કોરોના યોધ્ધા
કોરોના યોધ્ધા


૨૮મી માર્ચ, ૨૦૨૦નો એ દિવસ જાણે એના માટે કાળા કેર સમાન હતો. હોસ્પિટલમાં એની આંખ સામે ચાર કફન ઓઢાડેલી લાશો પડી હતી. એ ખૂબજ ગભરાઇ ગઇ. એણે આ ચાર જણના ખૂન નહતા કર્યા, છતાં પણ જાણે એ પોતાની જાતને એ ચારેયના મૃત્યુ માટે જવાબદાર માનતી હતી.
એને ૨૫મી માર્ચનો એ દિવસ યાદ આવ્યો, જ્યારે એને હોસ્પિટલમાં “કોરોના પોઝિટિવ”ના લીધે દાખલ કરી હતી. ૨૧મી માર્ચે એ અમેરિકાથી “કોરોનાના કહેર” ને લીધે અમદાવાદ (ભારત) પાછી આવી હતી. એ એરપોર્ટ પર ઉતરી ત્યારે કરવામાં આવેલ પરીક્ષણમાં કશું શંકાસ્પદ ન જણાતાં તેને ઘરે જવા દીધી હતી, પરંતુ, તેને “હોમ ક્વોરેન્ટાઇન” રહેવા માટે કહેવામાં આવ્યું હતું. બે-ત્રણ દિવસ ઘરે રહ્યા બાદ અને કોઇ જાતની તકલીફ ન થવાથી એ ૨૪મી માર્ચે ઘરની બહાર નીકળી. એના પાડોશીઓએ એને બહાર ન જવા માટે સમજાવી, પણ એને કોઇની પરવા ન હતી.
એના બહાર ગયા બાદ તેના પડોશીઓએ કોર્પોરેશનમાં ફોન કર્યો. અને કોર્પોરેશનના બે કર્મચારીઓ તથા એક પોલીસ અધિકારી તેને ઘરે લઇ આવ્યા, અને બહાર ન નીકળવાની હિદાયત આપી. બીજા દિવસે એની તબિયત નરમ થઇ અને “કોરોનાના લક્ષણો” દેખાયાં. એને તાત્કાલિક હોસ્પિટલમાં દાખલ કરાઇ. એને દાખલ કરાયાના થોડાકજ કલાકોમાં બીજા ત્રણ જણાને “કોરોના પોઝિટિવ ટેસ્ટ”ના કારણે દાખલ કરવામાં આવ્યા. એ ત્રણ જણા હતા, એના “હોમ ક્વોરેન્ટાઇન”ના ભંગ વખતે એને ઘરે પાછા પહોંચાડનાર, કોર્પોરેશનના બે કર્મચારીઓ તથા એક પોલીસ અધિકારી, જેની જોડે તેણે ગેરવર્તાવ કર્યો હતો. એ ખૂબ ગભરાઇ ગઇ.
બીજા દિવસે બપોરે એની સારવાર કરનાર ડોક્ટર પણ “કોરોના પોઝિટિવ” જણાતાં તેને આઇસોલેસનમાં રાખવામાં આવ્યો. અત્યારે આખા અમદાવાદમાં ફક્ત પાંચ જ પોઝિટિવ કેસ હતા, તે પોતે અને તેના કારણે, બીજા ચાર જણા. ૨૪ થી ૩૬ કલાકમાં તેના સિવાયના ચારેય જણના મૃત્યુ થયા હતા. અને તેમના મૃતદેહો તેની સામે હતા. તેને પોતાની જાત પર ઘૃણા ઉપજી, તે “કોરોના યોધ્ધા”ની “કોરોના ભક્ષક” બની હતી. તે જોરથી ચીસ પાડી ઉઠી.
અને અચાનક તે ઝબકીને જાગી ઉઠી, તેણે સામેના કેલેન્ડરમાં આજની તારીખ જોઇ, ૨૪ માર્ચ,૨૦૨૦. તે બે દિવસ પહેલાં જ અમેરિકાથી આવી હતી અને “હોમ ક્વોરેન્ટાઇન” હતી. આજે તે દૂધ અને શાકભાજી લેવા બહાર નીકળવાની હતી, પણ કદાચ આ સ્વપ્ન તેના માટે ચેતવણી સમાન હતું અને તેણે ઘરની બહાર નીકળવાનો વિચાર માંડી વાળ્યો. તે ખરા અર્થમાં આજે “કોરોના યોધ્ધા” બની હતી, અને દેશના “કોરોના યોધ્ધાઓ” – ડોક્ટર્સ, નર્સો, પોલીસો, સરકારી કર્મચારીઓ, સફાઇ કર્મચારીઓ ને “કોરોના વાયરસ” સામે લડવામાં પોતાનો સહકાર આપ્યો.