Bansari Joshi

Inspirational

4  

Bansari Joshi

Inspirational

કેમેરાની આંખે

કેમેરાની આંખે

5 mins
340


 એક અદ્ભૂત છટા સાથે ખભે રોલિફેક્સ કેમેરા લટકાવીને સાડીના પરિધાનમાં આવેલી એક મહિલાને કોઈએ પૂછ્યું કે, "ફોટોગ્રાફી એટલે શું ?" ત્યારે એ મહિલાએ ખૂબ સુંદર ઉત્તર આપેલો.

"ફોટોગ્રાફી એટલે ક્ષણમાં વસેલી ક્ષણની અગત્યતા. હું ક્ષણ કંડારતી વખતે બેઉ આંખો ખુલ્લી રાખું છું એક આંખથી હું લેન્સમાં પ્રવેશું છું અને બીજી આંખ હું આસપાસની હલનચલન પર રાખું છું."

 આ ઉત્તર આપનાર મહિલા ગુલામ ભારત અને સ્વતંત્ર ભારતની ઐતિહાસિક ક્ષણોને પોતાના લેન્સથી જોવાની સાક્ષી રહી છે. દેશમાં જ્યારે વિભાજનના વોટ અંગે બેઠક યોજાયી હતી ત્યારની સાક્ષી પણ આ મહિલાની આંખો અને કેમેરા બેઉ રહેલા છે અને 16 ઓગસ્ટ 1947માં લાલ કિલ્લા પર લહેરાયેલાં તિરંગાની લાક્ષણિક અને દુર્લભ તસવીર પણ આ મહિલાની જ દેન છે. 

 મુંબઈના એક ચિત્રકાર સમીર કુલવુરએ આ ભારતીય મહિલાનું ડૂડલ બનાવી એને ગૂગલ પર મૂકી વિશ્વને એ પ્રથમ ભારતીય મહિલા ફોટોગ્રાફરની યાદ અપાવી હતી.

 "લેડી ઓફ લેન્સ","dalda13" "એનર્જી" જેવા ઘણા ઉપનામોથી સન્માનિત થયેલી આ મહિલાનું નામ "હોમાઈ વ્યારાવાલા" છે. હોમાઈનો જન્મ 1913ની સાલમાં 9 ડિસેમ્બરના રોજ ગુજરાતના એક શહેર નવસારીના એક સામાન્ય પારસી પરિવારમાં થયો હતો. મધ્યમવર્ગીય પરિવારમાં જન્મેલી હોમાઈનું નાનપણ ગુજરાતમાં જ વિત્યું હતું પણ એમના પિતાનું સ્થળાંતર થતું રહેતું અને એ કારણે હોમાઈ ઘણા શહેરોના જનજીવનની મૂક સાક્ષી રહી હતી. 

હોમાઈના પિતાની એક પારસીઉર્દૂ થિયેટર કંપની મુંબઈમાં સ્થિત થવાને કારણે હોમાઈ સહપરિવાર મુંબઈ આવીને વસી ગયા. અહીં હોમાઈએ સેંટ ઝેવિયર્સ સ્કૂલમાં પોતાનું બી.એ.નું શિક્ષણ ઈકોનોમિક્સ વિષય સાથે પૂરું કર્યું અને પછી જે. જે. આર્ટ્સ ઓફ સ્કૂલમાં ફોટોગ્રાફીની શિક્ષા પણ લીધી. આ સમયગાળા દરમિયાન એમની મુલાકાત માણેકશાહ જમશેદજી વ્યારાવાલા સાથે થઈ. જે એ સમયે ટાઈમ્સ ઓફ ઈન્ડિયામાં એકાઉન્ટન્ટ ફોટોગ્રાફર હતા. 

બેઉની રુચીની સામ્યતાને કારણે ટૂંક સમયમાં જ પાક્કી મૈત્રી બંધાઈ ગઈ. ફોટોગ્રાફીનો અભ્યાસ પૂર્ણ કરી આગળની તમામ શિક્ષા એમણે પોતાનાં સ્નેહીમિત્ર માણેકશાહ પાસેથી જ લીધી. તસવીરોની બારીકાઈ, સંવેદના, લાગણી આ બધું જ લેન્સની આંખે કંડારવા એ પોતાનો રોલિફેક્સ કેમેરો ખભે ટીંગાડી સાઈકલ પર જ મુંબઈની ગલીઓમાં નીકળી પડતા પણ સાથે ગરિમાભરી વાત એ હતી કે આ બધું જ એ સાડીમાં સજ્જ થઈને જ કરતા. જે સમયે સ્ત્રીઓ ઘરમાં રહેવાનુ સલામત ભર્યું અનુભવતી એ સમયે હોમાઈએ પોતાની ફોટોગ્રાફીને પોતાની ધગશ અને ઉદેશ્ય બનાવી લીધેલા. ત્યારે વીજળીના ઉપકરણોની સુવિધા ના રહેતી તો હોમાઈ સૂવાના પલંગ નીચે ઘૂસી ગોદડા ઓઢીને ડાર્કરૂમ તૈયાર કરતી અને સ્લાઈડ સાફ કરતી. 

