Kalpana Naik

Inspirational Tragedy

4  

Kalpana Naik

Inspirational Tragedy

લખુમાઈ

લખુમાઈ

7 mins
14.5K


બારી જરા ઉઘાડી રહી ગઈ હતી તેથી સર સર કરતો ઠંડો વાયરો ઓરડામાં ફરી વળ્યો. શિયાળાની સવારે લગભગ ચાર વાગવાની તૈયારી હતી અને ઠંડા પવનની લહેરખીને કારણે સ્વરાએ રજાઈ ખેંચીને ફરી ઓઢી લીધી પરંતુ નિંદ્રા એ એને જાણે આજે પણ સાથ ન આપ્યો ! ભવાનીપુર ગામમાં રહેવા આવ્યાને એક અઠવાડિયું થયું, હજી સ્વરા ગામડાના વાતાવરણથી ટેવાયેલ ન હતી. તેથી નાની નાની મુસીબત કે અગવડ દેખી અકળાઈ ઉઠતી.

બાજુમાં વિશ્વ હજી નિરાંતે ઊંઘતો હતો. ઓફિસર થયા બાદ તરત ભવાનીપુર ગામમાં બદલી થઈ હતી, બેંકના ઓફિસર તરીકે પ્રમોશન લીધાં બાદ ભવાનીપુરમાં જ ભાડેનું ઘર લઈ લીધું. કેટલો સ્માર્ટ અને ખંતીલો છે મારો વિશ્વ ! વિચારો પણ એટલા જ નીતિમત્તા ભરેલ! સ્વરાને પણ ભવાનીપુરની શાળામાં નોકરી મળી ગઈ હતી. તેથી સામાન લઈને રહેવા આવ્યા અને પહેલાં જ દિવસે બાજુમાં રહેતાં લખુમાઈને ત્યાંથી ટિફિન આવી ગયું ! લખુમાઈનો ઝાઝો પરિચય તો ન હતો પરંતુ અજાણ્યા ગામમાં આટલા પ્રેમથી ભોજન કરાવનાર એક માતા કરતાં ઉતરતી વ્યક્તિ તો ન જ હોઈ શકે એમ માનનારો વિશ્વ લખુબાઈને વાંકો વળી પગે લાગ્યો હતો.

"જો...દીકરા...કોઈ પણ વસ્તુની જરૂર હોય તો આ લખુમાઇ ચોવીસ કલાક તારી બાજુમાં જ છે ! કંઇ પણ જોઈએ તો એક સાદ પાડી દેજે અને આ તારી લખુમાઈ હાજર એમ સમજજે, પ્રભુએ આ અણમોલ મનખા દેહ આપ્યો છે તો સેવા કરી જાણું, બાકી આ લખૂમાઈ ઝાઝું ભણી નથી એટલે બીજું ખાસ આવડતું નથી." લખૂમાઈ સાડા નવનાં ટકોરે ટિફિન દેવા હાજર અને મીઠા પ્રેમાળ અવાજે બોલી અને

"હરી તારા હજારો નામ કયા નામે લખવી કંકોતરી...." ભજન લલકારતા ચાલી ગઈ.

લખૂમાઇ એટલે ખૂબ જ સેવાભાવી અને પરોપકારી બાઈ. આખા ગામમાં કોઈ પણ માંદુ હોય કે હોસ્પિટલમાં હોય તો લખુમાઈ ટિફિન લઈને હાજર જ હોય ! લખુમાઈની રસોઈ એટલે એટલી સ્વાદિષ્ટ કે ભલભલો આંગળી ચાટતો રહી જાય ! કોઈના અથાણાં કરવાના હોય કે પાપડ લખૂમાઇ હાજર !કોઇને ત્યાં અચાનક મહેમાન આવ્યા હોય તો લખૂમાઈ હાજર ! ભજન હોય તો લખૂમાઇ હાજર ! શું અવાજ દીધો છે કુદરતે આ લખૂમાઈ ને ! આખા ગામમાં લખુમાઈને ખૂબ આદરથી જોવામાં આવતા.

વાડામાં મોટો પાણીનો હોજ બનાવી રાખેલો એટલે વડલાની ડાળીથી જાતજાતના પક્ષીઓ હોજમાં પાંખો ફફડાવી નહાય અને પાણી પી ને ચણ ખાઈને ઉડ્યા જાય. મોર, પોપટ, સમડી, ચકલી, મેના, કબૂતર, કૂકડો, બતક, લક્કડખોદ, સુગરી....અહાહાહા...ભાતભાતના પંખીનો મેળો એટલે લખૂમાઇનો વડલો ! કયા પક્ષીએ આજે બરાબર ખાધું નથી, કયા પક્ષીની તબિયત નરમ છે....બધું જ લખુમાઇનાં ધ્યાનમાં હોય જ !

