કરામત
કરામત
“સુમન આજે સાંજે નદી કિનારે ફરવા જઇએ શરદપુનમની રાત છે ને મારે તારી માટે એક કવિતા લખી છે તે પણ તને સંભળાવવી છે. જઇશું ? “ મેડીકલ કોલેજની કેનટીનમાં ઇંટર્નશીપ કરતા સુમીત્તે સુમનને પુછયું. જવાબ દેવામાં સુમને જરા વાર લગાડી તેને સુમીત ગમતો હતો. તે તેનું બહુ ધ્યાન રાખતો. તેને તે, “સુમન મન ખીલા ખીલા, ના કભી ગીલા ગીલા“ કરી તેની ગમે તેવી ઉદાસીને ખુશાલીમાં ફેરવી દેતો.
સુમન પણ સુમીત સાથે લગભગ બધું શેર કરતી સિવાય કે એક રહસ્ય. અને તેથી જ તેણે એક સીમા બાંધી રાખી હતી. તે સદાય જાગ્રુત રહેતી કે તેમની વચ્ચે મૈત્રી રહે. પ્રેમની વાત વચ્ચે ના આવે. તે સુમિતને બહુ પ્રેમ કરતી હોવા છતાં તે પ્રદર્શિત ના થઇ જાય તેનું ધ્યાન રાખતી. સુમિત તરફથી જરા એવો ઇશારો આવે તો પણ તે વાત હસવામાં ઉડાડી દેતી.
સુમિત પણ પરેશાન રહેતો કે આમ કેમ ? ખેર ધીરજ રાખવી રહી. સુમને જવાબ આપવાને બદલે સામે પ્રશ્નાર્થ ભાવો ચહેરા પર લાવી દીધા.
“બસ એમજ, અને રીલેક્ષ આપણે એકલા નથી જતાં આપણા સર્કલના બધા છે”
સુમને સ્મિત સહ ડોકું હકારમાં હલાવ્યું. “ઠીક છે નઉ વાગે પીક અપ કરવા આવું છું, ઓલ્વેઝ નૈન ઇસ ફાઈન ફોર અસ“
હા નદી એટલે ઇંગલ્ંડમાં આવેલા બેડફર્ડની રીવર ઉઝ જેના બંન્ને કિનારા હરીયાળા છે ને બે કિનારા ને જોડતા ઘણા બ્રીજ. ત્યાં લોક કરતાં નદીમાં તરતા સફેદ હંસ તો જાણે નદીના મુખ્ય શિરોમણિ જ. આ નદી પર ગમે ત્યારે જાઓ એનું અદ્ભુત સૌંદર્ય તમને ભાવ વિભોર કર્યા વગર ના રહે, એક એવી સમાધિ અવસ્થામાં તમને લાવી મુકે કે તમને થાય બસ જીવનની આ જ અંતિમ પળ હો. અને રીવર ફેસ્ટીવલ પણ માણવા જેવો. બધા પોતપોતાની બોટોને શણગારે ને નદીમાં સહેલ કરે કરાવે. બંને કિનારે મેળો જ ભરાય. હા નદી સૌની માનીતી. ક્યાં જવા કોઇ ક્યારે પણ ના નજ પાડે.
ને આમ સૌએ ચાંદની રાતમાં ચાંદ શિર્ષક પર ઘણા ગીતો ગાઇને મજા માણી. સુમિતની ઇચ્છા સુમનના સુમન સુધી પહોંચવાની હતી જેનો કોઇ ચાંસ ના મળ્યો. એ એની ફ્રેંડ્સના ગ્રુપમાં જ વધુ ઘેરાયેલી રહી. આમ જ બંન્ને પોતપોતાના મેડીકલ રીસર્ચ પ્રોજેક્ટમાં અટવાયેલા રહ્યા.
વસંત પંચમી આવી રહી હતી, સુમિતને ફરી આશા બંધાઇ કે કંઇ સંગીતીક પ્રોગ્રામ કરીશું પણ કંઇ મેળ ના પડ્યો. ને બીજે દિવસે સંગીત પ્રેમીઓના મન પર વજ્રઘાત કરતા સમાચાર આવ્યા, આપણા સૌના લાડીલા માનીતા મા શારદાના અવતારી કોકીલ કંઠી લતાજીએ વિદાય લીધી.
