ખુદપરસ્ત
ખુદપરસ્ત


મરિયમ કૉલેજના છેલ્લા વર્ષમાં હતી. એને આગળ ભણીને એમ બી એ કરવું હતું. પણ એક ખૂબ ખાનદાન કુટુંબથી એના હાથની માંગણી આવી હતી. મરિયમને લગ્ન કરવાની ઉતાવળ ના હતી, એને તો માબાપ નો સહારો બનવું હતું. ઘરમાં એક બીજી નાની બહેન હતી એને ભણાવવી હતી. પણ આવું પૈસાવાળું અને ખાનદાન ઘર મળે તો માબાપને શું જોઈએ?
મમ્મી વારંવાર આવી મરિયમને પૂછતાં હતાં કારણકે સામેવાળા લોકો જવાબની ઉતાવળ કરતા હતા. અંતે હારીને મરિયમે હા પાડવી પડી. મમ્મીએ તરત સામે પક્ષે ફોન કરી હા પાડી દીધી. એ લોકો મીઠાઈ અને અંગૂઠી લઈને આવી ગયા.
આમિર દેખાવડો, ભણેલો ગણેલો, અને બિઝનેસ મેન હતો. કોઈપણ છોકરીને પોતાના નસીબ પર અભિમાન થાય એવો છોકરો. વાત વાતમાં જાણવા મળ્યું કે આમિરની નાની બહેન મરિયમની કૉલેજમાં હતી અને આમિર એક દિવસ એને કૉલેજ મૂકવા આવ્યો ત્યારે મરિયમને જોઈ હતી અને એક જ નજરે પસંદ કરી લીધી હતી.
મરિયમ પણ ખૂબ સુંદર યુવતી હતી. ગોરો વાન, ઘુઘરિયાળ વાળ, મોટી મોટી આંખો અને પહેલી નજરમાં કોઈને પણ ગમી જાય એવી સુંદરતા ખુદાએ બક્ષી હતી. જન્નતની હૂર જેવી લાગતી હતી. આમિર અને મરિયમને ઘર વાળાએ એકલા મળવાની સગવડતા કરી આપી. અને બંને છત પર ગયા. આમિરે મરિયમને પૂછ્યું," તમને જવાબ આપતા આટલી વાર કેમ થઇ?" મરિયમે કહ્યું એને હમણાં લગ્ન કરવા ના હતા. એમ બી એ કરવું હતું અને જોબ કરવી હતી. પછી મરિયમે આમિરને પૂછ્યું કે એ જોબ કરી શકશે ને ? આમિરે હા પાડી અને કહ્યું મરિયમ જે રીતે એના માયકામાં રહે છે એજ રીતે સાસરીમાં રહેવાનું છે. એ ખૂબ ખુશ થઇ ગઈ અને પોતાને નસીબવાળી સમજવા લાગી.
સગાઈને ત્રણ દિવસ થયા છતાં આમિર મરિયમને કોલ કરતો ના હતો અને મરિયમ કોલ કરે તો ઉપાડતો ના હતો. મરિયમને આ વર્તણુક જરા ઓકવર્ડ લાગી પણ કાંઈ બોલી નહિ. ચોથા દિવસે જ્યારે આમિર આવ્યો તો એને આ બાબત પૂછ્યું તો આમિરે કહ્યું," તે પણ હા પાડવામાં બહુ દિવસો લગાડયા હતા." મરિયમને નવાઈ લાગી આ કેવું વળી? તો શું એ બદલો લઈ રહ્યો હતો?
ખેર એ લોકોને લગ્નની જલ્દી હતી. મહિનામાં લગ્ન થઇ ગયા. મરિયમ તે દિવસે પહેલીવાર આમિર ના ઘરે આવી. વિશાળ બંગલો જાણે કોઈ મુવીનો પેલેસ હોય. મોટા મોટા ઓરડા અને મોટી મોટી ગૅલેરી. અને એનો ઓરડો તો ફૂલોથી સજાવી દેવામાં આવેલો. સુંદર મખમલી ચાદર અને સજાવેલી પથારી પર એ આમિરની રાહ જોતી હતી. આખો ઓરડો ફૂલોથી મખમખી રહ્યો હતો. કેન્ડલ લાઈટની રોશનીમાં એ બેઠી હતી. આમિર આવ્યો. એની સામે જોયા વગર પોતાનો ચહેરો આયના માં જોવા લાગ્યો અને વાળ ઓળાવ્યા. પરફ્યુમ છાંટયું અને એ પથારી પર આવ્યો. મરિયમ શરમાઈ ગઈ. એને બોક્સ ખોલી એમાંથી હીરાનું બ્રેસલેટ કાઢયું અને મરિયમનો હાથ પકડી લીધો. અને બ્રેસલેટ પહેરાવતા પહેરાવતા બોલ્યો," મરિયમ તારા હાથ કેટલા જાડા છે પુરુષ જેવા. " મરિયમે ધીરેથી હાથ ખેંચી લીધો. ફરી ઉભો થઈને બોલ્યો," હું કેટલો હેન્ડસમ દેખાઉં છું. મારી પાછળ તો કેટલી છોકરીઓ મરે છે. " સુહાગરાતે આવા અપમાનની આશા નહોતી રાખી. ફરી એનો ઘૂંઘટ હટાવી બોલ્યો." અરે.. તારા વાળ તો વાંકડિયા છે મેં તો તને સીધા વાળમાં જોયેલી, મને વાંકડિયા વાળ પસંદ નથી.
