કર્તવ્ય
કર્તવ્ય


કચ્છના અંજાર ગામની વાત છે. 26 જાન્યુઆરીનો એ ગોઝારો ધરતીકંપ કમળાબેન માટે કારમો દિવસ બની ગયો. એક ના એક પુત્રને ખોઈ દીધો. વર્ષો પહેલા પતિને પણ ધરતીએ તેનામાં સમાવી લીધા હતા.
તેમની નિઃસંતાન પુત્રવધૂને જોઈ તેમનું દિલ દ્રવી ઉઠ્યું. તેમને ચિંતા ઘેરી વળી. તેમના પછી તેમની પુત્રવધૂનું કોણ? આ વિચારે તેમને એક ક્રાંતિકારી વિચાર આવ્યો. પુત્રવધૂ નું પુનઃલગ્ન.
એ વિચારને પ્રદર્શિત કરે એ પહેલાં જ તેઓ બિમારીમાં પટકાઈ ગયા તેમની વહુએ દીકરાને ભુલાવી દે તેવી સેવા કરી. બિમાર કમળાબેને તેના દિલની વાત કરી. પણ તેમણે તે કાને ધરી નહીં અને અંતે લાંબી માંદગી બાદ કમળાબેનનું મૃત્યું થયું. આજુબાજુના લોકો ભેગા થયા અને અગ્નિ સંસ્કાર કોણ આપશે તેની ચર્ચા કરવા લાગ્યા. કમળાબેન ને તો દૂરના સગા સંબંધી પણ નથી. લોકોમાં અંદરોઅંદર કમળાબેન બિચારા તેવી ચર્ચા થવા લાગી. એ જ સમયે તેમની પુત્રવધૂ રૂમમાંથી બહાર આવી. અને તેણે જાહેર કર્યું કે અગ્નિ સંસ્કાર હું આપીશ. લોકો તેમને સમજાવવા લાગ્યા. પણ તે એક ની બે ન થઈ. તેણે કહ્યું કે હું કમળાબેનનો પુત્ર પણ છું અને પુત્રવધૂ પણ. અને આ મારું કર્તવ્ય છે. અને સ્મશાનમાં જઈ અગ્નિ સંસ્કારની વિધિ કરી ત્યારે ત્યાં ઊભેલા લોકોની આંખોમાં મૂંગા આશીર્વાદ વરસી રહ્યાં હતાં અને ત્યારે કદાચ કમળાબેનનો આત્મા પણ તેની પુત્રવધૂ પર ગૌરવ અનુભવતો હશે.