Mariyam Dhupli

Inspirational

4  

Mariyam Dhupli

Inspirational

કંડકટર

કંડકટર

3 mins
51


હું બસમાં ચઢી તો ગઈ. પણ અંદર પગ મૂકવાની જગ્યાએ ન હતી. મારા હાથમાં થમાયેલી શોપિંગ બેગના ભાર મને કટાક્ષમાં પૂછી રહ્યા હતા, જરા વધારે પડતીજ ખરીદી ન થઈ ગઈ? હા, ખરીદી જરા વિસ્તારે તો થઈ હતી. પણ હવે તહેવારોના સમયે જ મન ભરીને શોપિંગ ન થાય તો પછી ક્યારે થાય?

મનને શાંત કરતી હું એક તરફ શરીરનું સમતોલન જાળવવા પ્રયાસ કરી રહી હતી તો બીજી તરફ હાંફતી નજરે સીટ મેળવવા ચારે તરફ આંખો પરોવી રહી હતી. બધીજ બેઠક ભરેલી હતી. કેટલાક પુરુષો મારી જેમ સળિયો પકડી ઊભાં ઊભાં જ મુસાફરી કરવા વિવશ હતા. જોકે સીટ ઉપર આરામથી બિરાજમાન મુસાફરો પૈકી પણ ઘણા પુરુષો હતા.

મારી આશાવાદી સ્ત્રી દ્રષ્ટિ એ તમામ પુરુષોની બેઠક ઉપર વારાફરતી ફરી રહી. પરંતુ મારી આશા જોડે કોઈ લેવા દેવા ન હોય એ પ્રમાણે આરામદાયક બેઠક ઉપર ગોઠવાયેલા એક પણ પુરુષની દ્રષ્ટિ સળિયો થામી ઊભી એક માત્ર સ્ત્રીને નિહાળવા તત્પર ન હતી.

કંડકટરના આવવાની આહટ જોડે મારુ સ્ત્રી - મન કકળી ઉઠ્યું. ઘણી બધી બેગ વચ્ચેથી પર્સમાંથી ટિકિટના પૈસા શોધવા મથતી હું ચાલતી બસે હેમખેમ મારુ સમતોલન જાળવી રહી હતી. એ બધાજ કષ્ઠ માટે આરામથી બેઠકો ઉપર બિરાજમાન પુરુષો ઉપર મનોમન આક્રમણ સ્થળાન્તર પુરજોશમાં આરંભાયું.

હદ છે યાર. એક સ્ત્રી આમ ઊભી ઊભી સંઘર્ષ કરી રહી છે અને આ પુરુષોને કાંઈજ પડી નથી. શેમ ઓન ધેમ.

ટિકિટના પૈસા કંડકટર આગળ ધરવા હાથ આગળ વધ્યો જ કે જાણે અંતરનો જ્વાળામુખી એક ફૂંક વડેજ ઓલવાઈ ગયો. હું થોડી ક્ષણો માટે સ્તબ્ધ જ થઈ ગઈ. મારી લગોલગ આવી ઉભેલ કંડકટરની આંખો મારી આંખોમાં પરોવાય. એ આંખો મને ઢંઢોળતી જાણે પૂછી રહી હતી, કંઈક બોલો તો ખરા. ક્યાં જવું છે? કયા સ્થળની ટિકિટ કાપું? મારી સ્તબ્ધતા હજી પણ અકબન્ધ હતી. આખરે મને વિચાર જગતમાંથી ઉગારવા કંડકટરને શબ્દનોજ આશરો લેવો પડ્યો.

" ટિકિટ...."

"ઓહ, સોરી. પ્લેનવેત."

મારા હાથમાંથી ઝડપથી પૈસા લઈ કંડકટરે છૂટા પૈસા જોડે પ્લેનવેતની એક ટિકિટ થમાવી અને ફરજનિષ્ઠ ડગલાં આગળ વધી ગયા, મને અગણિત પ્રશ્નો જોડે પાછળ છોડી.

શું હું વૃદ્ધ છું ? શારીરિક રીતે અશક્ત છું ? શું સમાનતાની લડાઈ ફક્ત હક અને અધિકારો મેળવવા પૂરતી જ સંકુચિત ખરી ? સમાનતા સંઘર્ષ માટે લાગુ ન પડે ?

એ બધાજ પ્રશ્નોનો યોગ્ય ઉત્તર આપવા હું માથાથી પગ સુધી કંડકટરનું છૂપું અવલોકન કરી રહી. મારુ હૈયું અપાર પ્રેરણા અને બળ વડે ભરાઈ ગયું. કંડકટરનું અનુકરણ કરતી હું બે પગ કડક કરી ચાલતી બસે પોતાના શરીરનું યોગ્ય સમતોલન સાધતી માથા ઉપરનો સળિયો મજબુતીથી પકડી ટટ્ટાર ઊભી રહી ગઈ. બધીજ શોપિંગ બેગ બીજા હાથની સશક્ત પકડમાં ભેરવી નાખી. મારા શરીરમાં છૂપાયેલી સાચી ઉર્જા શક્તિથી હું એ ક્ષણે પરિચિત થઈ.

એજ સમયે બસના ખૂણામાંથી એક પુરુષનો હાથ હવામાં ઊંચો થયો. એ મારા માટેજ હવામાં લહેરાઈ રહ્યો હતો. પોતાની આરામદાયક બેઠક મારા માટે છોડી એ પુરુષનું શરીર ઉપર ઊઠે એ પહેલાજ હાથના ઈશારા વડે મેં આભાર વ્યક્ત કરતા પ્રક્રિયા આગળ વધતી અટકાવી દીધી. પુરુષ ફરી પોતાની બેઠક ઉપર ગોઠવાઈ ગયો. 

મારી નજર ફરીથી કંડકટર ઉપર ગર્વથી આવી થોભી. નવા બસસ્ટોપ જોડે બસમાં ચઢી રહેલ નવા મુસાફરો ને ટિકિટ આપી રહેલ એ લેડી કંડકટર ખીચોખીચ બસમાં સંપૂર્ણ આત્મવિશ્વાસ જોડે એક તરફ પોતાના શરીરનું સમતોલન જાળવી રહી હતી અને બીજી તરફ પોતાની દૈનિક વ્યવસાયિક ફરજ નિભાવી રહી હતી. 


Rate this content
Log in

Similar gujarati story from Inspirational