આખરે હોમાઈને ફોટોગ્રાફી ક્ષેત્રે એક નવો અવસર મળ્યો. 1938માં એમની પહેલી તસવીર "બોમ્બે ક્રોનિકલ"માં પ્રકાશિત થઈ અને એમનું પહેલવહેલું મહેનતાણું હતું એક રૂપિયો. વિશ્વમાં ફોટોગ્રાફી ક્ષેત્રે ડંકો વગાડનાર અને પોતાના અંતરને અનુસરીને છબીઓની દુનિયામાં એક અનોખી કેડી બનાવનાર પ્રથમ ભારતીય મહિલા ફોટોગ્રાફર તરીકેનું સન્માન પ્રાપ્ત કરનાર હોમાઈ આગળ જતાં પ્રખ્યાત મહિલા ફોટોપત્રકાર પણ બની ગઈ.

 1938થી શરૂ થયેલો હોમાઈનો કાર્યકાળ નવા નવા સોપાન સર કરતો રહ્યો. આગળ જતાં પોતાની આ યાત્રાના દરેક ક્ષણોના સાક્ષી અને સાથી એવાં એમનાં સ્નેહીમિત્ર માણેકશાહ સાથે લગ્નના બંધને જોડાઈ જવાનો નિર્ધાર પણ કર્યો અને 1940માં બેઉ લગ્નગ્રંથિથી જોડાઈ ગયા.

શરૂઆતમાં એ પોતાના પતિના નામ હેઠળ જ પ્રખ્યાત સામયિકોમાં પકાશન પામતી રહી હતી અને પછી પોતાની અદ્ભૂત બ્લેક એન્ડ વાઈટ તસવીરોને કારણે એ ઘણી જ લોકપ્રિય થઈ ગઈ. આ સમયગાળામાં હોમાઈ પતિ સાથે દિલ્હી સ્થિત થઈ ગઈ. ત્યાં 1942માં એમની તસવીરો રાષ્ટ્રીય સ્તરે પસંદગી પામી અને હોમાઈ એ જ સમયે "બ્રિટિશ ઈન્ફોર્મેશન સર્વિસ"માં જોડાયા. હોમાઈનો આ ક્ષેત્રે એ અદ્ભૂત સમય હતો. બીજા વિશ્વયુદ્ધ પહેલા અને પછીની ઘણી તસવીરો હોમાઈની જ દેન છે. પોતાના આ અદ્ભૂત કાર્યકાળમાં હોમાઈ દ્વારા લેવાયેલી અમુક તસવીરો સીમાચિહ્ન સ્વરૂપ બની અને એક અનોખી સ્મૃતિમંજુષા પણ ઊભી કરી શકી. જેમકે દેશના વિભાજનના વોટની બેઠક હોય કે પછી 1947 ની 16 ઓગષ્ટે લાલ કિલ્લા પર લહેરાયેલાં તિરંગાની તસવીર હોય. આ સિવાય પણ ઘણી મહત્વપૂર્ણ રાજનૈતિક તસવીરો હોમાઈ દ્વારા જ ખેંચવામા આવેલી. આ ઉપરાંત મહાત્મા ગાંધીજી,લાલબહાદુર શાસ્ત્રીજી અને પંડિત જવાહરલાલ નેહરુજીની અંતિમયાત્રાની લાક્ષણિક તસવીરો પણ હુમાઈના હાથે જ લેન્સમાં ઝડપાયેલી. 

