ધરબાયેલી સંવેદના - ભાગ ૬
ધરબાયેલી સંવેદના - ભાગ ૬


ધીમે ધીમે પૂર્વની ક્ષિતિજે રંગોની અદ્ભૂત છટા સાથે સૂર્યના કોમળ કિરણો જ્યારે પૃથ્વી પર પથરાય છે, ત્યારે સમગ્ર પ્રકૃતિ જાણે હળવેથી હસું હસું થઈ રહે છે. આકાશ સોનેરી રંગે રંગાઈ જાય છે. વાતાવરણમાં હળવે હળવે સ્ફૂર્તિદાયક ઉષ્મા પ્રસરે છે. વનસ્પતિમાં નવચેતનનો સંચાર થાય છે. વૃક્ષો જાણે સમાધિમાથી જાગી ઉઠે છે અને ફૂલવેલીઓ આનંદથી ઝૂમવા લાગે છે. પુષ્પો અને પર્ણો પર પડેલાં ઝાકળના બિંદુઓ સૂર્યના પ્રકાશમાં મોતીની જેમ ચળકે છે. માળામાં ભરાયેલા પક્ષીઓ જાગી મીઠો કલરવ કરી ઊગતી પરોઢનું સ્વાગત કરે છે.
સવારની વેળાએ ઝાડની ડાળી ઉપર પંખીઓનો મીઠો કલરવ થયો. સૂરજના કુમળા કિરણો મેઘાને હળવેથી જગાડી રહ્યા હતા. પથારીમાંથી ઉભા થતા જ તાજગીનો અનુભવ થયો. પ્રાકૃતિક વાતાવરણ અને સ્થળ બદલાવાથી મેઘાના મનને થોડી શાંતિ થઈ. નાહી ધોઈને ચા નાસ્તો કર્યો. સંયુક્ત કુટુંબ હતુ એટલે ઘર ભર્યું ભર્યું લાગતું.
મેઘા ઘરની બહાર રહેલા લીમડાના ઝાડ નીચે રહેલા ખાટલા પર બેસી પ્રકૃતિના સૌદર્યને માણી રહી હતી. મેઘાને કંઈક લખવાનું મન થયું આંગણામાં રમતા નાના બાળકને ઘરમાંથી ડાયરી અને પેન લાવવાં કહ્યું. તે બાળક ઘરમાંથી પેન-ડાયરી લઈને મેઘાને આપી ફરી પોતાના ટોળામાં રમવા જતુ રહે છે. મેઘા ડાયરીમાં લખે છે.
કોઈવાર સવારે ઉઠીને
સૂર્યોદયના દર્શન કરવા જેવા ખરા હો...
કોઈવાર શાંત ચિત્તે બેસીને પંખીઓનો અવાજ સાંભળવા જેવો ખરો હો...
કોઈવાર ફૂલો પર ભમતાં રંગબેરંગી પતંગિયા જોવા જેવા ખરા હો...
કોઈવાર સવારના કૂણાં તડકાને
પર્ણ અને પુષ્પો પર પથરાતો જોવા જેવો ખરો હો...
કોઈવાર રોજિંદા કામો છોડીને
આ કુદરતની હસીન સૌદર્યની મજા માણવા જેવી ખરી હો...
બધા તો ગામે જતા રહ્યા હતા પણ પૃથ્વીને મેઘાની ચિંતા થતી હતી એટલે પૃથ્વી અને મેઘા દરરોજ સાંજે ફોન પર વાત કરતા. મેઘાને એ વાતની ખુશી હતી કે પૃથ્વી જેવો મિત્ર એની પાસે છે.
મહેશભાઈ, પાર્વતીબહેન અને કેજલ ગામથી મુંબઈ આવી ગયા હતા. હસમુખભાઈ, સરલાબહેન અને મેઘા પછીના દિવસે રાતના મોડેથી આવ્યા હતા. બીજે દિવસે સવારે મહેશભાઈ અને પાર્વતીબહેનની મેરેજ એનિવર્સરી હતી. પાર્વતીબહેન સરલાબહેનને ફોન પર કહી રહ્યા હતા કે આજે સાંજે તમારે બધાએ અહીં જ જમવાનું છે. બપોર પછી ઘરે આવજો. તમારી થોડી મદદની જરૂર પડશે. એમ તો ઘરમાં ઘણા નોકર ચાકર હતા. પણ પાર્વતીબહેનને કોઈકવાર પોતાના હાથેથી રસોઈ બનાવવાની ઈચ્છા થઈ જતી.
પૃથ્વી હોલમાં ટીવીમાં સોન્ગ જોતો હતો. કેજલ અને પાર્વતીબહેન ડાઈનીંગ ટેબલ પર બેઠાં બેઠાં શાક સમારી રહ્યા હતા. એટલામાં જ સરલાબહેન અને મેઘા આવે છે. મેઘાએ સફેદ ટોપ અને લાલ કલરનો પટિયાલા પાયજામો તથા લાલ કલરની ઓઢણી પહેરીને આવી હતી. પૃથ્વી તો મેઘાને જોતો જ રહી ગયો. મેઘાએ કોઈ દિવસ ટ્રેડીશનલ ડ્રેસ નહોતા પહેર્યા અને આજે અચાનક જ આ રીતે આવો ડ્રેસ પહેરી આવી હતી. પૃથ્વી તો મેઘાને જોઈ જ રહ્યો.