મરિયમ ધીરેથી બોલી મેં તો વાળ સ્ટ્રેટ કરાવેલા બાકી મારા વાળ તો વાંકડિયા જ છે. આમિરે મોઢું બગાડ્યું. પછી તરત જમરિયમ ના માબાપ વિષે બોલવા લાગ્યો કે," તારા માબાપ કેવા ચિપ છે. દીકરીને લગ્નમાં કશું આપ્યું જ નહિ અને ખાવાનું કેટલું ખરાબ હતું. મરિયમે ગુસ્સા પર કન્ટ્રોલ કરતા કહ્યું, "મારા માબાપની હેસિયત કરતા એમને વધારે જ કર્યું છે. પાપા એ તો પેંશનના પૈસા પણ વાપરી નાખ્યા." સુહાગરાતના સપના કુંવારી છોકરી જેવા જોવે છે એવી મરજી પ્રમાણેની આ રાત ના હતી. આવી બધી વાતોએ મરિયમને ઉદાસ કરી દીધી. કુંવારી છોકરી સુહાગરાત માટે કેવા કેવા સપના જુએ છે.!! જ્યારે અહીં તો આત્મ સન્માન પર ઠેસ વાગી હતી.
બીજા દિવસે રિવાજ પ્રમાણે માયકેથી નાસ્તો આવે અને મરિયમની નાની બહેન અને પિતા નાસ્તો લઈને આવ્યા પણ ઘરના કોઈએ માનથી બોલાવ્યા નહિ. અને દરેક પોતપોતાના ઓરડામાં ભરાઈ ગયા અને આમિર તો ફેક્ટરી પર ચાલ્યો ગયો. પાપાને મરિયમની આંખોમાં ઉદાસી દેખાઈ. જતા પહેલા આટલું જ કહ્યું, " બેટા, કાંઈપણ અજુગતું લાગે મારી પાસે આવી જજે. " મરિયમે હકારમાં માથું હલાવ્યું.
દિવસો નીકળવા લાગ્યા. મરિયમ જાણે આખા ઘરમાં એકલી હોય એવું લાગતું હતું. કોઈ એની સાથે બરાબર વાત પણ નહોતું કરતુ. આમિર વાત વાતમાં એને ઉતારી પાડતો હતો. મરિયમે જોબ કરવાનું નક્કી કર્યું. એને આમિરની ઓફિસમાં જ જોબ કરવાનું નક્કી કર્યું જેથી એ આમિરની સાથે રહી શકે. ઓન લાઈનથી એપ્લાય કર્યું અને એને ઇન્ટર્વ્યૂ માટે બોલાવી. એને એમ કે હું આમિર ને સરપ્રાઈઝ કરીશ એ ઇન્ટર્વ્યૂ માટે ગઈ અને એને જોબ મળી ગઈ તો એ સીધી આમિરની કેબિનમાં ગઈ અને કહ્યું કે મને તારી ઓફિસમાં જોબ મળી છે. તો આમિર એકદમ ગુસ્સે થઇ ગયો. એને ધક્કા મારતો મારતો ઓફિસની બહાર ખેંચી ગયો અને કહ્યું," કોઈ જોબ બોબ કરવાની નથી ઘરે બેસીને ખાવાનું બનાવો." મરિયમ તો આ સાંભળીને સડક થઇ ગઈ. એ રડતી રડતી ઘરે આવી.
