કરો તેવું ભરો
કરો તેવું ભરો


અંતરીક્ષમાં વીજળી ઝબૂકી. વાદળો ગરજી ઉઠ્યા અને એ સાથે ઝરમર વરસાદ વરસી પડ્યો. આકાશમાંથી વરસી રહેલા એ વર્ષાના બિંદુઓ પૃથ્વીને સ્પર્શતાંજ પૃથ્વી અસહ્ય વેદનાથી તડપી ઊઠી. આઘાત ન જીરવતા તેણે વિલાપ કરતા કહ્યું, “ઘોર કલયુગ છે. ભાઈ, ઘોર કલયુગ. હે! વાદળા પૂર્વે તારા થકી થતા અમી છાંટણાથી મારું અંગેઅંગ પુલકિત થતું. જયારે આજે તારી બુંદોથી સર્વાગ દઝાઈ રહ્યું છે. સળગી રહ્યું છે. પૂર્વે તારા થકી મને શુદ્ધ જળ મળતું જયારે આજે શુદ્ધ એસિડ ! ભલા વાદળા જરાક તો વિચાર કર. મારી પર નિવાસ કરતા આ માનવી તારા આ કૃત્યને લીધે કેટકેટલું ભોગવે છે. વેઠે છે. ખમા કર ભૈસાબ, ખમ્મા કર અને ફરી પાછુ શુદ્ધ જળ વરસાવાનું પ્રારંભ કર.”
વાદળું ગરજી ઉઠ્યું, “પૃથ્વીબેન, આ તો ઉલટો ચોર કોટવાલને દંડે એવી વાત થઇ ! પહેલા તમારા તરફથી અંતરીક્ષના વાયુમંડળમાં જળની શુદ્ધ બાષ્પ આવતી ત્યારે હું શુદ્ધ જળ વરસાવતો હતો. જયારે આજે માનવીઓએ નિર્માણ કરેલા આ કારખાના અને વાહનોના પ્રતાપે વાયુમંડળમાં ધુમાડા સ્વરૂપે સલ્ફર ડાયોક્સાઈડ અને નાઈટ્રોજન ઓક્સાઈડ જેવા તત્વો ભળી રહ્યા છે. જે પાણીની બાષ્પમાં ભળી જતા એસિડમાં પરિવર્તિત થાય છે. હવે તમે જ કહો તેમાં મારી ભૂલ? આ તો બેન, સીધી વાત છે કે, કરો તેવું ભરો.”
આમ કહેવાની સાથે વાદળ મુશળધાર વરસી પડ્યો.
પૃથ્વીના મસ્તિષ્કમાં વાદળના શબ્દો ભમી રહ્યા, “કરો તેવું ભરો. કરો તેવું ભરો.”