Swati Dalal

Inspirational

4  

Swati Dalal

Inspirational

ક્ષુધા

ક્ષુધા

1 min
393


બહારથી પિઝા અને ગાર્લિક બ્રેડની મસાલેદાર સુગંધ આવી રહી હતી, આખો પરિવાર બેસીને ટીવી જોતાં જોતાં જયાફત ઉડાવી રહ્યો હતો. અંદર ના રૂમમાં જીવી બાના જીભે સ્વાદની સરવાણી ફુટી રહી હતી, કદાચ હમણાં કોઇ આવીને થોડું ક આપી જશે. એ તો પિઝાના વિચારોમાં ખોવાઈ ગયા. આહાહા..છેલ્લે બળ્યા ક્યારે ખાધા હતા ? શું સ્વાદ હતો !

બાની ધીરજ ખુટતા તેમણે વહુ ને બુમ પાડી, તરત જ ખીચડીની થાળી રૂમમાં આવી ગઈ. બા ખીચડી સામે તાકી રહ્યા. અડધો કલાક થઇ ગયો. બહારથી અવાજો પણ ધીમા થઈ ગયા. પરાણે થોડી ખીચડી ગળે ઉતારી બા થાળી મુકવા હળવે પગલે રસોડામાં ગયા. બધા જમી પરવારીને કોઇ પિક્ચર જોઈ રહયા હતા. બા એ હળવેથી થાળી સીંકમાં મુકી.

બાજુમાં પિઝાના બોક્સ હતા. કેટલાક અડધા ખાઇને છોડી દિધેલા ટુકડા તેમાથી ડોકાતા હતા. વર્ષોથી મરજાદી જીવન જીવેલા બાની સ્વાદવૃતિ પર આજે એમનો કાબુ ન રહ્યો. અડધો છાંડેલો, એંઠો ટુકડો હળવેથી ઉઠાવીને મોંમાં મૂક્યો, હજી સ્વાદ માણે એ પહેલાંજ પાછળના પગરવ થી ચોંકી ગયા. પાણી પીવા રસોડામાં આવેલો પુત્ર આશ્ચર્ય મિશ્રિત આંખે આઘાતથી બાને તાકી રહ્યો. બાની આંખોમાં શરમ અંજાઈ ગઈ. હાથમાંથી ટુકડો જમીન પર પડી ગયો. પોતાને વર્ષો સુધી ભરપેટ જમાડનાર માતાની આ દશા જોઈને પુત્રની આંખો ભરાઈ આવી. હળવેથી બાનો હાથ પકડીને બહાર લઈ ગયો. અડધા કલાક બાદ જીવી બા અને પુત્ર પિઝા શોપમા હતા. સામે ટેબલ પર પિઝા અને ગાર્લિક બ્રેડ. પુત્ર આગ્રહ કરીને માને ખવડાવી રહ્યો હતો.


Rate this content
Log in

Similar gujarati story from Inspirational