લાગણીનો ભાવ વધારો
લાગણીનો ભાવ વધારો


આવ્યા હવે દિવાળીના દિવસો નજીક અને ચારે બાજુ "ભવ્ય સેલ " ધરખમ ભાવ ઘટાડો... વગેરે વાક્યોના પાટીયા લગાવેલા જોવા મળે છે. ભવ્ય સેલની રેલમછેલમમાં ધસારોય સારો એવો થતો હોય છે ( ખાસ કરીને બહેનોના ) સેલની રેલમાં કંઈ કેટલી બહેનો બિચારી તણાઈ જાય છે. કંઈ કેટલાય રૂપિયા પર્સથી વિખૂટા પડી જાય છે. સેલ એક એવી છેતરામણી જાળ છે કે ભલભલા એમાં ભોળવાઈ જાય છે. ભાવઘટાડો જોયો એટલે આપણે ભરમાઈ જઈએ છીએ પણ આપણે ખોટમાં જ જઈએ છીએ.
આજકાલ લાગણીઓની રમત રમાય છે. સાચી લાગણી સેલની જેમ શોધવી મુશ્કેલ થઈ ગઈ છે. આજકાલ તો બસ બધે જ દંભ અને દેખાડો જ થાય છે અને દિલની ભાવનાઓ સાથે રમત રમાય છે. માટે ભલે ચારે બાજુ ભાવઘટાડાના પાટિયા માર્યા હોય પણ તમે તમારા દિલના આંગણે "ભાવ વધારા" નું બોર્ડ ટીં
ગાડી દો.
હાસ્તો .... હૈયાના ભાવ ઘટી ગયા તો ખલાશ તમારી કોઈ કિંમત નહીં રહે. ભાવ વધતો રહેશે પ્રભાવ વધશે અને માન સન્માન મળશે. ભાવ વધશે તો જીવનની નાવ આગળ ધપશે. જો ભાવ ઘટી ગયા તો જીવનની નાવમાં કાણાં પડશે અને પછી બધેથી અપમાનિત થવાશે અને પછી જેટલા તમે ઉપયોગમાં આવશો એટલા જ યાદ રહેશો નહીં તો તમે યુઝ એન્ડ થ્રો થઈ જશો. માટે જ ભાવ વધારો ભઈલા. ધંધો વિકસાવવો હોય તો મૂડી જોઈએ. ભાવનાઓની મૂડી પર તમારો ભાવ બોલાશે.
માટે જ ભાવ ઘટાડાની ભ્રમણામાં ભોળવાઈ ના જાવ. ભાવ વધારો ... પોતાનું મહત્વ સમજો.nસેલની ઘેલછા છોડો ભાવનાની મૂડી વધારો. સાચી લાગણીની દોલત એકઠી કરો. સાચા અને સારા માણસોનો સંગ કરો. સારું અને સાચું શિખો અને સારા માણસ બનો અને માણસાઈ જાળવી રાખો.