કિંગ - પાવર ઓફ એમ્પાયર ૨૮
કિંગ - પાવર ઓફ એમ્પાયર ૨૮




( આગળના ભાગમાં જોયું કે શૌર્ય પ્રીતિની વાત ને લઈને ચિંતિત હોય છે, ત્યાં જ અર્જુન આવીને તેને તેનાં એક પેન ડ્રાઇવ આપે છે અને તે લોકો પોતાના બિઝનેસ માટે પ્લાન બનાવે છે અને રાત્રે બહાર જમવા જવાનું નક્કી કરે છે, બીજી તરફ દિગ્વિજય સિંહ પણ ખુશ હતો કારણ કે તે સમજતો હતો કે તે કાતિલથી માત્ર એક જ કદમ પાછળ છે અને તે પણ પાટીલ સાથે બહાર જમવા જવાનું નક્કી કરે છે, તે પણ એજ જગ્યાએ જાય છે જયાં શૌર્ય જવાનો હોય છે, શું એ બંને ની મુલાકાત થશે અને થશે તો શું થશે ચાલો જાણીએ)
આજે રસ્તા એકદમ શાંત હતા, ઠંડો પવન લહેરાઇ રહયો હતો, દિગ્વિજયસિંહ અને પાટીલ આજે પોલીસ જીપના સ્થાને બુલેટ ગાડી લઈને આવ્યા હતા અને બંને એ ફૉર્મલ કપડાં પહેર્યાં હતાં, તેણે મસ્જિદની સામે આવેલ નુક્કડ પર પાંઉભાજીના સ્ટોલ પાસે ગાડી પાર્ક કરીને ત્યાં પહોંચ્યા, એક નાનકડી હાથલારીમા એક વ્યક્તિ બધો સામાન ગોઠવીને પાંઉભાજી બનાવી રહ્યો હતો અને બીજો એક વ્યક્તિ ઓર્ડર લઈ રહ્યો હતો અને એક વ્યક્તિ બધાનાં ટેબલ પર તેનાં ઓર્ડર મુજબ ખાવાનું પહોંચાડી રહ્યો હતો, પાંઉભાજીની સુંગધ વાતાવરણમાં ફેલાઈ ગઈ હતી અને ઉપરથી આવો ઠંડીનો મૌસમ હતો એટલે બહાર નુક્કડ પર આવી ઠંડીમાં ગરમાગરમ પાંઉભાજી ખાવાનો આનંદ જ અલગ હોય છે.
“પાટીલ આજ તો વાતાવરણ પણ ખુશનુમા છે આજ તો ખાવાની મજા આવશે. ” દિગ્વિજય સિંહે હાથ ઘસતાં કહ્યું.
“હા સાહેબ આજ તો મજા આવશે ” પાટિલે હામી ભરતાં કહ્યું.
“તો ચાલો પછી ” આટલું કહીને દિગ્વિજય સિંહ આગળ વધ્યો.
તે બંને એક ટેબલ પર જઈને ગોઠવાયા ત્યાં જ એક વ્યક્તિએ આવીને તેમનો આેર્ડર લીધો અને જતો રહ્યો.
આ તરફ શૌર્ય, S.P. અને અર્જુન પણ એ જગ્યા પર પહોંચી જ રહ્યા હતા ત્યાં જ શૌર્ય એ ગાડી રોકી.
“શું થયું સર? ” S.P. એ ગાડી રોકી ને કહ્યું.
“એક કામ કરો ગાડી અહીં જ પાર્ક કરી દો.” શૌર્યએ કહ્યું.
“પણ સર નુક્કડ તો હજી આગળની ગલીમાં છે.” અર્જુન એ કહ્યું.
“હા પણ આટલી મોટી ગાડી લઈને ત્યાં જશું તો નકામો કોઈક ને શંકા જશે.” શૌર્ય એ કહ્યું.
“સર ની વાત સાચી છે અર્જુન, ગાડી અહીં પાર્ક કરવી પડશે.” S.P. એ કહ્યું
S.P. એ વળાંક લીધો અને ગાડી બાજુમાં પાર્ક કરી દીધી અને ત્રણેય ત્યાંથી ચાલતાં ચાલતાં નુક્કડ જવા નીકળી પડ્યા, “વાહ આજે વાતાવરણ બહુ મસ્ત છે.” અર્જુન એ કહ્યું.
“હા એતો છે. ” S.P. એ કહ્યું.
“કાશ દરરોજ આવા વાતાવરણમાં બહાર આવવા મળે ” શૌર્ય એ કહ્યું.
“સર દરરોજ નું છોડો આજ બહાર આવવા મળ્યું એ બહુ છે અને તમે આમ વધારે પડતાં બહાર રહેશો અને ફાસ્ટફૂડ ખાશો તો બીમાર થશો.” S.P. એ કહ્યું
“યાર હવે હું નાનો નથી રહ્યો જો તમે આમ વાત વાત પર આવું યાદ કરાવો છો. ” શૌર્ય એ કહ્યું.
“સર હું તમને કંઈ નથી કહેતો. ” અર્જુન એ કહ્યું.
“હું તારું નહીં આ S.P. નું કહું છું વાતવાત પર દાદીમાં બને છે. ” શૌર્ય એ S.P. તરફ જોતા કહ્યું.
“અચ્છા તો કાલ કેડબરીને કહું આ બધું? ” S.P. એ કહ્યું.
“આવી મસ્તી ન કર S.P. ” શૌર્ય એ હસતાં કહ્યું.
“શરૂઆત કોણે કરી હતી? ” S.P. એ શૌર્ય ના ખભા પર હાથ મૂકતાં કહ્યું.
