કાશ...!!! એક આભાસી જીંદગી
કાશ...!!! એક આભાસી જીંદગી
નાનપણમાં દાદા દાદી અને નાના નાની પાસેથી રાજકુમારની ઘણી વાતો સાંભળી હતી.જેમાં રૂપાળો રાજકુમાર પાંખવાળા ઘોડા પર સવાર થઈને આવતો અને ત્યાં એક પરી જેવી રાજકુમારી હોય તેને પોતાની સાથે સાત સાગર પાર કરી લઈ જતો.રાજકુમારની વાતો સાંભળતા સાંભળતા ઊંઘી જતી ત્યારે તેના અચેતન મનમાં તે રાજકુમાર આવતો અને સલોનીને પોતાની સાથે લઈ જતો એવું દેખાતું.ટીવીમાં સિન્ડ્રેલાનો શો આવતો એમાં સાવકી માતા અને સાવકી બહેનો સિન્ડ્રેલા પર અત્યાચાર કરે છે અને અંતે હેન્ડસમ રાજકુમાર સિન્ડ્રેલાને લઈ જાય છે.ત્યારે સલોની સિન્ડ્રેલા હોવાના,બનવાના ખ્વાબ જોતી.
સલોની હવે આઠમાં ધોરણમાં આવી હતી.હવે રાજકુમારની વાર્તાનુ સ્થાન લવ સ્ટોરીની બુકે અને સિન્ડ્રેલાનો શો નું સ્થાન રોમેન્ટિક મૂવી કે રોમેન્ટિક સીરીયલએ લઈ લીધું હતું.સલોની ને મનમા હતું કે મારા માટે પણ એક દિવસ આવો પ્રિન્સ ચાર્મિગ આવશે.
આમ ને આમ ત્રણ વર્ષ નીકળી ગયા. અગિયારમાં ધોરણમાં તો મારો રાજકુમાર મળી જ જશે.ત્યારે પણ એની આશા ઠગારી નીવડી.
એની બહેનપણી પાસે એનો બોયફ્રેન્ડ હતો.એની બહેનપણીને જોઈને વિચારતી કે કાશ મને પણ કોઈ ચાહવાવાળું મળી જાય.
ગુલઝાર સાહેબની ગઝલોમાંની એક પંક્તિ છે.
એક...ખ્વાબ...
મેરી નીમ જૈસી જીંદગી કો...શહદ કર દે...
કાશ કોઈ...મુઝે ભી ઈતના ચાહે કી...હદ કર દે...
આમ સલોની કાશ અને આશ વચ્ચે દિવસો વિતાવતી.
મનોમન ભગવાન પાસે કેટલીય વાર સપનાના રાજકુમારની માંગણી કરી હતી.પોતાની આસપાસની દુનિયામાં જોતી તો એને પ્રેમી પંખીડા દેખાતા.બધાના નસીબમાં પ્રેમ છે,મારા નસીબમાં જ નથી એવું વિચારતાં સલોનીની આંખમાં કેટલીય વાર આંસુ આવી જતાં.
કોલેજમાં જતી સલોની પોતાનો સાંવરિયો, પોતાના સપનાના રાજકુમાર અંગે કલ્પનાઓ કરી રંગીન સપના જોતી. એ સપનાના રાજકુમારના પ્રેમનું એક બુંદ પામવા સલોનીનું હ્દય સતત ઝંખતું રહેતું. એનુ મન પ્રિન્સ ચાર્મિગ સાથેની પ્રથમ મિલનની અનેક સુંદર કલ્પનામાં રાચે છે.કોઈક તો એવો સાથી જોઈએ, જેની સાથે એ હસી શકે, રડી શકે, જેની સાથે પોતાના હ્દયની વાતોને શબ્દમાં બયાન કરી શકે, જેને એ પોતાનો કહી શકે.પણ જરૂરી નથી કે દરેક કલ્પના વાસ્તવિક જીવનમાં સાકાર થાય. સલોની જ્યારે કલ્પનાની રંગીન દુનિયામાંથી વાસ્તવિક દુનિયામાં આવતી ત્યારે તેને ખુલ્લા આકાશ નીચે પણ ગૂંગળામણ થવા લાગતી. કોલેજમાં પણ એને એના મનનો માણીગર ન મળ્યો.
કેટલું અઘરું લાગે છે જ્યારે વાદળા હોય અને વરસાદ ના હોય, જીંદગી હોય અને પ્રેમ ના હોય.જેમ નાનું બાળક રડતા રડતા થાકી ને સૂઈ જાય એવી જ હાલત સલોનીના હદયની થઈ હતી.ભરચક જેવા શ્રાવણમાં પણ હૈયું તરસ્યું રહી જતું સલોનીનું.
કહેવાય છે કે ભીંજાવા માટે ધોધમાર વરસાદની જરૂર નથી,,,,,એક "વાછંટ" જ કાફી છે પલળી જવા માટે.....જેમ તરસ્યું હરણ મૃગજળ પાછળ દોટ મૂકે તેમ સલોનીના હૈયાને દોટ મૂકવાનું મન થતું.પણ દોટ મૂકે તે પણ કોની પાછળ? એ "વાછંટ" જેવું મૃગજળ પણ નહોતું સલોની પાસે.સલોની આજે પણ રાહ જોઈ રહી છે એ પ્રેમના વસંતની,એ પ્રેમના વાછંટની,એ પ્રેમના વરસાદની, જે એને ભીંજવી દે.
પ્રેમની એક આશ છે,
બસ એ જ ખાસ છે,
બાકી આ જીંદગી કાશ...કાશ...કાશ...છે.
આ વાત માત્ર સલોનીની જ નહિ પણ એ નાની છોકરીઓની છે જે સદીઓથી સિન્ડ્રેલાની સ્ટોરી સાંભળતી આવી છે અને મોટી થયા પછીયે પોતે સિન્ડ્રેલા હોવાના,બનવાના શમણાં જોતી હોય છે. વાત એ સ્ત્રીઓની છે જેમને જીવનમાં પ્રેમ નથી મળ્યો. સદીઓથી એ જ સ્ત્રીની મૂંઝવણ,અકળામણ,પીડા, ઘવાયેલી લાગણી, જીવનમાં ફેલાયેલી વિરાનગી.જીવને ચેન મળવું કેટલું મુશ્કેલ થઈ જાય.એની પાસે કલરવ નહોતો,ખુશી આનંદની કોઈ પળો નહોતી. સ્નેહ પામવા માટે ખૂબ ભટકે છે પણ અંતે તો ઝાંઝવાના નીર જ નડે છે. કયારેક તો બાગમાં વસંત આવશે.પણ એના જીવનમાં પાનખર આવી ને પર્ણો જ ખરતા રહ્યા.એના ભાગ્યમાં લખ્યું હતું માત્ર રણ.
દરેક સ્ત્રીને એક ભાવનાત્મક સહારાની અને એક હૂંફની તો ખાસ જરૂરત મહેસૂસ થતી હોય છે.જ્યાં સુધી હ્દયના ધબકાર ચાલશે ત્યાં સુધી એ પ્રેમ રૂપી ઝાકળ બિંદુનો અણસાર રહેશે.
સમાપ્ત....