Shobha Mistry

Inspirational Children

4  

Shobha Mistry

Inspirational Children

કુદરતી સૂઝ

કુદરતી સૂઝ

2 mins
355


"નિલય, ત્યાં શું કરે છે ?"

"દાદા, આ ઈંડું ફૂટ્યું તેમાંથી બચ્ચું નીકળવા માટે પ્રયત્ન કરે છે. તો હું એને મદદ કરવા જાઉં છું."

"ના, ના, બેટા એવું ન કરીશ. એમ કરવા જતાં બચ્ચું મરી જશે. એ તો કુદરતની જ કરામત છે કે બચ્ચું જેમ જેમ જાતે બહાર નીકળવાનો પ્રયત્ન કરે તેમ તેમ તે મજબૂત થતું જાય. જો એમ મદદ કરવાથી બચ્ચું બહાર નીકળી શકતું હોત તો એની મા જ એને મદદ ન કરત ?"

"હં, દાદા તમારી એ વાત સાચી. જેમ મારી મમ્મી મને ઘણી વખત જાતે જ લેશન કરવા કહે છે તેમ જ ને ?"

"હા, બેટા. મમ્મી કરાવે અને તું કરી નાંખે એમાં શું મોટો વાઘ માર્યો કહેવાય ? જ્યારે તું જાતે વાંચીને તારું લેશન કરે તેમ તેમ તને બધું બરાબર યાદ રહે. પછી પરીક્ષા વખતે તારે ગોખવું ન પડે."

દાદા રમણભાઈ પૌત્ર નિલય સાથે બાગમાં ચાલતાં ચાલતાં વાતો કરતાં હતાં. દાદા એને ગમ્મત સાથે જ્ઞાન આપતાં તે નિલયને બહુ ગમતું. એટલામાં નિલયનું ધ્યાન ઝાડની ઊંચી ડાળી પરના માળામાં ગયું. તેવી જ એણે બૂમ પાડી, "દાદા, જલદી આવો. જુઓ પેલું કોઈ પક્ષી એના માળામાંથી બચ્ચાને બહાર ધકેલી રહ્યું છે. બિચારું બચ્ચું મરી જશે."

"ના, બેટા એ બચ્ચાના સારા માટે એને બહાર ધકેલી રહ્યું છે. આ પણ કુદરતની જ એક કરામત છે કે એણે પક્ષીઓને એવી સૂઝ આપી છે. બચ્ચું હજી નાનું અને કમજોર હોય ત્યાં સુધી પક્ષી ચણ લાવી લાવી બચ્ચાની ચાંચમાં આપે. એમ કરી એને પોષણ આપે પણ થોડું મોટું થયા પછી પણ જો બચ્ચું જાતે ઊડીને ખોરાક શોધવા ન જાય તો એની મા એને જાતે જ પોતાની ચાંચથી ધક્કો મારી માળામાંથી બહાર ધકેલી દે. માળામાંથી ઊંચેથી પડે એટલે પછી એ જાતે જ પાંખ ફેલાવી ઊડવા માંડે. આમ કુદરતે પક્ષીમાં પણ એક જાતની કુદરતી સૂઝ મૂકી છે."

"અરે બાપ રે ! આ તો આજે જ જાણ્યું. હવે હું મારા બધાં મિત્રોને આ સમજાવીશ."

"હા, સાથે એ પણ સમજાવજે કે એક માણસ જ એવો છે જે પોતાના બચ્ચા પચીસ ત્રીસ વર્ષના થાય તો પણ તેને પંપાળ્યા કરે છે. જેવી રીતે તારી મમ્મી તું આટલો મોટો દસ વર્ષનો થયો તો પણ તને ઘણીવાર કોળિયા ભરાવી જમાડે છે ને તેમ."

દાદાની વાત સાંભળી નિલય શરમાઈ ગયો. એણે કહ્યું, "દાદા, હવે હું મારું કામ જાતે જ કરીશ. આજે તમે પણ મને પક્ષીની જેમ ધક્કો મારી, મારી આંખ ખોલી નાંખી. જો આટલા નાના પક્ષીમાં આવી સમજ હોય તો હું તો માણસ છું. કુદરતની કરામત હું ન સમજું ? મને સરસ રીતે સમજાવવા માટે થેન્ક યુ દાદાજી."

રમણભાઈએ પ્રેમથી નિલયના માથે હાથ ફેરવ્યો અને એનો હાથ પકડી ઘર તરફ પ્રયાણ કર્યું. 


Rate this content
Log in

Similar gujarati story from Inspirational