લેખાંજોખાં શ્વાસના
લેખાંજોખાં શ્વાસના


લખ્યું લલાટે ક્યાં મિથ્યા થાય છે. જન્મ મળે છે સાથે જ શ્વાસની ડોર ક્યાં અને ક્યારે પુરી થશે એ લખાઈ જાય છે. આ તરફ જીવન છે. પેલી તરફ મરણ છે. બન્ને વચ્ચે ચાલતું શ્વાસનું ભારણ છે.
મધ્યમ વર્ગના મા-બાપને ત્યાં જન્મેલી સ્વાતિ. નાનપણથીજ પરાણે વ્હાલી લાગે એવી અને રૂપરૂપનો અંબાર. ખુબજ સુંદર અને નમણી. જેમ જેમ મોટી થતી ગઈ એમ એનું રૂપ વધારે ખિલતુ ગયું અને કુદરતની કમાલ કે નાની ઉંમરમાં જ કોઈ મોટા માણસો જેવી સમજણભરી વાતો કરતી. અને પછી જન્મેલી બે બહેનોની મા બની સંભાળ રાખતી.
બંન્ને મા-બાપ નોકરી કરતા હતા એટલે સવારે જાય તો સાંજે ઘેર આવે. સ્વાતિના પિતાને ઘરથી અડધો કલાકના અંતરે જ નોકરી હતી તો એ સાયકલ પર બપોરની રિશેષમા ઘરે આવીને જતાં જેથી છોકરીઓનું ધ્યાન પણ રખાય અને કંઈ કામ કાજ હોય તો પતી જાય. બાકી પડોશીઓ સારા હતા એ ધ્યાન રાખતાં અને સ્વાતિ અંદરથી તાળું મારી રાખતી. સ્વાતિની સ્કૂલ સવારની હતી એટલે એ બાર પછી ઘરેજ હોય. મા જે રસોઈ કરી ગઈ હોય એ બન્ને બહેનોને જમાડી પોતે જમીને વાસણો ઘસીને મુકી દે. અને પછી બન્ને બહેનોને વાર્તા કહેતાં સુવડાવી દે પછી પોતાનું હોમવર્ક કરે. શિયાળામાં તો વટાણા, તુવેર, પાપડી, મેથીની ભાજી આ બધું સુધારીને, સાફ કરી રાખે. આમ એ નાની ઉંમરે પણ મોટા માણસની જેમ વર્તે.
આમ બન્ને બહેનો ને પણ ભણવા મૂકી અને સ્વાતિ હવે સાતમા ધોરણમાં આવી. ભણવાનું અધૂરું હોય પણ ક્યારેય મા બાપ કે ટ્યુશન લીધાં વગર પોતાની મહેનતથી અને સ્કૂલમાં શિખવાડે એ ધ્યાનથી ભણીને એ અત્યાર સુધીમાં એકથી દશમાં જ નંબર લાવતી અને બન્ને બહેનોને પણ ભણાવતી. આમ કરતાં એ સાતમું પણ એનો ક્રમ જાળવીને પાસ કર્યું અને આઠમું ધોરણ આવ્યું. ભણવાના ચોપડા અને ફી એ ત્રણેયની ભરતાં મા બાપને ખુબ તકલીફ પડતી હતી એથી સ્વતિએ એની સ્કૂલથી ઘરનાં રસ્તામાં આવેલા અગરબત્તીના કારખાનામાં મળવા ગઈ અને વાત કરી કે 'મારે કામ જોઈએ છે ?' ત્યાં બેઠેલા બધા હસવા લાગ્યા અને શેઠ બોલ્યા કે 'તારે શું જરૂર પડી બેટા ? આ કંઈ રમકડાં નથી કે તું રમી શકે. આમાં તો મહેનત જોઈએ મહેનત.' સ્વાતિ એ પોતે પાછળની ગલીમાં રહે છે એવું કહ્યું અને ભણવામાં તકલીફ પડે છે એ કહ્યું. શેઠે કહ્યું કે 'હું અગરબત્તીનો સામાન કોઈને ઘરે નથી આપતો પણ તારી અંદર રહેલી સચ્ચાઈ અને તારું મનોબળ જોઈ સામાન આપું છું. અત્યારે લઈ જા. પેલાં બહેન પાસે શિખીલે કેવી રીતે ગણી ને કોથળામાં ભરીને પેક કરવું. આજે લઈ જા અને કાલ સાંજે આપીને નવો માલ લઈ જજે અને ના ફાવે તો પાછું આપી જજે.' આમ સ્વાતિ રાત્રે પેકિંગનું કામ કરતી.