પતિપત્ની સાડા નવે એટલે જમીને પોતપોતાની નોકરીએ નીકળી જાય. સાંજે છ વાગે એટલે પાછાં ઘર ભેગા થાય તેથી સ્વરા એ લખુમાઈનું ટિફિન બંધાવવાનું જ ઉચિત માન્યું.

સ્વરાના ઘરની પાછળ મોટો વરંડો, વરંડાની આગળ ફૂલછોડના અસંખ્ય છોડ, તુલસી, ફુદીનો, લીલી ચા, પારિજાત, જમરુખી, ગુલાબ, મોગરો, ચંપો.... બધાં જ જાતજાતના છોડ રોપેલા, દેવસેવા માટે શહેરની જેમ વેચાતાં ફૂલ લાવવાની ઝંઝટ જ નહીં. વરંડામાં એક બાજુ મોટી અને ઊંચી દીવાલ, ગામમાં દરેક ઘરની બાંધણી આજ રીતની હતી. બે ઘર વચ્ચેની આ દીવાલ ઉપરથી લખુમાઈના ઘરની પાછળ વાડામાંનો ઘેઘૂર વડલો જ દેખાતો. આ વડલો દિવસરાત ઠંડો વાયરો વિંઝતો રહેતો અને તેના પર બેઠેલ પક્ષીઓ કલરવ કરતાં રહેતાં.

"પણ, વિશ્વ...આ ઘર તો બંધ જ રહેતું તો આટઆટલા ફૂલછોડની સંભાળ કોણ લેતું હશે ?" સ્વરા અને વિશ્વ સાંજે વરંડામાં જમવા બેઠાં ત્યારે સ્વરા બોલી ઉઠી!

"અરે..બેટા એતો હું જ...આ તમારી લખૂમાઈ...આખો દિવસ મારે શું કામ હોય ! "

"લખૂમાઇની વહુ બિચારી ટિફિન બનાવતાં બનાવતાં થાકી જતી હશે, ને ઉપરથી આ લખુમાઈને ભાંડતી રહેતી હશે! કેટકેટલાં કામો માટે લખૂમાઈ તો આખા ગામમાં ફરતાં જ હોય ! તોયે એમનાં પૌત્ર અને પૌત્રીના પણ અવાજ નથી ઘરમાં, આ મને જ જોઈ લ્યોને, બંને નોકરી કરીએ એટલે રસોઈનો તો સમય જ નથી મળતો, એ તો સારું કે ટિફિનની વ્યવસ્થા લખુમાઈ એ કરી દીધી." સ્વરા લખૂમાઈની હાજરીમાં વિશ્વને કહેતી ને લખૂમાઇ મીઠું હસી પડતાં અને ભજનની લીટી ગણગણતા આનંદથી પોતાના ઘરે ચાલ્યાં જતાં.

"વિશ્વ, આ રવિવારે તો આપણે લખૂમાઈના ઘરે જઈ આવીએ, એમને ટિફિનના પૈસાનું પણ પૂછતા આવીએ અને ઘરના બધાને મળી પણ લઇએ, નોકરીની દોડધામમાં એમના ઘરનાં માણસોને પણ હજી આપણે મળ્યા નથી." સ્વરા વિશ્વને પાણી આપતાં બોલી.

આજે સતત પાંચમા દિવસે પાછી સ્વરા સવારમાં ચાર વાગ્યામાં જાગી ગઈ. લખુમાઇના શબ્દો સ્વરાના કાને પડવા માંડ્યા.

"વિશ્વ... આ લખુમાઈ જાતે તો ઉઠી પડે પણ એમના ઘરનાં બધાં મેમ્બર્સ ને પણ કેટલાં વહેલાં જગાડી દે છે ! જોને સાંભળ એમની વાતો !" સ્વરા વિશ્વને ઢં ઢોળી જગાડતાં બોલી.

"સ્વરા...પ્લીઝ...સુવા દેને યાર...શું આમ નાની નાની વાતોમાં તું અકળાઈ ઉઠે છે, એ તો બધું ચાલ્યા કરે." વિશ્વ પડખું ફરતાં બોલ્યો અને સ્વરા લખૂમાઇના શબ્દો સાંભળી રહી..