“આ લો આવી ગયું નુક્કડ અને સામે રહી પાંઉભાજી. ” અર્જુન એ કહ્યું.
“આહહ વાતાવરણમા પાંઉભાજીની શું સુંગધ આવે છે. ” શૌર્ય એ આંખો બંધ કરતાં કહ્યું.
“ખાલી સુંગધ જ લેવી છે કે ખાવી પણ છે. ” S.P. એ કહ્યું
“ચાલો હવે ” એમ કહીને શૌર્ય આગળ આગળ ચાલવા લાગ્યો.
તે ત્રણેય પણ ત્યાં જઇને ટેબલ પર ગોઠવાયા અને પોતાનો ઓર્ડર આપ્યો, તે જે ટેબલ પર બેઠાં હતાં ત્યાંથી મસ્જિદનો દરવાજો સાફ દેખાય રહ્યો હતો, શૌર્ય એ તે તરફ નજર નાખી તો એક સ્ત્રી પોતાના બાળક સાથે ત્યાં બેઠી હતી. કપડાં પરથી તે ગરીબ લાગી રહી હતી અને મસ્જિદના મૌલવી સાહેબ સાથે વાતચીત કરી રહી હતી પણ મૌલવી સાહેબ ગુસ્સામાં તેને કંઈક કહી રહ્યા હતા અને તે સ્ત્રી ત્યારબાદ ત્યાંથી નીકળીને એક ખૂણામાં પોતાના બાળક ને લઈ ને જતી રહી અને મૌલવી સાહેબ ત્યાં જ ઊભા હતાં.
“સર તમારો ઓર્ડર.” એક વ્યક્તિ એ ટેબલ પર બે ડિશ મૂકતાં કહ્યું.
“પણ અમે તો ત્રણ ઓર્ડર કરી હતી. ” અર્જુન એ કહ્યું.
“સર એ પણ હું હમણાં લઇને આવું છું. ” એ વ્યક્તિ એ કહ્યું.
શૌર્ય એ તે બંને ડિશ પોતાની હાથમાં લીધી અને S.P. ને બીજી બે ડિશ ઓર્ડર કરવાનું કહીને મસ્જિદ પાસે બેસેલી સ્ત્રી પાસે જતો રહ્યો, તેણે બંને ડિશ તેની સામે રાખી અને કહ્યું, “હું જાણું છું જયારે ભૂખ લાગે છે અને આંસુઓથી પેટ ભરવું પડે ત્યારે કેવું લાગે છે.”
“બેટા મારે ભીખ નથી જોતી. ” એ સ્ત્રી એ કહ્યું.
“હું ભીખ નથી આપતો, મે મારી મમ્મી ને કયારેય નથી જોઈ એટલે માનો પ્રેમ શું હોય એ મને ખબર નથી પણ જયારે પણ કોઈ સ્ત્રી ને પોતાના બાળક પ્રત્યે લગાવ કરતાં જોવ ત્યારે સમજાય છે કે માનો પ્રેમ શું છે.” શૌર્ય એ કહ્યું.
“પણ.... ” તે સ્ત્રી બોલી ત્યાં જ શૌર્ય એ તેને અટકાવી.
“મને તમારો દિકરો સમજી ને આ ભોજન લઇ લો. ” શૌર્ય એ કહ્યું.
“પણ આનાં બદલે તને દેવા મારી પાસે કંઈ નથી.” એ સ્ત્રી એ કહ્યું.
“કોણે કહ્યું તમારી પાસે કંઈ નથી તમારી પાસે એ છે જે બહુ અમૂલ્ય છે. ” શૌર્ય એ કહ્યું.
“મતલબ? ” એ સ્ત્રી એ કહ્યું.
“મતલબ કંઈ આપવું જ હોઈ તો બસ તમારાં આશીર્વાદ આપો. ” શૌર્ય એ કહ્યું.
એ સ્ત્રી એ શૌર્યના માથા પર પ્રેમથી હાથ ફેરવયો અને ત્યારબાદ શૌર્ય તેમને ડિશ આપી ને ઉભો થયો, આ ઘટના ચાર વ્યક્તિ નિહાળી રહ્યા હતા, S.P. , અર્જુન, મસ્જિદ બહાર ઉભેલા મૌલવી સાહેબ અને ઈન્સ્પેકટર દિગ્વિજય સિંહ.
શૌર્ય ઊભો થયો અને મૌલવી સાહેબ જયાં ઊભા હતાં ત્યાં પહોંચ્યો અને કહ્યું, “મૌલવી સાહેબ અલ્લાહની દરગાહ પર ચાદર ચડાવો છો પણ સાથે જ કોઈ બેસહાયની મદદ કરશો તો અલ્લાહ પણ ખુશ થશે.”
આટલું કહીને શૌર્ય ત્યાંથી નીકળ્યો, મૌલવી સાહેબ એ સ્ત્રી અને તેના પુત્રને મસ્જિદમા સહારો આપ્યો, પણ શૌર્ય જેવો રોડ ક્રોસ કરી ને S.P. અને અર્જુન પાસે જઈ રહ્યો હતો ત્યાં અચાનક જ પાછળથી ગોળી ચલાવવાનો અવાજ આવ્યો.
હવે ફરી એક નવો વળાંક, આખરે ગોળી ચલાવી કોણે, શું દિગ્વિજય સિંહે ગોળી ચલાવી કે પછી કોઈ બીજા વ્યક્તિ એ અને આખરે ગોળી ચલાવી કોનાં પર? શું શૌર્ય પર ગોળી ચલાવી અને ચલાવી તો આખરે કોણે?
ક્રમશઃ