થોડા દિવસમાં જ તેમના વડીલ સમા હેમંતભાઇ મટાણીનો ફોન આવ્યો કે આપણા ગ્રુપને લઇને ઘરે આવો લતાાજીને સંગીતાંજલી આપીએ. હેમંતભાઇના પિતા ચંદુભાઇ મટાણીને સુમિતના પિતાની મોમ્બાસાની સંગીતમય મૈત્રી લંડનમાં પણ અવિરત રહી. અને તેઓએ લતાજીના ઘણા સ્ટેજ શોનુ આયોજન કર્યું હતું ત્યારે લતાજી ઘણી વખત ઘરે આવતા. નિર્અભિમાની સાદગીથી શોભતા.
આમ તે દિવસે સૌ કંઇક અંશે ગંભીર હોઇ, સુમિતની મનોયાત્રા આગળ ના વધી. બંનેનેના મનોતાર તો એક હતા ને ડીજીટલ સાધનોથીને હોસ્પીટલમાં દર્દીઓની સારવારને કારણે સંપર્ક સેતુ તો અકબંધ હતો, એક સીમારેખા સુધી.
એક દિવસ સુમનનું મોઢું ઉતરરેલું જોઇ સુમિતે પુછ્યું ''શું થયું ?'' સુમને કહ્યું ''તેના ચાઇજીને (દાદીને )સારું નથી ને ઘરે જવું પડશે.'' સુમિતે તરત કહ્યું, ''રીલેક્ષ, પાસપોર્ટની ડીટેલ આપ.''
અને મને કલાક આપ ત્યાં સુધી ઘરે બધાના સંપર્કમાં રહે. સુમિતે જાદુની છડીની જેમ નૈનીતાલ જવા દિલ્હીની અરજંટ પ્લેનની બે ટીકીટ ઘઢાવીને તેની ટીકીટ તેને આપી અને કહ્યું, ”શુભયાત્રા “
બંન્ને માટે રજાની વ્યવસ્થા પણ તેણે કરી લીધી સુમનને તેણે સરપ્રાઇસ આપવી હતી. સુમન પ્લેનમાં તેની સીટ પર આવીને બેસી ગઈ. બેલ્ટ બાંધીને એક પુસ્તક ખોલીને વાચવામાં મશગૂલ થઇ ગઈ. અને વિચારતી કે કોણ આવશે બાજુની સીટ પર. જે હશે તે, કરીને ફરી વાંચનમાં મન પરોવ્યું. જેથી તાઇજીની તબિયતના ખોટા વિચારો ના સતાવે. પ્લેનના દરવાજા બંધ થવાની અણી પર હતા ને એક હોસ્ટેસ બેગ રાખવાના ખાના બંધ કરીને ફાઇનલ ચેકીંગ કરતી હતી, ત્યાં સુમિતની એંટ્રી થઇ. તે બેગ ઉપર રાખીને સુમનની બાજુમાં બેસી ગયો. તે તો તેને જોઈને આશ્ચર્યમાં ડૂબી ગઈ. સુમિતે તેને ચપટી વગાડીને સભાન કરી. દિલ્હી સુધીની હવાઈ સફર સારી રહી ને ત્યાંથી નેનીતાલ ટેક્ષીમાં. સુમનને તેને ઘેર મુકી તે હોટેલ પર પહોંચ્યો. ચાઇજીની તબિયત સુધારા પર હતી.
સુમન સુમિતને નેનીતાલમાં ફેરવતી ને એક દિવસ તે તેને સુમન નર્સિંગ હોમ અને સુમન શિશુકુંજમાં લઇ આવી. સુમિત તો જોઈને દંગ થઇ ગયો સુમન નર્સિંગ હોમ ને સુમન શિશુ કુંજ એટલે ઇશ્વરને અહીં બાળ સ્વરૂપે આવવાનું ખાસ મન થાય ને યોજન પ્રયોજન કરી અહીં પધરામણી કરે જ. કારણ બંન્ને આવાસો સદાય આનંદ કિલ્લોલથી ગુંજતા હોય. સુમનના આ આવાસો સુગંધથી મહેકતા હોય.