મા બાપ તો આ જોઈને અંચબિત થઈ ગયા કે આ છોકરી કેટલું સમજે છે.. આમ કરતાં એનો હાથ એટલો બેસી ગયો અગરબત્તીના પેકીગમા તો પોતાનો ખર્ચ કાઢી લેતી. હવે તો રાત્રે ઘરનાં બધાં જ બેસી જતા જેથી ઝડપથી અને વધુ કામ થતું. આમ કરતાં કરતાં સ્વાતિ દસમાં ધોરણમાં આવી. ભણવામાં ખૂબ જ મહેનત કરતી હતી એને એર હોસ્ટેસ બનવું હતું અને નાની બે બેહનોને ખુબ ભણાવી આગળ લાવવી હતી. સ્વાતિએ ના કોઈ દિવસ સારાં કપડાંની કે કોઈ ચીજ વસ્તુઓની જિદ કરી એનું ધ્યેય એકજ હતું કે કેમ કરીને આગળ આવું અને બધાને સુખી કરુ. સ્વાતિનું ઈંગ્લીશ અને સ્પિચ પણ ખૂબ સરસ હતી. સ્વાતિ એ દશમાંમાં તનતોડ મહેનત કરી જેથી ગવરમેન્ટ સ્કૂલમાં એડમીશન મળે. આમ સ્વાતિ એ ખુબ જ મહેનત કરી દશમાંની બોર્ડ ની પરીક્ષા આપી અને વેકેશન પડ્યું.
આ બાજુ સ્વાતિ ના મમ્મીની કંપનીમાં મોટો ફાયદો થતાં શેઠ જેટલાં કામ કરતાં કારીગરો ના ફેમિલી ને લકઝરી કરી અંબાજી દર્શન કરવા લઈ ગયા. સવારે નિકળ્યા અને એક રાત અંબાજીમાં રોકાણ પછી બીજા દિવસે પાછા વડોદરા. જેવાં અંબાજી પહોંચવા આવ્યા અને સ્વાતિને ૧૦૫ તાવ ચડ્યો અને એનું આખું શરીર દુખવા લાગ્યું. પાસે હતી એ મેટાશીન ગોળી ગળાવી. પણ તાવ ઉતરવાનું નામ ના લીધું. અંબાજી માં ઉતરી ડોક્ટરને બતાવ્યું એમણે એક ઇન્જેક્શન અને દવા આપી. પણ સ્વાતિ ની તબિયત સુધારવા કરતાં વધુ બગડતી ગઈ. મા બાપ ગભરાઈ ગયા. શેઠે પણ એક ભાડાની ટેક્સી પોતાના રૂપિયે કરી આપી.વડોદરા આવી સીધાંજ સયાજી હોસ્પિટલમાં લઈ ગયા.
સ્વાતિને દાખલ કરી ને ડોક્ટરની ફોજ ઉમટી પડી. સ્વાતિને શ્વાસ લેવામાં તકલીફ પડતી હોય એને ઓક્સિજન પર રાખી. એક બાજુ બોટલ ચાલુ કર્યા. સ્વાતિના મા બાપે એમનાં સગાંવહાલાંને બોલાવી લીધા. સ્વાતિની બન્ને કિડની ફેઈલ થઈ ગઈ. એણે પલંગમાં ઉછાળા મારવાના ચાલુ કર્યા. બે જણે પગેથી અને બે જણે હાથ પકડી રાખ્યા. એણે આંખોથી ઈશારા ચાલુ કર્યા કે મને ઘરે લઈ જાવ..ઓકિસજન ચાલુ હોવા છતાંય શ્વાસ લેવામાં સ્વાતિને તકલીફ પડતી હતી એની છાતી ધમણની માફક ફુલતી હતી. એકદમ જોર કરીને સ્વાતિ એ હાથ છોડાવી ઓકિસજન કાઢી નાખ્યું અને છેલ્લા શ્વાસ લઈને એ શાંત થઈ ગઈ નિશ્ચેતન થઈ ગઈ.
બધાંના મોમાંથી ચીસ નીકળી ગઈ. ડોક્ટરો નિરૂપાય બની ગયા. વિધાતાના લેખાંજોખાં આગળ કોઈનું કંઈ ના ચાલ્યું અને શ્વાસ આમ અટકી ગયો. આવી હોનહાર સ્વાતિ આટલાંજ શ્વાસ લખાવી આવી હશે એ કોને ખબર હતી. બોર્ડનું રીઝલ્ટ આવ્યું ત્યારે સ્વાતિ આખા વડોદરામાં એકથી દશમો નંબર લાવી હતી અને એના ૮૯ ટકા હતા. આ સાચી બનેલી ઘટના છે.. મારી આંખો સામે જ સ્વાતિ એ છેલ્લા શ્વાસ લીધા હતા.