"અરે... કાકુભાઇ...તમે જરા વાર પછી આવોને.. મારી મીનલ ક્યારની મારી વાટ જુએ છે ! એને આજે બહુ ભૂખ લાગી છે. ઝંખના...તારી સિલાઈ હજુ બાકી છે, ચાલ નાસ્તો કરી લે અને કામે લાગ, ઉનાળો આવે એ પહેલાં સિલાઇકામ પતાવી દે. ચીકુ... તું સમજદાર છે ને, એક મિનિટ આ બંટીને નવરાવી લઉં છું, આવી બેટા ! બિલ્લુ, ગઈ કાલે તેં મરચાં વધારે ખાધા હતાં, આજે તને મરચું નહીં મળે...થોભ...જરા આઘો ખસ....મરચાં નહીં મળે સમજ્યો !" લખુમાઈનાં અવાજની સાથે સાથે સ્વરાને મેના, ચકલી, પોપટ, કાગડો વગેરે મધુર અવાજ સાંભળવા મળતાં.

"કુકુ બેટા,.......આજે ચાર વાગ્યામાં જ કેમ ઊઠીને બોલવા માંડ્યો, બાજુમાં નવા સાહેબ આવ્યા છે, આખો દિવસ મહેનત કરીને આવે છે, જાગી જશે. "મયુર....તું જ એક ડાહ્યો દીકો છે, આ બધાં જ મને જોને કેટલાં હેરાન કરે છે ! લલ્લા...આજે લાકડાં કાપવાનું બંધ રાખજે, તારા ટકટક અવાજથી બૈજુ ની ઉંઘ બગડે છે. "બૈજુ....આજે તને ખાવાનું આપ્યું તે નહીં જોયું તેં ? કે રવિમાં ભાગ પડાવવા ગયો ! બહુ લાડકો થઈ ગયો છે, પછી તારી મા મને બબડે જ ને ! રવિ...હમણાં આટલું દૂધ પી લે, દૂધવાળો આવતો જ હશે...એટલે આપું. કબુડી....જરાક વાર ચૂપ રહે તો શું થાય ! ક્યારની અવાજ કરે છે તે ! ચાલ આવી જા મારી પાસે ! શર્મિલા...કાલે તારી તબિયત નરમ હતી, આજે તો તું ગરમ ધાબળો ઓઢીને સુઈ જ રહેજે, બહુ ચાલ ચાલ નહીં કરતી ! અરે, છોકરાંઓ જરા શાંતિ રાખો, બાજુમાં નવા સાહેબ રહેવા આવ્યાં છે, જાગી જશે!"

સ્વરા કંટાળીને પથારીમાંથી ઉભી થઈ, સ્વેટર ચડાવ્યું, " "ઉફ્ફ....વિશ્વ...આજે રવિવાર અને મોડે સુધી સુવાનો પ્લાન હતો પણ આ લખુંમાઈ..વિશ્વ ચાલને.. પ્લીઝ ... આપણે એમના ઘરમાં કોઈને જરા કહીએ. છ વાગવા આવ્યા, મારે થોડું સૂઈ જવું છે હજી અને આ લખૂમાઈનો અવાજ...!"

"ઉફ્ફ...વિશ્વ.... કોઈ આટલી વહેલી સવારે આટલું કેવી રીતે બોલી શકે ? એક તો આ લખૂમાઈ નો અવાજ અને ઉપરથી આ પક્ષીઓ ! લખુમાઇની એકહથ્થુ સત્તા ચાલતી લાગે છે, ઘરમાંથી કોઈનો લખૂમાઈની સામે જરા પણ અવાજ નહીં !" સ્વરા આજે ઉંઘ બગડવાથી અકળાઈ ઉઠી !

સ્વરા અને વિશ્વ ધીમેથી ઊઠ્યાં અને ઘરનું બારણું ખોલી બાજુમાં જવા લાગ્યાં ત્યાં સામેવાળા સૌરભભાઇ ઓટલા પર બેસી દાતણ કરતાં જોવા મળ્યા.

"ઓહો...વિશ્વભાઈ..જયશ્રી કૃષ્ણ...આજે રવિવારે પણ તમે આટલા જલ્દી.."

"સૌરભભાઇ..શું કરું, આ લખૂમાઈ સ્વભાવના ખૂબ માયાળુ અને દયાળુ છે, મારી સ્વરાનું પણ અમે આવ્યા ત્યારથી ખૂબ જ ધ્યાન રાખે છે, પરંતુ એમના ઘરમાં આટલા બધાં માણસો અને તે બધાં આટલાં વહેલાં દરરોજ કેમ ઉઠી જતાં હશે ! અને આ લખૂમાઈ આટલી વહેલી સવારે એ બધાં સાથે જોરજોરમાં વાતો....સ્વરા અને મારી ઉંઘ ઉડી જાય છે દરરોજ...આજે તમે અમારી સાથે આવો ને .. આપણે લખુમાઇને શાંતિથી વાત કરીએ અથવા તો એમના વહુ દીકરાને કહીએ." વિશ્વ સૌરભભાઇ પાસે જઈને બોલ્યો.