પરીઓ જેવી સેવિકાઓ સ્મિતથી સેવા કરવા સતત ખડે પગે તૈયાર હોય અને નર્સિંગ હોમની દિવાલો સુંદર બાળકોના ચિત્રોથી સુશોભિત તો છે જ પણ તે ઉપરાંત એક દિવાલ પર કચ્છના ભાવનાબેન ખત્રીના ચિત્રો તો અદ્ભુત છે, જે ગર્ભિત બાળકોની નઉ ખાસ તસ્વીરો છે. જેમાં એક મહીનાથી લઇને નવ મહીના સુધીના ગર્ભના વિકાસના રમૂજી ચિત્રો દોર્યા છે. જેમ કે પાંચમા મહીનાથી શ્રવણેન્દ્રીયનો વિકાસ થાય તો ચિત્રમાં ગર્ભમાં બાળકના કાન પર હેડફોન પહેરાવી દીધો છે. નીચે ટુકું લખાણ “સંગીત જીવનને સંવાદી ને સુંવાળું રાખે” અને નવમે મહીને બાળકના હાથમાં એક ટ્રેાલીબેગ પકડાવી છે ને લખ્યું,”ટાઇમ ટુ ગો હોમ “
બાજુમાંજ શિશુ કુંજ તો જાણે નાનું નંદનવન, ફુલ છોડની હરીયાલી વચ્ચે રમત ગમતના અનેક સાધનો ઉપરાંત સંગીતના સાધનો જેવાકે ગ્ઝાયેલોફોન જે રંગબેરંગી લોખંડની ભુંગળીઓથી એક સ્ટેંડ પર ગોઠવેલી હોય ને રબરના દડાવાળી લાકડી પણ બાજુમાં રાખેલી હોય જેનાથી બાળકો વગાડીને સંગીતમય અવાજની ઓળખ પ્રાપ્ત કરી શકે, સાથે જુદી જુદી જાતના ને સાઇઝના ઢોલ ઢોલક પણ ખરા, ત્યાં પણ પરી જેવી સેવિકાઓ બાળકોને રમાડવા તૈયાર,
ગર્ભવતી મહિલાની સાથે આવેલ બાળકો માટે અથવા અહીંના નર્સિંગ હોમમાં જનમેલા બાળકો ને રમવા માટે શિશુકુંજ આશિર્વાદ સમાન છે, આજુબાજુ પણ કોઇ વર્કીંગ વુમનના બાળકોને સંભાળવા માટે કોઇ ના હોય તો અહીં તેમની જ્ઞાન ગમ્મત ભરી સરસ સંભાળ લેવાય છે.અહીં આવનાર સૌ સાથે સુમન બહુ આત્મીયતાથી વર્તે. તેમાંય વેણુબેન જે બાળકોને સંગીત ને સાહિત્ય પીરસતા એટલે કે વાર્તા વાંચી સંભળાવે ને સાથે ગીતો ગાતા લટકા મટકા કરતા, ચહેરા પર ભાવ પર્દર્શન સાથે અભિનય પણ કરે. તે બાળકોના પ્યારા દાદીમાં છે. સુમિત આ બધું જોઈને ખુશ થયો. પણ તેને કંઇ સમજાયું નહીં.
એક દિવસ પહાડીઓમાં ફરતાં ફરતાં તેઓ એક ખડક પર બેસી ગયા. શાંત નિર્જન હરિયાલીમાં બંન્ને ખામોશ બેઠા હતા, ને સુમિતે સુમનનો હાથ પકડી લીધો ને તેને પોતા તરફ ફેરવી પુછ્યું, “બોલ સુમન શું છે ? તને કઇ વાત પરેશાન કરે છે, હું વચન આપું છું, જે હશે તે, હું તને તારા સર્વાંગી સ્વરૂપને સ્વીકારવા તૈયાર છું. પ્લીઝ કહે શું વાત છે ? તારી ખામોશી મારાથી હવે સહન નથી થતી. તું તું છો. બસ એજ મારી માટે બધું છે. “
થોડી ચુપકીદી પછી સુમન બોલી, “સુમન નર્સિંગ હોમ અને સુમન શિશુકુંજ એ મારી અંતિમ મંઝિલ છે. “
“એટલે ?”
“મને યૌવનમાં પ્રવેશ્યા પછી પણ માસિક ના આવ્યું,અને ચેક અપ કરતાં ડોકટરે આઘાતજનક સમાચાર આપ્યા કે ઇશ્વર મારામાં ગર્ભાશય મુક્તા જ ભુલી ગયા છે. વજ્રઘાત જેવા સમાચારથી દુખી મને ઘરે આવી અમે સૌ ખુબ રડ્યા કે આ કેવી કયામત ? ત્યાં મારા હાથમાં “નીક”ની એક વિડિયો આવી જેમાં તેને તો ભગવાન હાથ પગ જ આપતા ભુલી ગયા ને છતાં એ માણસે જે કરામત કરી એવી તો કોઇ ના કરી શકે. બધી જ પ્રવુતિઓ કરે છે ને પરણ્યો ને પિતા પણ બન્યો. તે તેની વ્હીલ ચેર પર બેસી દુનિયા આખી ફરીને પ્રેરણાદાયી આનંદમાં રહેવાના ભાષણો આપે છે. બસ મન ભરીને રડી લીધા પછી મનને મક્કમ કરી આમાંથી બહાર આવી અને નક્કી કર્યું કે મારે મેડીકલમાં જ જવું છે ને ગાયનીક બની અન્ય કુટુંબમાં બાળકોની ફુલવાડી સજાવવી છે.
