The Stamp Paper Scam, Real Story by Jayant Tinaikar, on Telgi's takedown & unveiling the scam of ₹30,000 Cr. READ NOW
The Stamp Paper Scam, Real Story by Jayant Tinaikar, on Telgi's takedown & unveiling the scam of ₹30,000 Cr. READ NOW

JHANVI KANABAR

Inspirational

4.5  

JHANVI KANABAR

Inspirational

ખરો દાનવીર

ખરો દાનવીર

4 mins
24.1K


`તમારે ફેક્ટરીએ જવાનું નથી આજે ? મગનકાકાના બે ફોન આવી ગયા....’ ગૌરીબેને માધવભાઈને હલાવતા કહ્યું. માધવભાઈના નસકોરામાં થોડી ખલેલ પડી, એટલે `શું છે ?’ કહી આંખો ચોળતા ગૌરીબેન સામે પ્રશ્નાર્થભાવે જોયું. `મગનકાકાનો ફોન હતો ફેક્ટરીથી, કોઈ મીટીંગ છે આજે, તો તમારું પૂછતા હતા.’ માધવભાઈ સફાળા કંઈક યાદ આવ્યું હોય એમ ઊઠી ગયા. ઝડપથી બાથરૂમમાં ચાલ્યા ગયા. ગૌરીબેન પણ ઊંડો શ્વાસ લઈ રૂમની બહાર નીકળી ગયાં.

માધવભાઈ તૈયાર થઈ, નાસ્તા માટે ગોઠવાયા. ગૌરીબેન સમજી ગયા કે, આજે એમને મોડુ થઈ ગયું છે, એટલે એ પણ જલદી જલદી માધવભાઈને પ્લેટમાં નાસ્તો પીરસવા લાગ્યા. ફટાફટ નાસ્તો પતાવી માધવભાઈ કાર લઈ ફેક્ટરીએ પહોંચી ગયા. મીટીંગની તૈયારી થઈ રહી હતી. મહેશભાઈ ત્યાં હાજર હતા એ જોઈ માધવભાઈને થોડી ટાઢક વળી. માધવભાઈને જોતાં મહેશભાઈ તેમની પાસે આવી મીટીંગની ચર્ચા કરવા લાગ્યા. છેલ્લા દસ વર્ષથી આ બંને મિત્રો ધંધાના ભાગીદાર પણ હતાં. થોડીવારમાં મીટીંગ શરૂ થઈ. દર વખતની જેમ કોન્ટ્રેક્ટ પણ મળી ગયો. ધંધો ખૂબ ધીખતો ચાલી રહ્યો હતો. દિવસો.. મહિનાઓ... વર્ષો વીતી રહ્યાં હતાં. બંનેના બાળકો ભણીગણીને મોટા થઈ ગયા હતાં.

એકવાર માધવભાઈને કંઈક વિચાર આવ્યો અને તેઓ મહેશભાઈને મળવા ગયાં. મહેશભાઈ સમક્ષ પોતાનો વિચાર રજૂ કરતાં માધવભાઈએ કહ્યું, `આપણી પાસે હવે બધું જ છે, આપણા સંતાનો પણ મોટા થઈ ગયાં, હવે પગભર થશે. તેમના માટે પણ ઘણું બધું ભેગું કરી લીધું છે, માટે હવે મને થાય છે કે આપણે આપણી કમાણીનો અમુક ભાગ દાનપુણ્ય કરવા માટે વાપરવો જોઈએ.’

`વાત તો તારી બિલકુલ સાચી. આપણી પાસે હવે જરૂરિયાતથી વધારે છે, તો શા માટે દાનપુણ્યમાં ન વાપરીએ ?’ મહેશભાઈએ માધવભાઈની વાતમાં સૂર પુરાવતા કહ્યું.

`ઠીક છે.. તો હવે આપણે ફેક્ટરીમાંથી દર મહિને દાનપુણ્ય માટે એકસરખો ઉપાડ કરી લેવાનો...’ માધવભાઈએ ઉકેલ લાવતા કહ્યું. મહેશભાઈએ પણ વધાવી લીધું. દર મહિને એક સરખી રકમ ઉપાડવામાં આવતી અને દાનપુણ્યમાં વાપરવામાં આવતી.

