*કરવા ગઈ કંસાર ને થઈ ગઈ થુલી*
*કરવા ગઈ કંસાર ને થઈ ગઈ થુલી*
પહેલાના વખતમાં ઘરની બધી મહિલાઓ અને અડોશપડોશની પણ બધી મહિલાઓ ભેગી મળીને અલકમલકની વાતો કરતાં કરતાં ઘરે જ પાપડ બનાવતી,એ વખતની વાત છે. એમાં અમુક મહિલાઓ પાપડનો લોટ બાંધવાની નિષ્ણાત હોય તો કો'ક વળી પાપડ વણવામાં નિપૂણ હોય. બાકીની પાપડ તડકે સૂકવવામાં મદદ કરે.
એમાં મારાં ફોઈનો પાપડનો લોટ બાંધવામાં આખાંય ઉમરેઠમાં જોટોય ના જડે. એકદમ જોરદાર, ચટાકેદાર, મસ્ત લોટ બાંધે.
મારા પૂ પપ્પાજીએ ફોઈને સરપ્રાઇઝ આપવાનાં આશયથી ઓચિંતા જ ઉમરેઠ એમનાં ઘરે મળવા જવાનો પ્લાન નક્કી કર્યો. એટલે એકદમ અચાનક અને ઓચિંતા જ એમનાં ઘરે અમે જઈ ચડ્યાં.
હવે એ જ વખતે એમનાં ઘરે પાપડ બનાવવાનો પ્રોગ્રામ પહેલેથી જ નક્કી હતો.
ફોઈબા પાપડનો લોટ બાંધવાના નિષ્ણાત...!
એમણે લોટ બાંધવાની હજી શરૂઆત કરી હતી ને અમે જઈ ચડ્યાં.
એટલે અમને સહુને, અને ખાસ કરીને મારા પપ્પાજીને એટલેકે એમનાં વ્હાલા મોટાં ભાઈને જોઈને હરખપદુડા થઈ ગયાં.
એમણે એમનાં ઘરે પાપડ વણવા માટે મદદ કરવા આવેલી અડોસપડોશની મહિલાઓને કહી દીધું ,"હું તમને ફટાફટ લોટ બાંધી આપું છું, તમે બધા વણી કાઢજો, હું તો મારા ભાઈ જોડે નિરાંતે બેસીને વાતો કરીશ.ઘણાં વખત પછી મારો મોટો ભાઈ મારા ઘરે આવ્યો છે.
આવું કહી ,.. એ તો મંડ્યા લોટ બાંધવા...!
હરખમાં ને હરખમાં એમણે તો જલદી જલદી બધાં મરી મસાલા નાંખવા માંડ્યા ને લોટને ટૂંપી કૂટીને ફર્સ્ટ ક્લાસ બાંધીને રેડી કરી દીધો...!
સરસ મઝાનો લોટ બાંધીને એ તો બેઠાં એમનાં ભાઈ સાથે વાતો કરવાં...!
સુખ-દુઃખની વાતોનો દોર એટલો લાંબો ચાલ્યો કે પાપડ તો વણાઈને સુકવાઈ પણ ગયાં.
હવે મોટાભાઈની સરભરા કરવાનું ફોઈને યાદ આવ્યું.ચા-નાસ્તાનો દોર ચાલુ થયો.
મારા પૂ પપ્પાજીને પાપડ બહુ ભાવે એટલે ફોઈ બોલ્યાં, "લાવ..તો આજનાં તાજા પાપડ જરા શેકીને ટેસ્ટ કરીએ."
એટલે હું તડકેથી સૂકાયેલ થોડાક પાપડ ટેસ્ટ કરવાં માટે લઈ આવી.ફોઈએ શેકી જોયાં.
બધાં જ ખાય ને કંઈક વિચિત્ર મોઢા બનાવે...!
સહુને ટેસ્ટ વિચિત્ર લાગે..!
કાયમ પોતાના પાપડનાં વખાણ સાંભળવા ટેવાયેલાં ફોઈને આવો પ્રતિભાવ થોડોક અકળાવી ગયો..!
અચાનક એકસાથે બધાંનાં જ વિચિત્ર હાવભાવ જોઈને ફોકથી રહેવાયું નહીં.
એ પુછવા લાગ્યાં,"મસ્ત થયાં છે ને?"
બધાં એ સાગમટે ફોઈ સામે જોયું..!
બધાની આંખો ફોઈ તરફ..., ફોઈને શંકાની નજરથી જોવા લાગ્યાં.
એકી અવાજે બધાં બોલ્યાં,
ફોઈ, આ શું નાખ્યું છે પાપડના લોટમાં તુરુ તુરુ...?
થોડીક વારમાં જેણે વધુ પાપડ ખાધાં એના તો સંડાસના આંટા ફેરાં ચાલુ થઈ ગયાં.
સહુની ધીરજનો બાંધ હવે તૂટ્યો..!
ફોઈને શંકાના કટઘરામાં ઊભા રાખી પૂછપરછ ચાલુ કરી.
મગજને જોર આપી લોટમાં શું શું નાખ્યું હતું તે યાદ કરવા કહ્યું..!
લોટ બાંધવાની આખી પ્રક્રિયા, મસાલા યાદ કરવા કહ્યું.
ત્યાં તો ફુવા દોડતા આવ્યાં "મારી હરડેની ફાંકીનો ડબ્બો કોણ અહીં મૂકી ગયું...?"
ત્યાં તો ફોઈ તાડુંક્યા,
"ઓ માંડી રે, બળી તમારી હરડે...!
કોણ અહીં મૂકી ગયું ?
મેં એને સફેદ મરચાંનો પાવડર સમજી પાપડના લોટમાં નાંખી દીધી.!
આખાંય પાપડનાં લોટની મોકાંણ એમાંજ મંડાઈ ગઈ...!
શું કરું..?!
હે ભગવાન..!
બધી મહેનત પાણીમાં ગઈ..!
ફુવાનો તો જીવ હજી એમની હરડેમાં જ અટકેલો હતો..!
એમનો દિવસ એનાંથી જ તો ચાલુ થતો હતો..!
ફુવા બોલ્યાં, " કાંઈ વાંધો નઈં, સવારનાં પહોરમાં નયણે કોઠે હરડેને બદલે બે પાપડ શેકી ખાઈ લઈશ...!"
"બળી તમારી હરડે"...! ફોઈ તાડુક્યા અને બોલ્યાં, "એની લ્હાયમાં ને લ્હાંયમાં...." કરવાં ગઈ કંસાર ને થઈ ગઈ થુલી"
પછી અમે સહુ ભેગાં મળીને ખુબ હસ્યાં.
હજુય આ વાત યાદ આવે ત્યારે હાસ્યની છોળો ઉડે...!
(આ સત્ય ઘટના છે.)
