કેવિનની મમ્મા
કેવિનની મમ્મા
"બસ, હવે બહુ થયું ! સુચિતા ત્રીસ ત્રીસ વર્ષથી આ કંપનીમાં કામ કરીને હવે થાકી ગઈ છું, નિવૃત થવાની તો હજી વાર છે પણ હવે જેટલા વર્ષો બાકી છે તે હું મારી રીતે જીવવા માંગું છું." રેણુકા પોતાની ખાસ બહેનપણી અને સાથે કામ કરનાર સુચિતાને આ વાત કરી રહી હતી.
રેણુકા માટે ફેરવેલ પાર્ટીનું પણ આયોજન થયું હતું. બે દિવસ પછીના એ સમારંભમાં જવાનું રેણુકાને જરાય મન થતું ન હતું પણ બોસ, મેનેજર અને અન્યનું દિલ દુભાવવા માંગતી ન હતી.
ત્રીસ ત્રીસ વર્ષોનાં વહાણા વાયા. ન્યુયોર્ક સિટીમાં છેલ્લા ચાલીસ વર્ષોથી રહેતી રેણુકા ચાની ચૂસ્કીઓ લેતા લેતા ચાલીસ વર્ષનું સરવૈયું કાઢી રહી. માત્ર અઢાર વર્ષની વયે લગ્ન કરીને માત્ર છ મહિનામાં જ અમેરિકા જવાનું થયું અને દસ જ વર્ષના લગ્નજીવન પછી જીવનસાથીનો સાથ એ કાળમુખા મૃત્યુએ છીનવી લીધો હતો.
એક એક ચાની ચૂસ્કીઓ સાથે આંખોમાંથી અશ્રુ બિંદુઓ સરતાં જતાં હતાં. પછીના ત્રીસ વર્ષ પતિની જ કંપનીમાં કામ કરીને કેવી રીતે વીતાવ્યા હતા તે તો તેનું મન જ જાણતું હતું. સારા માઠા માણસો, પ્રસંગો, હિતેચ્છુઓની મમતા અને વિધ્નશત્રુઓની ક્રૂરતાની વચ્ચે પિસાતી રેણુકાએ હવે નિર્ણય લઈ જ લીધો હતો કે, બસ, હવે બહુ થયું !
રેણુકાની વિચારમાળામાં જાણે એક હાસ્યનું બિંદુ છલકાઈ ઊઠ્યું. જોયું તો કેવિન સામે ઊભો હતો. ક્યારનો ય રેણુકાને જોતો હતો. કેવિન એક સાત વર્ષનો માનસિક ખોડખાંપણવાળો તેનો ક્લાયન્ટ હતો. રેણુકાને કહે, "તમે કેમ આ કામ છોડો છો ?" રેણુકા તો સ્તબ્ધ થઈને જોઈ જ રહી. આ મંદબુદ્ધિના બાળકના મગજમાં આ વિચાર કેવી રીતે આવ્યો ! રેણુકાને શું જવાબ આપવો ? તે વિચારી રહી. તેને ખબર તો હતી કે આવા મંદબુદ્ધિના બાળકોમાં છઠ્ઠી ઇન્દ્રિય હોય છે અને તે ઘણું બધું જોઈ અને અનુભવી પણ શકે છે.
તરત જ બીજો પ્રશ્ન થયો "કામ છોડવાને બદલે મારી સાથે જ રહો ? તમને વાંધો ન હોય તો."
"વાંધો તો કંઈ નથી બેટા, પણ હવે બહુ થયું." તે સ્વગત જ બોલી રહી હતી.
થોડીવાર તંદ્રામાંથી જાગીને જોયું તો કેવિન તેની સામે જ ઊભો હતો. તંદ્રામાંથી જાગેલી રેણુકાને કેવિને કહ્યું કે, "બસ હવે બહુ થયું મમ્મા, તું મારી મમ્મા બની જા, એટલે તારે કામે નહિ જવું પડે."
હવે આને શું જવાબ આપવો એ વિચારતી હતી ત્યાં કેવિનના પિતા જ્હોન હસતાં ચહેરે ગુલાબનું એક ફૂલ રેણુકા સામે ધર્યું અને કહ્યું, "વિલ યુ મેરી મી ?"
આ સાંભળીને આખો હોલ સ્તબ્ધ બની ગયો. બધા વિચારવા લાગ્યાં કે રેણુકા હવે શું કરશે ! બે મહિના પછી રેણુકા અને જ્હોનના લગ્નની શરણાઈ વાગી રહી હતી. ત્યારે સૌથી વધારે ખુશ કેવિન જ હતો.