મહેશભાઈ હંમેશા મંદિરોના બાંધકામમાં કે મૂર્તિ પધારમણીમાં દાનની રકમ આપતાં. આ બાજુ માધવભાઈ સરકારી શાળામાં સગવડો કરી આપવામાં કે કાચા મકાનમાં રહેતા મજૂર, ગરીબોને પાકા ઘર કરી દેવામાં, અનાથાશ્રમમાં બાળકોને ભોજન પહોંચાડવામાં વગેરે જગ્યાએ દાનની રકમ આપતાં. દિવસો વીતતા ગયાં. હવે સંતાનોએ ફેક્ટરી સંભાળી લીધી હતી. મહેશભાઈ અને માધવભાઈ રીટાયર્ડ જીવન વીતાવતા હતાં. પત્નીને સમય આપવો, ધાર્મિક ગ્રંથો વાંચવા અને સિનીયર સિટિઝન્સ જોડે સમય વીતાવવો, સામાજિક પ્રસંગોમાં હાજરી આપવી... બધુ જ બરાબર ચાલી રહ્યું હતું. ધીમેધીમે ધંધાને સંતાનોના હાથમાં સંપૂર્ણ સોંપી દીધો. પોતાના સંસ્કાર-ઉછેર પર તો સૌ મા-બાપને વિશ્વાસ હોય જ. એવી જ રીતે માધવભાઈ અને મહેશભાઈ પણ નિશ્ચિંત હતાં. જીવનમાં બધું જ સરળ અને ઉબડખાબડ વગરનું તો કેવી રીતે હોઈ શકે ? ઈશ્વરે પણ કંઈક નક્કી કરી રાખ્યું હતું.

માધવભાઈના પત્ની ગૌરીબેનએ સ્વર્ગની વાટ પકડી. માધવભાઈ એકલા પડી ગયાં. એકલતા તેમને અંદરને અંદર કોરી ખાતી હતી. `સાહેબ ! તમને કોઈ ચિરાગભાઈ મળવા આવ્યા છે.’ નોકરે માધવભાઈના રૂમમાં જઈ કહ્યું. `મને ? ઠીક છે. મોકલ.’ માધવભાઈએ રજા આપી.

`અરે ! આવો ચિરાગભાઈ, શું હાલચાલ ? આશ્રમમાં કોઈ જરૂર ઊભી થઈ ? તો બોલો...’ માધવભાઈએ આવકાર આપતા પૂછ્યું. `હા... જરૂર તો ઊભી થઈ છે. તમારી જરૂર છે.’ ચિરાગભાઈએ જવાબ આપતા કહ્યું. `મારી જરૂર ?’ નવાઈ પામતા માધવભાઈએ પૂછ્યું. `હા.. શેઠ ! આશ્રમના ટ્રસ્ટએ મેનેજમેન્ટ તમને સોંપવાનું નક્કી કર્યું છે. તમારાથી કુશળ મેનેજમેન્ટ કોણ સંભાળી શકે ? દિવસમાં માત્ર બે કલાક આવવું પડશે તમારે...’ ચિરાગભાઈએ વિનંતી કરતાં કહ્યું.

પોતાની એકલતા દૂર કરવા આનાથી સારો ઉપાય શું હોઈ શકે ? થોડું વિચારી માધવભાઈએ હકારમાં માથુ હલાવ્યું. ચિરાગભાઈએ ખુશ થતાં રજા લીધી. માધવભાઈ હવે આશ્રમની કામગીરીમાં વ્યસ્ત રહેવા લાગ્યા. અનાથ બાળકોના સાન્નિધ્યમાં તેમના દુઃખ ભૂલી જતાં.