આ વિચક્ષણ તસવીરોની દાતા હવે એક માતા પણ બની ગઈ હતી. હોમાઈને પુત્રની પ્રાપ્તિ થઈ હતી જેનું નામ બેઉએ "ફારૂક"રાખેલું. પણ સહસા આટલી રોમાંચક સફરને એક કારમો અકસ્માત રૂબરૂ થઈ ગયો. હોમાઈના જીવનમાં જે જગ્યા કોઈ જ પૂરી ના કરી શકે એવી ખાલી જગ્યા ઊભી થઈ. પોતાના પતિ માણેકશાહનું દેહાંત 1969માં થઈ થયું અને એક ગજબ ખાલીપો હોમાઈના જીવનમાં સર્જાયો. એક એવો વંટોળ પણ જે ઘણું વિસર્જન ફેલાવી ગયો. એક ઝાટકે 1970 માં હોમાઈએ ફોટોગ્રાફીનું ક્ષેત્ર છોડી દીધું અને પોતાના પુત્ર સાથે વ્યારા આવીને વસી ગયા. પતિના દેહાંત પછી એમણે ક્યારેય ફોટોગ્રાફી ના કરી. નવા નવા ફોટોગ્રાફરની વર્તણૂક પણ હોમાઈને પસંદ ન પડતી. હજી એક વ્યથામાંથી આ ઠીક ઠીક ઉભર્યા હતા ત્યાં હોમાઈના જીવનમાં અન્ય એક કારમી કરુણા સર્જાઈ. પોતાના પુત્ર ફારૂકને કેન્સર થયું અને 1982માં પુત્રને પણ ગુમાવ્યો. જીવનમાં સૌથી મહત્વની બે વ્યક્તિઓની વિદાય હોમાઈને ઊંડેથી સ્પર્શી ગઈ. ઘરમાં વ્યાપેલો ખાલીપો અને વ્યથા ના ઝીરવાતા હોમાઈ વ્યારા છોડી વડોદરાના એક નાના એવા એપાર્ટમેન્ટમાં જ રહેવા આવી ગયા. પોતાનું જીવન જાણે એ ઘરમાં જ સંકોરી લીધું. ઘરકાર્ય જાતે જ કરવાનો આગ્રહ એ રાખતા અને બાગકામ પછીથી એમનો ગમતો વિષય બની રહ્યો. જૂજ સંબંધો જ જીવનમાં રાખ્યા હતા. હોમાઈ ઘરે પણ એકલવાયું જ જીવતા. 

 1911માં હોમાઈને પદ્મ વિભૂષણથી સન્માનિત કરવામાં આવ્યાં. આ સિવાય પણ દલાઈલામા નાથુલા માર્ગે જ્યારે ભારતમાં પ્રવેશ્યા હતા એની લાક્ષણિક તસ્વીર જે હોમાઈ દ્વારા ખેંચવમાં આવેલી એ સમયે લાઈફ મેગેઝીનમાં સ્થાન પામેલી. પ્રથમ ભારતીય મહિલા ફોટોગ્રાફર હોવાના નાતે અને પ્રથમ ભારતીય મહિલા ફોટોગ્રાફ જર્નલિસમમાં પોતાની અદ્ભૂત સેવા બદલ તેમને લાઈફ ટાઈમ અચિવમેન્ટ એવૉર્ડ અને અન્ય સન્માનોથી પણ નવાજવામાં આવેલા. 

2010માં હોમાઈએ પોતાનો સઘળો સંગ્રહ "આલ્કજી ફાઉન્ડેશન ફોર આર્ટ"ને સુપ્રત કર્યું જે પછી નેશનલ ગેલેરી ઓફ મોર્ડન આર્ટ"માં પ્રદર્શન પામ્યું. 

 1912ની 15મી જાન્યુઆરીએ પોતાના વડોદરા સ્થિત ઘરમાં અચાનક કોઈ કાર્ય કરતા પડી જતા એમને ફ્રેકચર આવ્યું. પાડોશીઓએ હોસ્પિટલમાં ભરતી કરાવ્યા પણ સાથે હૃદયનો હુમલો આવતા એમનું મૃત્યુ વડોદરા ખાતે નિપજ્યું.

 "Dalda13" જે હોમાઈ વ્યારાવાલાના જીવન સાથે જોડાયેલો એક અનોખો લોગો રહ્યો હતો. જેમાં 13 નો એ અંક હોમાઈના તમામ મહત્વપૂર્ણ અંશોનું પ્રતિબિંબ છે. 

હોમાઈનો જન્મ જે 1913માં થયેલો. 13 વર્ષની વયે જ એ માણેકશાહ વ્યારાવાલાને પ્રથમ વખત મળેલા અને "DLD-13" જે એમની પ્રથમ કારની નંબરપ્લેટ હતી. બસ મૃત્યુ થોડુ એક દિવસ આગળ આવી ગયું નહીતો એ પણ 12 ની બદલે 13 પર જ યાત્રાને સમેટતું.

ગૂગલે ડૂડલ બનાવી વિશ્વભરમાં સૌને આ અદમ્ય પ્રતિભાશાળી પ્રથમ મહિલા ફોટોગ્રાફરથી અવગત કરાવી હોમાઈ વ્યારાવાળાની પ્રતિભા વિશ્વસ્તરે વધુ ખ્યાતિ અપાવી.


Rate this content
Log in

Similar gujarati story from Inspirational