કરજ
કરજ


"એય, અહીં કેમ બેઠો છે ? આ જગ્યા તારો બાપ તારા નામે કરી ગયો છે ? શહેરમાં પગ મુકવાની જગ્યા નથી ને તું અહીં અડ્ડો જમાવીને બેઠો છે. ઉઠે છે કે નહીં ?" પોલીસના ડંડાથી બચવા ઘણા પ્રયત્ન કર્યા પણ પગની ખોડને કારણે કાળીયો દોડી ન શક્યો. સારું થયું થોડો હટી ગયો એટલે માથાની જગ્યાએ બાવડે ઘા પડ્યો.
દોડતો-ચાલતો ઉઠીને તેનો ખજાનો, એકમાત્ર પોટલું અને તૂટેલી લાકડી લઈને ભાગ્યો. ભીખ માંગનારનું પોતાનું શું હોય ! ક્યાં જાય બિચારો? આમ તો મંદિરે સારી કમાણી થઈ શકે પણ મંદિરે તેના કરતા જલદી પહોંચી બધાં બેસી જતા. મોટેભાગે જગ્યાના અભાવે તેને પાછા ફરવું પડતું. આજે પણ એમ જ થયું. કાળીયાએ જોયું કે ટ્રાફિક ઘણો છે, પોલીસો ટ્રાફિકને નિયમિત કરવામાં વ્યસ્ત છે એટલે એ અવરજવરવાળા રસ્તા પરજ બાજુમાં બેસી જાય તો અડધા દિવસમાં આખા દિવસની કમાણી કરી લેવાય. પણ પોલીસની નજરે ચઢી ગયો!
તેની જેમ જ બાજુમાં બેઠેલા ફેરિયાને પણ દંડાવાળી કરીને ઉઠાડ્યો. તેનો તો નાનકડી દુકાન માંડેલો ઠેલો તોડીને ખેદાનમેદાન કરી નાંખ્યો. તેની વેચવા માટે મુકેલી વસ્તુઓ રસ્તા પર વેરાઈ ગઈ. ખબર નહીં શું ખુન્નસ ભરાયું કે પોલીસ તેને મારતી હાથકડી પહેરાવીને લઈ ગઈ. કાળીયાને ન સમજાયું કે ફેરિયાએ શું ગુનો કર્યો છે !
ગાડીના
એકધારા હોર્ન વાગવા માંડ્યા ત્યારે કલ્લુશેઠ ચોંક્યા. આ જ સિગ્નલે એના માટે નસીબના દરવાજા ખોલી દીધા હતા. બાજુમાંથી પસાર થતી ગાડીઓમાંથી શબ્દો સાંભળતો રહ્યો. "સાહેબ સિગ્નલ ક્યારનો ખુલી ગયો છે. તમારે ન જવું હોય તો બાજુ પર ખસી જાઓ. અમારે મોડું થાય છે."
ન ભૂંસાયેલી વારતા તેની નજર સામે આવી ગઈ. પેલો ફેરિયો લોટરીની ટિકિટ વેચવા સાથે પ્રખ્યાત ખંડણીખોર રાજુખંડણીનું કામ પણ કરતો હતો. તેની પાસે બધા ખંડણીની રકમ આપવા આવતા. પોલીસને આ વાતની ખબર પડી ગઈ હતી એટલે તે દિવસે તેને પકડીને લઈ ગયા. પોલીસને દૂરથી આવતા જોઈને પાંચ લાખ જેટલી ઉઘરાવેલી ખંડણીનું પાકીટ કાળીયાને સોંપી દીધું અને કાળીયાએ સિફ્તથી એ પાકીટને તેના પોટલામાં સરકાવી દીધું હતું !
થોડા દિવસો એ પૈસા કાળીયાએ સાચવ્યા પછી નક્કી કર્યું કે આ પૈસામાંથી કંઈક કમાણી કરી તેના જેવા અપંગ ભિખારીઓને મદદ કરશે. એ પૈસામાંથી એક નાની દુકાન ભાડે રાખી ચા-નાસ્તાની હોટલ શરુ કરી. આજે એ જ કાળીયાની મુંબઈમાં પાંચ હોટલ છે અને એ કલ્લુશેઠના નામે ઓળખાય છે !
હોટલે મોંઘીદાટ ગાડીમાં જતા કલ્લુશેઠ રોજ આવતા જતા એ જગ્યાએ નજર કરે છે. "ક્યાંક પેલો ફેરિયાવાળો મળી જાય તો તેના પાંચ લાખ રૂપિયા પાછા વાળીને કરજ ચૂકવી દઉં !"