લાડકી દીકરીની ચૂમીઓની ભવ્ય ભેટ
લાડકી દીકરીની ચૂમીઓની ભવ્ય ભેટ
નાતાલ નજીકમાં જ હતી. જોસેફ બ્રિગાન્ઝાની નાનકડી દુકાન હતી ફૂલોની. અને સાથે સાથે નાની મોટી ભેટને આકર્ષક સુંદર ચમકીલા રંગરંગીન કાગળમાં લપેટી તેની ઉપર જાતજાતની સેટીનની રિબિનથી સજાવી આપતો. ઉપર શુભેચ્છા કાર્ડ પણ લગાડતો. ગિફ્ટ્સ પૅક કરવાની કળા ધારીએ એટલી સહેલી નથી જ હોતી. જોસેફ આ કામમાં ખૂબ પાવરધો બની ગયો હતો.. દૂર દૂરથી લોકો જોસેફ પાસે ગિફ્ટ પૅક કરાવવા આવતા.
જોસેફની એક નાનકડી દીકરી હતી. ઍગ્નેસ. નાનકડી અમથી. પરાણે વ્હાલી લાગે એવી ઢીંગલી. જોસેફ અને તેની પત્ની માર્થા, ઍગ્નેસ ને ખૂબ વહાલ કરતાં. અને તેને વહાલથી ઍગી કહીને બોલાવતા.સ્કૂલેથી છૂટી ઍગ્નેસ સીધી પોતાના ઘરના ગેરેજમાં જ બનાવેલી દુકાનમાં પપ્પાની પાસે દોડી જતી. ત્યાં રમતી અને ફૂલો વેચવામાં મદદ કરતી. ઍ જોસેફને ગિફ્ટ્સ પૅક કરતાં જોતી રહેતી.
એક દિવસ જોસેફ નાની મોટી ચીજ વસ્તુઓ ખરીદવા બજાર ગયો હતો. ત્યારે જ કોઈ ગિફ્ટ પૅક કરાવવા આવ્યું. ઍગ્નેસ ખૂબ જ ઉત્સાહપૂર્વક ગિફ્ટ પૅક કરવા લાગી. જો કે એના નાના નાના હાથ આ કામ કરવા ટેવાયેલા નહોતા તે એનાથી ગિફ્ટ પૅક કરવાનું ચમકીલું કાગળ ફાટી ગયું ! એટલામાં જ જોસેફ બજારથી પાછો આવ્યો... એને ઘરાકનું ગિફ્ટ તો પૅક કરી આપ્યું, પૈસા લીધા...પણ એણે ઍગ્નેસને ખખડાવી જ નાંખી ! એણે ચમકીલું એક કાગળ બગાડી મૂક્યું હતું ! જોસેફ ઍગ્નેસને ખૂબ વઢ્યો ! બિચારી ઍગ્નેસ ! એ ખૂબ રડી ! ..... પોતાના જીવનની નિષ્ફળતાઓનો ઉદ્વેગ આપણે ઘણી વાર નાનકડા ફૂલ જેવા બાળક પર વરસાવતા હોઈએ છીએ !
થોડાક દિવસો પસાર થયાં અને નાતાલ આવી. જોસેફના આશ્ચર્ય વચ્ચે ઍગ્નેસે પોતાના પપ્પા - મમ્મીને એક બોક્સ ભેટ આપ્યું..... " મેરી ક્રિસમસ, પપ્પા... મેરી ક્રિસમસ મમ્મી... " જોસેફ અને માર્થાઍ પણ ખૂબ આનંદથી પ્રતિભાવ આપ્યો, " મેરી ક્રિસમસ માય ચાઈલ્ડ ".... ઍગ્નેસે એ બોક્સ પેલા ફાટી ગયેલા ચમકીલા કાગળમાંથી જ સજાવ્યું હતું. પણ એમાં સુંદર મજાના નાના નાના અન્ય ચમકીલા કાગળના તારલાઓ બનાવીને ચોંટાડ્યા હતાં. અને રિબિન પણ ખૂબ સરસ રીતે લગાડી હતી. જોસેફ અને માર્થા આ જોઈને ખુશ થઈ ગયાં. હવે એમને ઇંતજારી હતી કે બોક્સમાં શું ભેટ હશે ! એણે ખૂબ ઉત્સુકતાપૂર્વક હળવેકથી બોક્સ ખોલ્યું ! જોસેફ નિ :શબ્દ થઈ ગયો ... બોક્સ તો સાવ ખાલી ખમ ! બોલ્યો, " બેટા,... આ બોક્સ તો સાવ ખાલી છે ! ઍગ્નેસે આંખમાં આંસુ સાથે કહ્યું, " પપ્પા, આખા બોક્સમાં મેં તમને અને મમ્મીને વહાલ કરતી ચૂમીઓ ભરી છે .... "
જોસેફ અને માર્થા તો ગળગળા થઈ ગયાં... ઍગ્નેસને છાતી સરખી ચાંપી દીધી અને બંનેએ તેને વ્હાલભરી ચૂમીઓથી નવરાવી દીધી....
સમય પસાર થતો ગયો. પણ જોસેફે ઍગ્નેસે આપેલું પેલું બોક્સ સાચવી રાખ્યું અને જ્યારે પણ કંઈ ઉદાસી અનુભવે ત્યારે ઍગ્નેસે આપેલું પેલું બોક્સ ખોલી ને એની વહાલભરી ચૂમીઓનો અહેસાસ કર્યા કરતો.
ઍગ્નેસ થોડી મોટી થઈ. કોલેજમાં ભણવા લાગી. અચાનક એક વાર ઍગ્નેસ ને અકસ્માત થયો અને તેં આ ફાની દુનિયાને છોડીને પરમ પિતા ઈશુની પાસે પહોંચી ગઈ. પણ...........પણ........ જોસેફ આજે પણ રોજ સવારે ઍગ્નેસે આપેલું ઍ બોક્સ ખોલે છે અને તેમાંથી પોતાની લાડકી દીકરીની ચૂમીઓની ભવ્ય ભેટ સાથે પોતાના નવાં દિવસની શરૂઆત કરે છે !
સાચે જ, પ્રેમ આ દુનિયાની અત્યંત મોંઘી અને અમૂલ્ય ભેટ છે !
આપ સહુ પણ પ્રેમની અમૂલ્ય ભેટ વહેંચતા રહેજો
