કુંપળ
કુંપળ


વિશ્વાસ અને શ્રદ્ધાનું દામ્પત્ય જીવન પવિત્ર પ્રેમનાં પરિમલથી મહેકતું હતું. શ્રદ્ધા ઈશ્ચરમાં અનન્ય શ્રદ્ધા ધરાવતી હતી. પૂજા, પ્રાર્થના, વ્રત અને ઉપવાસ જાણે તેનાં જીવનનાં અવિભાજ્ય અંગ બની ગયાં હતાં. વિશ્વાસને ઈશ્ચરમાં શ્રદ્ધા ખરી પણ એનું કામ જ એનાં માટે એનાં ભગવાન અને એની પૂજા હતી. નિતી, નિયમ, આદર્શ અને સિદ્ધાંત સાથે જીવન જીવતાં એમની જિંદગીમાં એ ખૂબ જ ખુશ હતાં. જિંદગીની હર પરિસ્થિતિને એ ઈશ્ચરની મરજી ગણીને સહજતાથી સ્વીકારી લેતાં.
પ્રસન્નતાથી છલકતાં એમનાં દામ્પત્ય જીવનમાં ક્યારે ક શ્રદ્ધા લગ્નનાં બાર વર્ષ પછી પણ ઘરે પારણું ન બંધાવાથી ઉદાસ થઈ જતી. જો કે વિશ્વાસ અઢળક પ્રેમનો વરસાદ વરસાવીને ઈશ્ચરની મરજીને સ્વીકારી લેવાં શ્રદ્ધાને સમજાવી લેતો. બંને જણાંએ નિતીનાં કમાયેલાં પૈસામાંથી પાઈ પાઈ કરીને બચાવેલાં રૂપિયામાંથી સુંદર મઝાનું નાનું ઘર ધર બનાવી લીધું હતું. ઘરમાં એક એક ચીજ શ્રદ્ધાએ પોતાને મનગમતી વસાવી હતી. ભગવાનની મૂર્તિ અને મંદિરની પસંદગી તો એણે ખૂબ જ મહેનત અને રસ લઈને કરી હતી. હજુ પંદર દિવસ પહેલાં જ સાદગીથી પણ ભાવભક્તિ સાથે એમણે એમનાં ઘર 'વિસામો' માં પ્રવેશ કર્યો હતો.
ખેર, કુદરતને કંઈક જૂદું જ મંજૂર હતું. બે દિવસથી સતત વરસતા વરસાદને કારણે નદીમાં પૂર આવ્યું. ઘસમસતા પૂરનાં પાણીમાં એમનું ઘર ડૂબી ગયું. અગાસી પર ચઢીને બંનેએ પોતાના પ્રાણ તો બચાવી લીધાં પણ ઘરની ભીની દિવાલો સિવાય બધી જ ઘરવખરી પાણીમાં તણાઈ ગઈ. નીચલા વાસમાં રહેતાં અનેકને પૂરનું પાણી ભરખી ગયું. બે દિવસ અગાસીમાં વિતાવ્યા પછી બંને નીચે આવ્યાં. શ્રદ્ધા તો મહેનતથી બનાવેલા ઘરની આ હાલત જોઈને ગાંડા જેવી થઈ ગઈ હતી. એણે વિશ્વાસને પૂછ્યું 'શું ભગવાન છે જ નહીં ? આપણે કદી કોઈનું ખોટું નથી કર્યું. તમારી કમાણીનો એક પૈસો પણ અનિતીનો નથી. આપણે ક્યારે કોઈ પાસે હાથ લંબાવ્યો નથી, પણ શક્ય એટલી બીજાને મદદ કરી છે. તમે તો કંઈ કેટલાં યે ગરીબ છોકરાંઓને મફતમાં ભણાવ્યાં છે. નિ:સ્વાર્થ ભાવે તમે કંઈ કેટલાંની સેવા કરી હશે. તો પછી આપણા 'વિસામો'ને ઈશ્ચર કઈ રીતે ઉજાડી શકે. હવે હું ઈશ્ચરમાં માનવાની જ નથી. આ પૂજા, પ્રાર્થના બધું જ નકામું છે. '
વિશ્વાસે શ્રદ્ધાનો હાથ પોતાના હાથમાં લઈને પ્રેમથી સમજાવતાં કહ્યું 'શ્રી, સુખ અને દુઃખ તો કર્મને આધીન છે. ઈશ્ચર તો એક પરમ શક્તિ છે જે આપણને હર હાલમાં જીવનને જીવંતતાથી જીવવામાં સહાયરૂપ થાય છે. વિસર્જનનો અફસોસ કરવાને બદલે એને નવસર્જનની તક અને ઈશ્ચરની મરજી ગણીને વધાવી લીએ. તને ખબર છે, આપણી પોળમાં સફાઈનું કામ કરનારા ગોપાલ અને રાધા બંને આ પૂરમાં તણાઈને મૃત્યુ પામ્યા છે પણ એમનો ચાર વર્ષનો પુત્ર કાળુ બચી ગયો છે. ચાલ, આપણે ઘરનાં નવસર્જનની શરૂઆત કાળુથી કરીએ. પ્રેમરસનાં સિંચનથી એક કુમળી કુંપળને સુવાસ ફેલાવતા પુષ્પમાં પરિવર્તિત કરીએ. કાળુને મા-બાપ મળી જશે અને તને પુત્ર મળી જશે.
આવી વિકટ પરિસ્થિતિમાં પણ વિશ્વાસની સ્થિતપ્રજ્ઞતાને જોઈ શ્રદ્ધાએ નતમસ્તક થઈ કહ્યું "ચાલો, આપણે ઈશ્ચરની મરજીનો સ્વીકાર કરવાં મારી કાળુરૂપી કુંપળને પ્રેમરસથી સિંચવા ઘરે લઈ આવીએ અને નવસર્જનની શરૂઆત કરીએ."