કળિયુગનું સત
કળિયુગનું સત


કેમ છો કરીમ ચાચા? પાંચ-છ દિવસ બાદ દેખાયેલા કરીમ ચાચા ને મેં પૂછયું. મારી બાજુમાં જ ચોકીદારી કરતા એ બુઝુર્ગ કરીમ ચાચા માટે, મને એની કર્તવ્યનિષ્ઠા અને સરળ સ્વભાવ માટે ખૂબ માન હતું. ચોકીદારીની સાથે સાથે જે નાનું મોટું કામ મળતું તે ખૂબજ ચિવટપૂર્વક, હસ્તેમોઢે અને વ્યાજબી ભાવમાં પ્રેમથી કરી આપીને પોતાનું ગાડું ગબડાવતા. આ ઉંમરે પણ જિંદગીના દરેક મોરચે ઝઝૂમતા જોઇને મને એમના માટે ખાસ લગાવ હતો, માન હતું.
શું કહું બેટા? ઘોર કળિયુગ છે. સામે દેખાતા ખાલી પ્લોટના શેઠે મને કહ્યું હતું કે આ પ્લોટની અંદર ઉગેલા બાવળીયાને બધું કાઢી નાખીને સફાઇ કરી નાખજે હું તને પાંચસો રૂપિયા આપીશ. આટલા મોટા પ્લોટને મેં ચોખો ચણાક કરી આપ્યો અને હવે એ શેઠ દેખાતા જ નથી. કોઇકે મને કહ્યું કે શેઠ તો મુંબઇ હાલ્યા ગયા તારી મજૂરીના રૂપિયા ગપચાવીને. કરીમ ચાચા જેવા બુઝુર્ગ, ગરીબ અને સાચા માણસને તેની મજૂરી ના મળી તેનું મને ખૂબ દુઃખ હતું.
ત્રણ-ચાર દિવસ રહીને ચાચા મને રસ્તામાં પાછા મળ્યા એટલે મેં એમને ઉભા રાખીને કહ્યું, લ્યો ચાચા આ તમારા ૫૦૦ રૂપિયા – પહેલા મુંબઇવાળા શેઠ મને ભેગા થયા હતા અને ૫૦૦ રૂપિયા આપીને તમારા સુધી પહોંચાડવાનું કહી ગયા હતા. ખરેખર તો, મને કોઇ શેઠ મળ્યા ન હતા, પરંતુ એક ગરીબ બુઝુર્ગને મદદ કરવા અને દુનિયા માટે તે નકારાત્મક ન રહે એટલે હું ખોટું બોલી રહ્યો હતો.
ચાચાની નજરમાં એક ચમક આવી અને મારા પાંચસો રૂપિયાવાળા હાથને પોતાના હાથમાં રહી પોતાની આંખે અડાડી અને મારી સામે એક નજર નાખીને કહ્યું કે બેટા શું કામ ખોટું બોલે છે ? મારા રૂપિયા તો એ મુંબઇવાળા શેઠ મને કાલે જ પોતે ઘરે આવીને આપી ગયા છે અને માફી પણ માંગી કે તેમને તાત્કાલીક મુંબઇ જવું પડયું એટલે મારી મજૂરી ન ચૂકવી શક્યા. બેટા, મને અફસોસ છે કે મેં કહ્યું હતું કે ઘોર કળિયુગ છે. બેટા આ કળિયુગમાં પણ તારા અને મુંબઇવાળા શેઠ જેવા સત હોય જ છે. હું જોઇ શક્યો કે ચાચાની આંખોમાં દુનિયા માટેની નકારાત્મકતા ગુમ થઇ ગઈ હતી.