ખાંભી
ખાંભી


ચરોતર પંથકમાં આણંદ આવેલુ છે અને પાસે રૂડુ ગામડી નામે એક ગામ. વર્ષો પહેલાની આ વાત છે મારા દાદાએ કહેલી આ વાત છે અને મારો જન્મ પણ આ જ ગામમાં થયેલો. ગામડાઓમાં ડાકુઓ અને લુટારાઓનો બહુ ત્રાસ હતો. પોલીસ સ્ટેશનો શહેરમાં હોય અને મોટા ગામમાં હોય. એ વખતની વાત છે.
ગામમાં ચાર પાંચ શાહુકાર (શેઠીયા)ના ઘર હતા. શાહુકારની એકની એક દિકરીના લગ્ન હતા અને એ જ રાતે ડાકુઓએ ધાડ પાડી અને શાહુકારના ઘરમાંથી દાગીના, જર-ઝવેરાત, ઘોડા, કિંમતી ચીજ વસ્તુઓ અને જેના લગ્ન હતા એને પણ ઘોડા પર બેસાડી લઈ જવા લાગ્યાં. ગામમાં દેકારો મચી ગયો અને બૂમાબૂમ સાંભળી ધારીયા, તલવારો લઈ બધાં દોડ્યા. ફળિયામાં સૂતેલો ભારમલ તલવાર લઈ ગામની દિકરી બચાવવા ઘોડો લઈ ડાકુઓની પાછળ પાદર સુધી પહોંચી ગયો અને ડાકૂઓને લલકાર્યા.
ભારમલે લડતાં લડતાં ડાકુઓનો ખાત્મો બોલાવી દીધો પણ ડાકુઓના ભાલા અને તલવારોથી પાદરમાં જ ઘાયલ થઈ પડયો. ગામવાળા મશાલો લઈને આવ્યા પણ ભારમલ વીરગતી પામ્યો હતો આજે એ જ જગ્યાએ એક દેરી (ખાંભી) બનાવી છે. કહેવાય છે કે ભારમલદાદા આજે પણ એ ગામની રક્ષા કરે છે અને લોકો માનતા માને છે અને કામ પૂરું થતાં બાધા કરે છે. સળગતી સિગરેટ, બીડી મુકો આખી પી જાય છે એ મેં પણ નજરે જોયેલું છે. ત્યારે પાદર હતું પણ આજે રેલ્વેના પાટા પાસે એ દેરી છે. રેલ્વેની બીજી લાઈન નાખવા એ દેરી તોડવા કોશિશ કરી તો હજારોની સંખ્યામાં કાળા ભમરા આવી ને બધાને કરડ્યા. આવુ બહુ વાર બન્યું પછી એ દેરીને મોટી કરી રેલ્વેવાળા જ પૂજા કરે છે.