લોકડાઉન
લોકડાઉન
હવાઈ, રેલવે, સ્કૂલ, કૉલેજો, કોચિંગ ક્લાસ, હોટેલ્સ, રેસ્ટોરાં, સિનેમા હૉલ, મોલ્સ, પાર્ક, જીમ, સ્પોર્ટસ કૉમ્પ્લેક્ષ, મંદિરો, મસ્જિદો, ગુરુદ્વારા, જિનાલયો, તમામ ધાર્મિક સ્થળો, માર્ગ પરિવહન સહિતની સેવાઓ આગામી ૨૧ મી તારીખ સુધી ખુલશે નહીં. લૉકડાઉન વધુ લંબાશે. આ સાંભળી શહેરના એક પ્રતિષ્ઠિત મંદિરના મહંત અને પૂજારી લઘુરાજ મહારાજે પોતાના મોબાઈલમાં એક વિડિયો બનાવ્યો. આ વિડિયો દ્વારા તેમણે શહેરીજનોને મેસેજ આપ્યો કે, મંદિર છેલ્લા એક મહિનાથી બંધ છે. પૂજારીઓ અને સાધુ સંતોને આવક બંધ થઈ છે. શ્રીમંતો દાન માટે આવકાર્ય છે. કપરા દિવસોમાં મંદિરમાં દાન આપી આપ ઈશ્વરના ભક્ત બનો.
આ વિડિયો અને તેનો મેસેજ જોઈ તલકચંદ શેઠને વિચાર આવ્યો, લાવ મારી પાસે જે કાંઈ છે તે આખરે તો સમાજનું જ છે. તેમ વિચારી શેઠે પોતાની તિજોરીમાંથી રોકડ ૫૧૦૦૦/- (એકાવન હજાર) રૂપિયા આપવાનું અને જો લોકડાઉન લંબાય તો દર મહિને ૧૦૦૦૦/- (દશ હજાર) ચેકથી મંદિરના ટ્રસ્ટમાં ચેક આપશે. થેલીમાં રોકડા રૂપિયા અને બેન્ક ચેકબુક લઈ મંદિર તરફ ગયા. રસ્તામાં આવતા મંદિરો જોઈ શેઠ ખૂબ જ દુ:ખી થયા હતાં.
અચાનક જ શેઠના ડ્રાઈવરને છાતીમાં દુખાવો થાય છે. શ્વાસ રુંધાય છે. શેઠ પોતે મુંઝાઈ જાય છે. શેઠ પોતે ગાડી ચલાવે છે. ડ્રાઈવરને પોતાની બાજુની સીટ પર બેસાડી શેઠ ઝડપથી ગાડી ચલાવે છે. હોસ્પિટલ પહોચી જાય છે. ઝડપથી હાર્ટ સ્પેશ્યાલિસ્ટ સર્જન આવી જાય છે. સમયસર બધી જ ટ્રીટમેન્ટ મળી જાય છે. આથી રાહત થાય છે. આ દોડાદોડીમાં હૉસ્પિટલમાં દાખલ દર્દીઓ અને તેમના સગાઓને જમાડવા માટે એક વાન આવે છે. વાનમાંથી ત્રણ સ્વયંસેવકો હૉસ્પિટલમાં બધાને દાળ-ભાત-શાક અને રોટલીનું ભાણું આપે છે. શેઠને પણ સ્વયંસેવક એક ડિશમાં ભોજન શેઠ ના પાડે તે પહેલા આપી દે છે. ડ્રાઈવરને હજી ભાન આવી ન હતી અને તેના દીકરા કે ભાઈ કોઈ આવ્યું ન હતું. શેઠને થયું કે ઘરે ક્યારે જઈશ અને ક્યારે જમીશ ? લાવને જમવાનું આટલા ભાવથી મળ્યું છે તો જમી લઉં. એવામાં એક સ્વયંસેવક આવે છે અને શેઠને કહે છે સાહેબ તમારે કોઈ દર્દીની દવા ડૉકટર સાહેબે લખી આપી હોય તો અમે ગરીબ અને મધ્યમ વર્ગના લોકો માટે અમારું ટ્રસ્ટ પચાસ ટકા રાહત દરે દવાઓ લાવી આપે છે. શેઠ ડ્રાઈવર માટે લખેલી દવાની ચિઠ્ઠી આપે છે. સ્વયંસેવક કહે છે સાહેબ એક કલાકમાં અમે દર્દી સુધી આ દવા પહોંચાડી દઈશું. તમે ચિંતા ન કરો.
આ સાંભાળી શેઠનો વિચાર બદલાય જાય છે. તેઓ પોતાની ગાડીમાં જાય છે અને રોકડા ૫૧૦૦૦/- (એકાવન હજાર) રૂપિયા સ્વયંસેવકને આપી દે છે અને કહે છે કે દર મહિને તમને ૧૦૦૦૦/- (દશ હજાર) રૂપિયા ચેકથી આપીશ.