"શું...દીકરા વહુ ?...કોઈ નહીં સાંભળે વિશ્વ...અમે પણ હવે ટેવાઈ ગયા છીએ. લખૂમાઈનો શું વાંક એમાં ! બિચારી. એ પણ શું કરે ! ગામમાં હવે એમને કોઈ કશું જ કહેતું નથી. લખૂમાઈ એટલે અમારી એલાર્મ સમજો ! લખુમાઇનો અવાજ આવે એટલે બરાબર ચાર વાગ્યા એમ સમજો !" સૌરભ કોગળા કરતાં કરતાં બોલ્યો.

"પણ આમ રોજ રોજ! કોઈ કશું કહેતું કેમ નથી !" વિશ્વ અકળાઈ ગયો.

"વિશ્વ ભાઈ...કોને કહીએ...એમના ઘરમાં કોઈ બીજું હોય તો કહીએ ને !"

"એટલે... લખૂમાઈ સવારથી તો ઘરમાં બધાં સાથે કેટલી વાતો મોટેમોટેથી..." વિશ્વ હજી બોલ્યે જતો હતો.

"વિશ્વભાઇ...આજથી બરાબર ચાર વરસ પહેલાં લખૂમાઈનો પરિવાર એટલે કે દીકરો, દીકરી, જમાઈ, વહુ, પૌત્ર, પૌત્રી..બધા ગાડી કરીને વિરપુર દર્શને જતાં હતાં ત્યાં રોડ અકસ્માતમાં એમનો આખો પરિવાર મોતને શરણ... કોઈ બચ્યું નહીં, લખૂમાઈ ઘરે હતાં તેથી તેઓ બચી ગયાં. ત્યારથી આ વાડાના ઘેઘૂર વડલા પર જાતજાતના પક્ષીઓ આવે છે તેની સાથે વાતો કરી, ખાવાનું આપી, ચણ નાખી પોતાના પરિવારને આનંદથી મળતાં હોય એમ સંતોષ માને છે. " સૌરભ ભાઈ બોલ્યાં.

"ઓહ...તો આ...શર્મિલા... કબૂડી...બૈજુ...મીનલ...લલ્લાં.. કૂકુ...ચીકુ...એ બધા...."

"શર્મિલા એટલે એમની મોટી વહુ અને વડલા પરની સમડી !"

"ફૂકુ એટલે મોટો દીકરો કુંદન અને વડલા પરનો કૂકડો !"

"મીનલ એટલે નાની વહુ અને વડલા પરની મેના!"

"મયુર એટલે એમનો બીજો દીકરો અને આ વડલા પર શોભતો મોર!"

"ચીકુ એટલે લાડકી પૌત્રી અને વડલા પરનો ચકલી"

"ઝંખના એટલે એમની મોટી પૌત્રી અને વડલા પરની સુગરી !"

"બૈજુ એટલે નાની દીકરીનો દીકરો અને વડલા નીચે પાણી ભરેલા ખાડામાં રહેતું બતક !

"લલ્લા એટલે એમની દીકરીનો બીજો દીકરો લાલુ અને વડલા પરનો લક્કડખોદ!

"કબુડી એટલે એમની પોતાની દીકરી અને વડલા પરની કબુતરી !"

"અને આ વિશાળ વડલો એટલે લખુમાઈ પોતે ! કે જે સદાય અડીખમ રહે છે!"

"ઓહ.... આટઆટલા આઘાત જીરવ્યા બાદ લખૂમાઈએ પોતાનું જીવન પક્ષીઓ અને માણસોની સેવામાં સમર્પિત કરી દીધું છે ! ધન્ય લખૂમાઈ ! જીવન જીવવાની ખુમારી તો કોઈ લખુમાઈ પાસે શીખે ! સ્વરા....દુઃખ અને તકલીફ શું છે એ આપણે હજી સુધી જોયું કે અનુભવ્યું જ નથી, તેથી આમ નાની નાની વાતમાં ધીરજ અને શાંતિ રાખવાની બદલે મોટું સ્વરૂપ આપી દેતા હોઈએ છીએ, ચાલ સ્વરા બહુ ઊંઘી લીધું આજથી આપણે પણ જાગી જઈએ ! દુઃખનો આટલો મોટો પહાડ તૂટ્યા પછી પણ જેણે પોતાની જાતને એક વડલાની માફક અડીખમ રાખીને શેષ જીવન સેવામાં સમર્પિત કરી દીધું છે, આપણે લખૂમાઈ પાસેથી ઘણું શીખવાનું બાકી છે." વિશ્વ સ્વરાને લઈ પોતાના ઘર તરફ વળી ગયો !


Rate this content
Log in

Similar gujarati story from Inspirational