મહેશભાઈ જોડે તો અજુગતું બન્યું. તેમના સંતાનોએ તેમને દગો દીધો. ધંધો હાથમાં આવી ગયો એટલે માતાપિતાને રઝડતા કરી દીધા. માધવભાઈને સમાચાર મળતાં જ તે મહેશભાઈને મળવા દોડ્યા. મહેશભાઈ અને તેમના પત્ની વિમળાબેન શરમથી માથુ ઊંચુ નહોતા કરી શકતા. બાળકોએ તેમને સમાજમાં ઊભા રહેવા જેવું નહોતું રાખ્યું. `ક્યાં જાય ? શું કરે ?’ એક સમયે માધવભાઈએ તેમને સલાહ આપેલી કે, ઘર સંતાનોના નામે ના કર પણ મહેશભાઈ માન્યા નહોતાં. આખરે પસ્તાવાનો વારો આવ્યો.

માધવભાઈ બંનેને પોતાના ઘરે લઈ આવ્યા. એક-બે દિવસ વીત્યા એટલે થોડા સ્વસ્થ થતાં મહેશભાઈએ મંદિર જવાની ઈચ્છા દર્શાવી. માધવભાઈ બંને જોડે મંદિર ગયાં.. મંદિરનું પાછળની બાજુ થોડું બાંધકામ ચાલતું હતું. મંદિરની જગ્યા વધારવામાં આવી રહી હતી. મહેશભાઈની આંખમાં આંસુ આવી ગયા. મનોમન કંઈક વિચારવા લાગ્યા. માધવભાઈએ મિત્રની આંખમાં આંસુ જોઈ, કારણ પૂછ્યું. મહેશભાઈએ કહ્યું, `શું ઈશ્વરને રહેવા માટે આટલી જગ્યા જોઈતી હશે ? તેનું વિરાટ રૂપ જોવા જઈએ તો આ મંદિર જેટલો વિસ્તાર પૂરતો છે તેમના માટે ? અને જો તેમનું સૂક્ષ્મ સ્વરૂપ જોવા જઈએ તો આ મંદિરનો નાનકડો એક ખૂણો પણ ઘણો થઈ પડે.’

`દોસ્ત.. ઈશ્વર તો કહે છે, “હું દારિદ્રયમાં વસુ છું.” એનો અર્થ એ કે, દરેક જરૂરિયાતમંદ જીવમાં મારો વાસ છે. જો તમે તેને મદદ કરશો તો મને પહોંચશે.’ માધવભાઈએ મહેશભાઈની જિજ્ઞાસાનું નિરાકરણ કરતા કહ્યું.

એટલામાં એક યુવાન આવ્યો અને માધવભાઈને પગે લાગ્યો. માધવભાઈએ `અરે ! નયન આવી ગયો તું.. આ છે મારા મિત્ર મહેશભાઈ.. મેં તને આમની જ વાત કરી હતી...’

`ઓહ. ઓકે અંકલ..’ કહી નયને મહેશભાઈ સામે સ્મિત કર્યું.

`માધુઅંકલે મારી એસ.એસ.સી.ની ફી ભરી ન હોત તો આજે હું અહીં ન હોત.’ નયને પોતાનો અને માધવભાઈનો સંબંધ સમજાવતા કહ્યું.

મહેશભાઈ આશ્ચર્યથી જોઈ રહ્યા. તેમને કંઈ સમજાયું નહિ. મહેશભાઈની ઉત્સુકતાનો અંત લાવતા માધવભાઈએ કહ્યું, `આ ડો. નયન છે, એમની એક બાળકલ્યાણ સંસ્થા છે, જેમાં ગરીબ બાળકોને અનેક પ્રવૃત્તિઓ જેવી કે, ચિત્ર, સંગીત વગેરે શીખવવામાં આવે છે. એમને એક સંગીત શિક્ષકની જરૂર છે, મારી નજરમાં તારાથી સારો સંગીતશિક્ષક કોણ હોઈ શકે ?’ કહી માધવભાઈ હસી પડ્યા.

`સાચે મિત્ર.. આજે દાનનો અર્થ સમજી શક્યો છું.’ મહેશભાઈએ મિત્રને વળગી પડતા કહ્યું.


Rate this content
Log in

More gujarati story from JHANVI KANABAR

Similar gujarati story from Inspirational