સલમા આમિરની કોલેજકાળની બેનપણી હતી. તેને આમિર સાથે લગ્નની ના પાડી અને શાહિદ સાથે લગ્ન કરી લીધા હતા. હવે શાહિદ સાથે ફાવ્યું નહિ એટલે ખુલા લઈને ઘરે આવી ગઈ હતી. એ ફરી આમિર સાથે ફરવા લાગી. આમિર રોજ રાતે મોડો આવે અને મરિયમ રાહ જોઈ થાકીને સુઈ જાય. મરિયમને સલમા સામે ઉતારી પાડે, વારંવાર સંભળાવ્યા કરે કે મેં તારા પર એહસાન કર્યો છે. કે તારી સાથે લગ્ન કર્યા છે બાકી તારી જેવી છોકરી સાથે કોણ લગ્ન કરે? એ મરિયમને ઉતારી પાડે પણ મરિયમના માયકામાં જાય તો એવી સરસ વાતો કરે કે મા બાપને એમાં જ લાગે કે અમારા જમાઈ જેવો કોઈ જમાઈ જ નહિ. મરિયમના પાપાને આર્થિક મદદ પણ કરે અને પછી મરિયમને કહે તારા પાપા તો ફકીર છે ભિખારી છે. મરિયમ પાપાને સમજાવી ના શકે તમે આની કોઈ મદદ ના લો. દુનિયા સામે સારો દેખાતો આમિર અંદર ખાને કેવો હતો એ મરિયમ જ જાણતી હતી. માબાપ ને એની દીકરીમાં દોષ દેખાવા લાગ્યો કે અમારી દીકરીને ઘર સાચવતાં આવડતું નથી.
એક દિવસ એ પાપા પાસે ગઈ અને બધી સાચી વાત કરી પણ પાપાને તો હાર્ટએટેક આવી ગયો. એ ફરી ચૂપ થઇ ગઈ. પાપાતો એની વાત માનવા તૈયાર ના હતા. હવે શું? આવી જિંદગી કાઢવી? કે માબાપે આપેલા શિક્ષણનો ઉપયોગ કરવો? આમિરનો એક મિત્ર શાકિર હતો. એ ગરીબ હતો. પણ એ આમિરને બરાબર ઓળખતો હતો. મરિયમની ઉદાસ આંખોને એ વાંચી શકતો હતો. એ પેઈન્ટર પણ હતો. મરિયમને જોઈ એને એની મા ની યાદ આવતી કારણકે એના બાપે એની માને આવીજ રીતે હેરાન કરેલી માર પણ મારતો. આ બધું યાદ આવતા એ મરિયમની પ્રત્યે હમદર્દી રાખતો. પણ એની હમદર્દી ક્યારે પ્રેમમાં પરિમણી એ એને ખ્યાલ પણ ના આવ્યો. પણ મરિયમ તો વફાદાર પત્ની હતી. પણ એ ક્યારેક ક્યારેક શાકિરને પોતાની વાતો કરતી. કારણકે માબાપ સાંભળવા તૈયાર ના હતા. સાસરામાં કોઈ એનું ના હતું, કોને વાત કરે?
આમીરની બહેન શાકિરને મનમાં ને મનમાં પ્રેમ કરતી હતી. એ એક દિવસ શાકિરના ઘરે જઈ ચડી તો ત્યાં એને મરિયમનું પોટ્રેટ જોયું. અને બસ ઇર્ષ્યાની મારી એ સળગી ગઈ. એને ઘરે આવીને ભાઈને કહ્યું કે શાહિદ ના ઘરમાં ભાભીનું પોટ્રેટ છે. બસ પછીતો શું વાત હતી. ઘરના બધાએ ભેગા થઈને બોલવાનું ચાલુ કર્યું. મરિયમે ઘણું કહ્યું કે એને તો ખબર પણ નથી કે શાકિરે એનું પોટ્રેટ બનાવ્યું છે. પણ કોઈ માનવ તૈયાર ના હતું. આમેય આમિર તો સલમાની સાથે લગ્ન કરવા માંગતો હતો તેથી કોઈ પણ બહાને મરિયમને ઘરમાંથી કાઢવી હતી. એટલે એના પાર શાકિરની સાથે ચાલુ હોવાનો ઇલજામ નાખી આમિરે તેને તલાક આપી દીધી.
