ખીંટીએ ટાંગેલી શીખ
ખીંટીએ ટાંગેલી શીખ


મનહરલાલ, ૭૫ વર્ષના વૃધ્ધ વૃક્ષ સમાન વડીલ. જેની શાખાઓમાં ત્રણ દીકરા રાકેશ, નિરંજન અને કમલ. ત્રણેય પરણિત અને દરેકના ઘરે એક એક સંતાન. રાકેશ અને સીમાને એક પંદર વર્ષની દીકરી લાવણ્યા. નિરંજન અને રમોલાને એક બાર વર્ષનો દીકરો અક્ષય. કમલ અને રેખાને એક તેર વર્ષનો દીકરો રુદ્ર. આ ત્રણ દીકરાઓ સિવાય મનહરલાલને બે દીકરીઓ પણ ખરી, એકનું નામ સંધ્યા અને બીજીનું નામ કામિની, બંને પરણીને અમેરિકા સેટલ થઇ ગઈ હતી.
આ વટવૃક્ષ જે ધારા પર સર્જાયું હતું એવી મનહરલાલની પત્ની એટલે સુલોચનાબહેન. બને તેટલા ઉચ્ચ સંસ્કાર આપવા છતાં અને ધ્યાનથી ઉછેર કરવા છતાં પણ પાંચેય સંતાનો મોટા થતા ગયા એમ એમ એમની વચ્ચેનું અંતર વધતું ગયું અને એ સાથે હૈયાઓ પણ દૂર થતા ગયા. આ વાતનો ઘણો વસવસો મનહરલાલ અને સુલોચનાબહેનને રહ્યો હતો.
ઘણા વર્ષો થયા સહુને સમજાવતા સમજાવતા પણ પાંચેય સંતાનોને બંને ક્યારેય એક ન કરી શક્યા. એક દિવસ સુલોચનાબહેન અવસાન પામ્યા અને મનહરલાલ એકલા રહી ગયા. આ દુખદ પ્રસંગે પાંચેય સંતાનો, પત્નીઓ, જમાઈઓ સહુ કોઈ પોતાના દીકરા-દીકરી સાથે હાજર રહ્યા. પણ, આ દરમ્યાન એકબીજા પરત્વે એમનો અણગમો છતો થતો હતો, આ પાછળ કારણ કોઈ જ નહોતું. બસ, નાની નાની બાબતો હતી જે મોટું સ્વરૂપ ધારણ કરીને બેઠી હતી.
મનહરલાલે આખું કુટુંબ બાળકો વિના એક રાતે એક કર્યું અને બધાને એક ચિત્ર હાથમાં આપ્યું, એ ચિત્રમાં રંધાવાના મારી-મસાલા ભરેલી ત્રણ ચમચીઓ એક દોરીથી બાંધી હતી અને બે ચમચીઓ છૂટી પડેલી હતી, એમજ થોડી દોરી પણ છૂટી પડેલી હતી. સહુને આ જોઇને અચરજ થયું. મનહરલાલ બોલ્યા...
"પહેલા તમે સમજીલો આ ચિત્રમાં. આ પાંચ ચમચીઓ એ મારા સંતાનો છે. અને ત્રણ હજુ બંધાયા છે એ મારા દીકરા. અને બે છૂટી પડી ગયેલી ચમચીઓ એ વિદેશ ચાલી ગયેલી મારી દીકરીઓ છે. છૂટી પડેલી દોરી એ સુલોચના જે હવે આપણી વચ્ચે નથી. જેનાથી ત્રણ ચમચીઓ હજીયે બંધાયેલી છે એ હું પોતે. આ પાંચેય ચમચીઓની અંદર ભરેલો તેજાનો-મસાલો અલગ અલગ છે.
કોઈ પણ રસોઈ બનાવવા માટે એ બધાની જ વત્તા-ઓછા પ્રમાણમાં જરૂર પડે છે અને એટલે આમાંનો કોઈ પણ મસાલો ઓછા મહત્વનો કે ફેંકી દેવા જેવો નથી. વળી, જે ઓછો ઉપયોગમાં આવે છે એ તો કિમતી હોય એવું પણ બને. એટલે મારી પાંચેય સંતાનોને નમ્ર વિનંતી છે કે સાથે રહેજો, એકબીજા પરત્વેનું વૈમનસ્ય દૂર કરો અને સ્વાદિષ્ટ રહો હંમેશા. અને આ ઘરની વહુઓ અને જમાઈઓ તમારા સંબંધે નામ અલગ છે પણ તમે આ ઘરના-દીકરા-દીકરીથી પણ વિશેષ છો, કારણકે સુલોચનાની છૂટી પડેલી દોરી હવે તમારે બનવાનું છે અને આ પાંચેય ચમચીઓને એમના મૂળ સ્વાદ, સુગંધ અને રંગ સાચવીને સાથે બાંધીને રાખવાના છે. આ ચિત્રની પાંચ કોપી કાઢવી રાખી છે. ભલે અલગ રહો પણ પોતાના ઘરમાં ફ્રેમ કરીને ટાંગી રાખજો, જેથી આ મારી વાત હમેશ તમને યાદ આવતી રહે."
મનહરલાલને ગાયને પંદર વર્ષ થયા પછી પણ દરેક સંતાનના ઘરે આ ચિત્ર ખીંટીએ ટીંગાય છે. અને વર્ષમાં એક વખત આખું કુટુંબ ગામના મૂળ ઘરમાં એક અઠવાડિયા માટે સાથે રહે છે.