ડોકટર વંશીબેન અમારા સીનીયર અધ્યાપિકા છે. ને અન્ય ક્લીનીકમાં પ્રેકટીસ કરે છે. પપ્પાએ તેમને વાત કરી કે મારે સુમનનું સ્વપ્ન શણગારવું છે, જેમાં તમારો સાથ સહકાર જોઇએ છે. સુમન તેનું ભણતર પુરું કરી લે, તેની ઇનટર્નશીપ પુરી કરી લે ત્યાં સુધી ને પછી પણ તમારો સહકાર જોઇએ છે. ને માનો વંશીબેન એંજલ બની અમારા જીવનમાં આવ્યા. સૌએ સાથે મળીને સુમન યુનિટ ઊભું ક્યું. મારા અભ્યાસની સાથે સાથે હું સુમન યુનીટમાં આવતી રહેતી, વંશીબેનની સાથે સાથે શીખતી પણ ગઇ. બસ હવે ફરી લંડન જઇ ઇનટર્નશીપ પુરી કરીને આગળ ફેલોશીપ કરીને, સુમન યુનિટમાં વંશીબેન સાથે જોડાઇ જઇશ,”
સુમિત આખી વાત સાંભળીને સ્તબ્ધ થઇ ગયો, કે આ કેવી કયામતવાળી કશ્મકશ વાત છે ને છતાં આખા કુટુંબે ઇશ ક્રુપાથી કરામત સર્જી. ને જાણે સુમન તો અત્યારથી જ જગતમાતા બની ગઇ છે, જે રીતે તે ત્યાંના બાળકો સાથે રમે છે, ખોળામાં બેસાડીને ખવડાવે, ખોળામાં સુવડાવે વગેરે. હોટલ પર આવીને આખી રાત તે વિચારતો રહ્યો. મારે પણ આ કરામતમાં યોગદાન દેવું છે. તેઓએ માંડેલા આ પવિત્ર યજ્ઞમાં આહુતિ આપવી છે. મારા શુક્રાણુ થકી કોઇના ઘેર પારણા બાંધવા છે. ને સુમનને સાથ આપીને હું પણ જગતપિતા બની શકીશ. બીજે દિવસે તે સુમનના ઘરે પહોંચી ગયો અને તેના મમ્મી પપ્પાને ચાઇજીને મળીને વંદન કરીને પોતાનો નિર્ણય જણાવી સુમનના હાથની માગણી કરી. આવા પ્રસ્તાવનો કોણ ઇનકાર કરી શકે. ?
ભણતા ભણતાં જ સુમિતનેા પરિચય થયો ને તે દેવદુત બની જીવનમાં આવ્યા ને સુમનના સપનામાં સાથ સહકાર આપ્યો
બસ,અમે આમ જ જગતના માતા પિતા બનીશું, ઇશ્વરની કયામતને તેની જ ક્રુપાથી કરામતમાં ફેરવી દઇશું.
કરુણાકરની કરામત ભરી રમત કયામતથી કરામત સુધીની યાત્રા પણ તેની જ કરામત છે. નભ મંડળથી ગર્ભ મંડળની તેની અવર્ણીય અનોખી અનંત અવિરત અખિલાઈ ભરી આનંદમય યાત્રા અને છતાંયે ક્યાંક સમજીને કરેલી ચુક સર્જે કયામત પણ એણે જ માનવીને આપેલ સુબુદ્ધિથી સુમને કયામતથી કરી કરામત.
રજનીભાઇએ ખય્યામજી માટે લખેલ લેખના શબ્દો અહીં પણ સાચા પડે છે કરામત કરનાર તો કરુણાનો કરનાર જ. માનવ કરી કરી ને શું કરે, કેટલી કરામત કરે,
ભગવાનમાં કોઈની સલાહ લીધા વિના, બધાની સામે, કોઈને કોઈક બનવાની વૃત્તિ છે.
