STORYMIRROR

Jignasa Mistry

Inspirational

3  

Jignasa Mistry

Inspirational

કન્યાદાન

કન્યાદાન

2 mins
250

આજે ઘણા દિવસો બાદ રાધી અગાસી પર આવી અને એ જ જગ્યાએ બેઠી જ્યાં પતિનો હાથ પકડી તે કલાકો સુધી બેસી રહેતી. રાધીએ આકાશ તરફ મીટ માંડી ! સંધ્યા ઢળતી હતી અને રાત્રી એના જીવનમાં વ્યાપેલ અંધકારની જેમ કાળી ચુંદડી ઓઢતી હતી. એને એ ગોઝારો દિવસ યાદ આવ્યો. એ રડવા લાગી. કા..શ ! કા....શ ! એ દિવસે મેં ગાડી ચલાવવાની જીદ ના કરી હોત તો એ એક્સિડન્ટ......

દૂર ઊભા રહી જોઈ રહેલા રાધીના સસરા રોહિતભાઈ માટે પણ આ દ્રશ્ય ખૂબ આકરું હતું ! હજી દોઢ વર્ષ પહેલા જ તેમનો પુત્ર ફૂલથી પણ સુંદર રાધીને પરણીને ઘરમાં લાવ્યો હતો. શરૂશરૂમાં તો તેમણે દીકરાના પ્રેમ લગ્નનો વિરોધ કર્યો પરંતુ વધુ સમય તેઓ પુત્ર અને પુત્રવધૂથી રીસાયેલા ના રહી શક્યા.

રાધી છે પણ કેવી મીઠડી ! થોડા સમયમાં તેણે સૌને પોતાના કરી દીધા. રાધીનો પ્રેમભર્યો વ્યવહાર અને કાર્યકુશળતાથી આ વહુ કયારે દીકરી બની ગઈ ખબર જ ના રહી ! પરંતુ અમારા સંસારને ખબર નહીં કોની નજર લાગી ?

હે ભગવાન ! શું વાંક હતો આ ફૂલ જેવી દીકરીનો તે ભરજુવાનીમાં વિધવા બનાવી. પરંતુ હવે વધુ સમય નહીં અને રાધી માટે કોઈ નિર્ણય લીધો હોય એમ રોહિતભાઈ તેમની પત્ની પાસે પહોંચ્યા.

“રમા, મારાથી રાધીને આવી રોજ મરતી ના જોઈ શકાય. જે કંઈ થયું એ આપણું નસીબ. રાધી સામે તેનું પહાડ જેવું જીવન છે આપણે તેને બીજા લગ્ન માટે સમજાવવી જ પડશે.”

ઓરડાની બહાર ઉભેલી રાધીએ આ વાત સાંભળી. 

આ વાતને એક વર્ષ પૂર્ણ થયું. ઘરમાં ખુશીઓનો માહોલ છે. શરણાઈ અને ઢોલક પર લગ્ન ગીતો વાગી રહ્યા છે. લગ્નની સજાવટ સૌની આંખો આંજી દે તેવી છે ! લગ્નમંડપમાં રાધીના સાસુ સસરા રાધીનું કન્યાદાન ગુણવાન યુવક સાથે કરી તેના પાનખરરૂપી જીવનમાં વસંત લાવી રહ્યા છે. તેમણે પુત્રવધૂનું કન્યાદાન કરી તેનું જીવન ખુશી અને સૌભાગ્યથી ભરી દીધું. 

સમાજમાં ભાગ્યે જ જોવા મળતાં કન્યા વિદાયના આ અવસરે સૌની આંખોમાં આંસુ આવ્યા સૌનું મન જાણતું હતું કે આજે તો પાનખરમાં પણ વસંત આવી.

‘ના બનીએ કારણ કોઈના જીવનમાં પાનખરનું,

બનવું જ હોય તો બની વસંત કોઈનું જીવન મહેકાવીએ.’

પ્રેમનું મીંઢળ અને અખંડ સૌભાગ્યવતીના આશિષ લઈ રાધી પતિનો હાથ પકડી નવા જીવન તરફ ડગ માંડવા આગળ વધી.


Rate this content
Log in

Similar gujarati story from Inspirational