં એ એક તોફાની ટોળાંનો શિકાર બની જાય છે.
આ બાજુ ધારા આખી રાત રાહ જોતી રડતી અને ડરતી રહે છે. સવારે ધારા પ્રતિકના મિત્રને તપાસ કરવા મોકલે છે ત્યારે ખબર પડે છે કે પ્રતિકનું તોફાની તત્વોનાં હાથે મોત થયું છે. ધારા ઉપર તો આભ ટૂટી પડ્યું. એકલાં હાથે હવે એને ઝઝુમવાનુ હતુું. અને આવનાર બાળકને પણ હવે મોટો કરવાનો હતો.
પુરા દિવસો એ ધારાએ એક દિકરાને જન્મ આપ્યો. ધારાને પ્રતિકના શબ્દો યાદ આવ્યાં અને દિકરાનું નામ અનમોલ પાડ્યું. ધારા જે કંપનીમાં કામ કરતી હતી એ શેઠને એણે વિનંતી કરી કે 'હું ઓફિસમાં મારાં બાળકને લઈને આવી શકું ?' શેઠને દયા આવી એમણે 'હા' કહી. ધારા નોકરીએ અનમોલ ને લઈને જતી અને ઘર પણ સંભાળતી.
આમ કરતાં અનમોલ અઢી વર્ષનો થયો એટલે એને આંગણવાડીમાં મૂક્યો. હવે એને ઓફિસમાં થોડી રાહત થતાં એ મન લગાવીને કામ કરતી અને ઓફિસમાં રિશેષ પડે એટલે અનમોલ ને લઈ આવતી. આમ દુઃખ વેઠીને અનમોલને ગ્રેજ્યુએટ બનાવ્યો. અનમોલ પણ નાનપણથીજ બહુ ડાહ્યો અને સમજદાર હતો એ કોઈ વસ્તુ કે કપડાં માટે જીદ ના કરતો. કોલેજ પણએ ટ્યુશન કરાવતા ભણ્યો.
કોલેજમાંજ એને ખુશી સાથે પ્રેમ થઈ ગયો. અનમોલે ખુશી ને કહ્યું કે
'હું તને પ્રેમ કરું છું અને લગ્ન પણ કરવા માગું છું જો તું હા કહે તો... આજે મારી પાસે તને આપવા કશું નથી પણ વચન આપું છું કે દુનિયા ભરની ખુશીઓ હું તને આપીશ એ પણ મારી જાતમહેનત ની કમાણીથી ખરીદી ને. પણ મારી એક જ શર્ત છે મારી માને કોઈ તકલીફ ના પડે એટલું તારે ધ્યાન રાખવાનું.'
ખુશી પણ અનમોલ ને ખુબ જ પ્રેમ કરતી હોય છે એટલે એ વચન આપે છે. ખુશીના ઘરનાને ખુશી જાણ કરે છે. અને અનમોલ ધારા ને. આમ બન્ને પરિવારની રજામંદીથી બન્ને ના લગ્ન સાદાઈથી થઈ જાય છે. આ બાજુ ધારાને નોકરી છોડાવી દે છે અનમોલ. ખુશી ધારાની દુઃખી જિંદગીમાં સુખનો મલમ લગાવે છે અને ધારાનું નાનામાં નાની વાતનું ધ્યાન રાખે છે. ધારા શું વિચારે છે એ પણ ખુશી કહી દે. ધારા ખુશીની આવી લાગણીમાં ડુબી જાય છે. એને હવે આ જિંદગી જીવવી ગમવા માંડે છે.
અનમોલ ઓફિસ જાય એટલે ખુશી અને ધારા ખુબ વાતો કરે. અને મોબાઈલમાં ગીતો વગાડી ખુશી ધારાને પણ ડાન્સ કરાવે. ધારા તો આવાં જીવનની કલ્પનાજ નહોતી કરી. જન્મથી લઈને આજ દિન સુધી એની સાથે આવો સમય ગુજારવવાવાળું કોઈજ નહોતું. એક સવારે ખુશી ધારાને ચા અને નાસ્તો આપી જોડે બેસે છે. ધારા ખુશીનો હાથ પકડી ને કહે છે લવ યુ જિંદગી. બેટા તું આવી મારા જીવનમાં અને તે મને જિંદગી જીવતાં શિખવાડી.