કોનો પ્રેમ ચડિયાતો ?
કોનો પ્રેમ ચડિયાતો ?
"સોહમ, શું યાર ! તું મારા વિવાહમાં પણ ન આવ્યો?"
"મિલન,શું કરું, ખૂબ જ વ્યસ્તતા હતી. પણ એ કહે મારો મોસ્ટ એલિજિબલ બેચલર મિત્ર કોના માટે શહીદ થયો છે?"
"શૈલીન છે એનું નામ. આર.એસ મસાલા સુરતની માલિક રીવાબાની પૌત્રી. શૈલીનના માતા પિતા એ નાની હતી ત્યારે જ એક અકસ્માતમાં મૃત્યુ પામ્યા હતા. ત્યારબાદ રીવાબાએ એકલા હાથે શૈલીન અને કુટુંબનો પરંપરાગત વ્યવસાય સંભાળ્યો.ગયા વર્ષે જ શૈલીન ન્યૂયોર્કથી MBA કરીને આવી છે."
"હમમમ... એ બધું બરાબર , પણ ફોટા તો બતાવ તારા વિવાહના ?"
"હા, જો આ શૈલીન અને ડાબી બાજુ તેના દાદી."
"આ રીવાબા છે? મિલન "
"કેમ શું થયું?"
"જ્યાં સુધી હું જાણું છું આ લેડીને મેં મારા પિતાના વ્યસનમુકિતના NGOમાં સફાઈકર્તા માસી તરીકે જોયા છે. ભરૃચમાં, મારી વાત પણ થઇ છે. ઘણીવાર એમની સાથે હોઈએ ત્યારે એ કહેતા હતા, કે મારી પૌત્રીને બોમ્બેથી આવી ત્યારથી તેને ડ્રગ્સનું વ્યસન લાગ્યું હતું, હું મધ્યમવર્ગીય પરિવારમાંથી આવું છું. જો અમારી પૌત્રીને અહીં મોકલીએ તો સમાજ તેની ખરાબ વાતો કરે તેથી હું અહીં કામ કરી ટ્રીટમેન્ટ વિશે જાણકારી મેળવી રહી છું, જેથી ઘરે હું એન
ે એવું વાતાવરણ પૂરું પાડી શકું. તમારા પિતાને પણ આ અંગે જાણ છે. મતલબ,શૈલીન ડ્રગ્સ એડિક્ટ છે. શું તું હવે એની સાથે લગ્ન કરશે?"
"હા, ભલે અમારા એરેન્જ મેરેજ છે પણ હું શૈલીનને ખરા દિલથી ચાહું છું. જાણું છું કે રીવાબા શૈલીનની આ આદત ભુલાવી દેશે,એટલે જ એમને અમારી પાસે વર્ષની મુદ્દત માંગી છે લગ્ન માટે અને મુસીબતમાં આપણે જેને પ્રેમ કરતાં હોઈએ તેનો હાથ છોડી દેવાય?"
"વાહ દોસ્ત , પણ મને વિચાર આવે છે કે કોનો પ્રેમ ચડિયાતો છે?-રીવાબા જે એક મસાલાની મોટી કંપનીના માલિક હોવા છતાં શૈલીન માટે એક સફાઈકર્તા બન્યા છે કે તારો જે શૈલીન અને રીવાબા પર પૂરો વિશ્વાસ મૂકે છે અને આગળ જતા સમાજમાં કઈ પણ વાત વહેતી થાય તેની ચિંતા કર્યા વગર શૈલીને અપનાવે છે?"
"અમારા બેમાંથી એક પણનો નહિ,સાચા અર્થમાં તો તારા પિતાનો લોકો પ્રત્યે પ્રેમ ચડિયાતો છે. જે લોકોને સમાજ તરછોડે છે તારા પિતા તેવા લોકોને અપનાવે છે અને મદદ કરે છે. પોતાના લોકોને તો બધા મદદ કરે પણ જે પારકાને પોતાના બનાવે તે ખરો પ્રેમ ! સાચે, જો દરેક લોકો આવા બની જાય તો ઘણીબધી વૈશ્વિક અને સામાજીક સમસ્યાઓનું નિરાકરણ આવી જાય."