મરિયમ પોતાને ઘરે જઈ શકતી નહોતી તેથી પોતાની એક મિત્ર અમન ના ઘરે ગઈ અને બીજા દિવસે એ પોતાને ઘરે ગઈ. પણ માબાપ એનાથી નારાજ રહેતા હતા. એમને હજુ લાગતું હતું કે આમિર સાચો અને મરિયમ ખોટી હતી. જ્યારે એમને ખબર પડી કે આમિરે મરિયમ પર શાકિરની સાથે ચાલુ હોવાનો ઇલજામ નાખ્યો છે. ત્યારે પાપાની તબિયત એકદમ બગડી ગઈ. અને હોસ્પિટલમાં દાખલ કરવા પડ્યા. મરિયમને દોષી સમજવા લાગ્યા અને મરિયમનું મોં જોવા પણ તૈયાર ના હતા. તબિયત થોડી સારી થઇ એટલે એમને એક તલાકવાળા માણસ જેને એક દીકરો પણ હતો મરિયમના નિકાહ કરવાનું નક્કી કર્યુ.
અહીં શાકિર મરિયમના પાપા પાસે મરિયમનો હાથ માગવા આવ્યો પણ એને પાપાએ ધકકા મારીને કાઢી મુક્યો. જ્યારે આમિરને ખબર પડી કે મરિયમનો હાથ માગવા શાકિર ગયો હતો તો ફરી મરિયમના પાપાને મસ્કા મારી ને કહ્યું કે શાકિર સારો છોકરો નથી. હવે મરિયમના નિકાહ નક્કી કરવા પેલા તલાકવાળા માણસ પાસે જવાનું હતું. પણ એમના એક મિત્રે જણાવ્યું કે આ માણસ સારો ના હતો અને પત્નીને ખૂબ મારતો હતો તેથી પત્ની નાસી ગઈ છે. તેથી મરિયમના નિકાહનું માંડવાળ કર્યું. પણ શાકિર તો મરિયમને હૃદયથી ચાહતો હતો. તેથી પાપાએ શાકિર સાથે નિકાહ કરવાનું નક્કી કર્યું અને એ શાકિરના ઘરે પહોંચી ગયા ત્યાં આમિર પહેલેથી હાજર હતો. તે શાકિર ને કહી રહ્યો હતો કે મરિયમ ના પાપા મૂર્ખ છે એ મારી વાતો માને છે અને પોતાની દીકરીની વાતો નથી માનતા. મને ખબર છે કે મરિયમ પતિવૃતા હતી પણ મારે એને ઘરમાંથી કાઢવી હતી. અને સલમા સાથે લગ્ન કરવા હતા. આ બધી વાતો પાપા સાંભળી લે છે અને એમને ખ્યાલ આવે છે કે આમિર કેટલો શાતીર હતો. અને મરિયમ કેટલી ભોળી!
એમને આમિરને એક તમાચો મારી દીધો અને કહ્યું કે અલ્લાહ તને કદી માફ નહિ કરે અને તું હંમેશા દુઃખી રહીશ તું તારી જાતને એટલો પ્રેમ કરે છે કે તને બીજાની મહોબતની કદર નથી. તું ખુદપરસ્ત છે. આત્મશ્લાઘા તને ગમે છે. તારો અંજામ ખૂબ ખરાબ છે. પાપા એ શાકિર અને મરિયમના લગ્ન કરી આપ્યા. બંને ખુશખુશાલ જિંદગી જીવે છે. મરિયમ જોબ કરે છે. શાકિર પેઈન્ટિંગ્સ બનાવી વેચે છે. બંને પાસે પૈસા નથી પણ બંને ખુશ છે. સ્ત્રી ને કમજોર સમજવી એક ભૂલ છે. આમિર જેવા ઘમંડી પુરુષો સ્ત્રીની કદર નથી જાણતા. એ સ્ત્રીને વસ્તુ સમજે છે.
સ્ત્રી પણ એક લાગણીશીલ ઇન્સાન છે એ એ લોકો ભૂલી જાય છે. પુરુષને ગમતું ખાવાનું બનાવવું અને એજ પોતે ખાવું ભલે એ તેમને ભાવતું હોય કે નહિ. પુરુષના ગમતા કપડાં પહેરવા , ભલે તમારું મન બીજા કપડાં પહેરવાનું હોય. પુરુષને ગમતું નથી તેથી જોબ ના કરવી. બીજા પુરુષ સાથે વાત ના કરવી, ભલે પછી પતિના હજારો લફડા હોય!! આ સમાજ સ્ત્રીને માન આપી નથી શકતો. પણ એક વાત યાદ રાખવા જેવી જો સ્ત્રી પોતાનીજાતને માન નહિ આપે તો સમાજ કે પુરુષ એને માન નહિ આપે. સન્માનથી ગરદન ઊંચી કરીને જીવતા શીખો. સ્ત્રી નો પણએટલો જ હક જીવવાનો છે જેટલો પુરુષ નો. ખુદાએ દરેક ઇન્સાનને સરખા હક આપેલા છે તો પછી શા માટે આ અન્યાય?