લાગણી
લાગણી
તમારી લાગણીઓને વહેવા દો. લાગણી એટલે હૃદયમાંથી વહેતું અવિરત ઝરણું. માણસમાં રહેલા બધા જ ગુણોમાં લાગણી સૌથી શ્રેષ્ઠ ગુણ છે. જે અંતરમાંથી અવિરત વહેતી રહે છે.
બધા જ લોકો સરખા નથી હોતા અમુક લોકો પોતાની ઈચ્છાઓ, લાગણીઓ બસ દિલમાં જ ધરબી રાખે છે. જયારે કેટલાક લોકો પોતાનાં હોય કે પારકા બસ લાગણીઓ અને પ્રેમ વહેંચતા રહે છે.
નિલેશ અને નયન બંને સગા ભાઈઓ હતાં. નિલેશ હંમેશા આગળ પડતો હોય. દરેક કામ હોય કે પછી કંઈપણ .... તેનું વ્યક્તિત્વ જ એવું હતું કે બધા તેને પ્રેમથી બોલાવે. બધા સાથે પ્રેમથી ભળી જાય. જયારે નયન ઓછાબોલો હતો. તે કોઈની સાથે ભળે નહી. ઓછું બોલે. તો એનો મતલબ એવો નથી કે નયન સારો માણસ નથી. બસ ફરક માત્ર એટલો જ છે. નયનને પોતાની લાગણીને વાચા આપતાં નથી આવડતું.
લાગણી, પ્રેમ, હૂંફ ને જો તમે બાંધીને રાખો તો ગુંગળામણ અનુભવશે. તેને છૂટી છોડી દો. ઘણાં લોકો કોઈની સફળતા જોઈને જલતા હોય છે. બે શબ્દો સારા પણ બોલી શકતાં નથી. જો જીવનમાં કોઈ સારા કામ કરે, આગળ વધે તો તેને પ્રોત્સાહિત કરો. બે મીઠા બોલ બોલો. તો તેને આગળ વધવાની પ્રેરણા મળશે. અને લાગણીને કુંઠિત કરી દેશો તો તમારા સંબંધો પણ ફીકા પડી જશે.
માટે તમારા દિલમાં રહેલી લાગણીઓને ક્યારેય બાંધી રાખશો નહીં. તેને સતત વહેવા દો.