મેઘા ડાઈનીંગ ટેબલ પર જઈ શાક સમારવા લાગી. પૃથ્વી ટીવી બંધ કરી આવ્યો અને મેઘા પાસે જઈને બેસી મેઘાને જોઈ રહ્યો પછી મેઘાના કપાળ પર હાથ રાખી બોલ્યો " ઑ હેલો તને તાવ બાવ તો નથી આવ્યો ને? કેમ અચાનક ટ્રેડીશનલ ડ્રેસ? તું ઠીક તો છે ને?"
કેજલ:- "તું પણ શું મજાક કરે છે પૃથ્વી? મેઘા આ આ ટ્રેડીશનલ ડ્રેસમાં સરસ લાગે છે હો. પૃથ્વીની વાતમાં ધ્યાન ન આપ."
પાર્વતીબેન:- "કેજલ ચાલ તો રસોડામાં જઈએ. બીજી તૈયારી કરીએ. મહારાજે બધી સામગ્રી તૈયાર તો કરી દીધી હવે આપણે રાંધવા જઈએ."
સરલાબહેન:- "હું પણ રસોડામાં આવું છું. મેઘા તું શાક સમારી અંદર લઈ આવજે."
મેઘા:- "હા મમ્મી."
પૃથ્વીની નજર મેઘા પરથી હટતી જ નહોતી. વારે વારે મેઘાને જોઈ લેતો.
મેઘા:- "વોટ?"
પૃથ્વી:- "શું વોટ?"
મેઘા:- "તું મને અલગ નજરથી કેમ જોઈ રહ્યો છે?"
પૃથ્વી:- "કંઈ નહિ બસ તું આજે કંઈક અલગ લાગે છે એટલે."
મેઘા પૃથ્વીને આશ્ચર્યથી જોઈ રહી. પછી પોતાના કામમાં વ્યસ્ત થઈ ગઈ.
સાંજે પાર્ટીમાં જવા માટે મેઘા તૈયાર થઈને બેઠી હતી. બધા તૈયાર થઈ ગયા હતા.
મેઘા તૈયાર થઈને આવી. પૃથ્વીની તો નજર જ નહોતી હટતી મેઘા પરથી. મેઘા લહેગો, ચોલી અને દુપટ્ટામાં ખૂબ જ સુંદર લાગી રહી હતી. પૃથ્વીની નજર અનાયાસે જ મેઘાની કમર પર પડે છે. મેઘાને ખ્યાલ આવી જાય છે. ધીમે રહી દુપટ્ટાને એવી રીતે સરખો કરે છે કે એની કમર જ ન દેખાય. મોડે સુધી પાર્ટી ચાલી.
સવારે પૃથ્વી મેઘાને ઉઠાડવા ઉપર જતો હતો કે સરલાબહેને કહ્યું " અરે પૃથ્વી બેટા મેઘા અને મીત તો ક્યારના નીકળી ગયા જોગિંગ માટે."
પૃથ્વીને આશ્ચર્ય થયું કે મેઘા મારા વગર કોઈ દિવસ કશે જતી નહોતી. નાની નાની વાતમાં મારા પર આધાર રાખતી. અચાનક એને શું થઈ ગયું? એમ વિચારતા વિચારતા પૃથ્વી જોગિંગ માટે નીકળ્યો.
સાંજે મેઘા બાલ્કનીમાં ઉભી હતી. ત્યાં જ પૃથ્વી આવ્યો.
પૃથ્વી:- "આજે કેમ મારા વગર જ જોગિંગ માટે નીકળી ગઈ હતી."
મેઘા:- "બસ એમજ. મને વિચાર આવ્યો કે આમ હું ક્યા સુધી નાની નાની વાત પર તારા પર આધાર રાખીશ. એટલે મે નિર્ણય કર્યો કે કોઈ પણ પ્રોબ્લેમ હશે તો મારે એનો સામનો એકલીએ જ કરવો જોઈએ. રાઈટ?"
પૃથ્વી:- "હા તારી વાત સાચી છે પરંતુ...."
મેઘા:- "પરંતુ કંઈ નહિ."
પૃથ્વી:- "જ્યારથી તું ગામેથી આવી છે કંઈક બદલાયેલી લાગે છે."
મેઘા:- "પૃથ્વી યું નો વોટ? સમય સાથે માણસ બદલાય છે. અને હું જ્યારથી ગામેથી આવી છું તું પણ કંઈક બદલાયેલો લાગે છે."
પૃથ્વી:- "તને ખરેખર એવું લાગ્યું?"
મેઘા:- "હા મતલબ કે તારામાં સાચે જ કોઈ પરિવર્તન આવ્યું છે. સાચી વાત ને?"
પૃથ્વી:- "ના રે એવું કશું નથી."
મેઘા:- "જુઠું બોલે છે. 'તને ખરેખર એવું લાગ્યું?' એમ કેમ પૂછ્યું?"
પૃથ્વી:- "એ તો બસ એમજ. ચાલ હવે સૂઈ જઈએ. બાય ગુડ નાઈટ"
મેઘા:- "ઓકે ગુડ નાઈટ"
મેઘાને રોહનની યાદ આવતી. પહેલા રોહનને ખૂબ યાદ કરતી પણ જેમ જેમ સમય વીતતો ગયો તેમ તેમ ઓછું યાદ કરતી. કારણ કે મેઘાને ખ્યાલ આવી ગયો હતો કે રોહન તો મને પ્રેમ જ નહોતો કરતો. જો એ મને પ્રેમ કરતે તો આ રીતે મને છોડીને જતે જ નહીં.
આજ વાત છે સમયની...સમય પોતાના વહેવાનું કાર્ય કરતો જાય છે અવિરતપણે કોઈ રોકાણ વિના ....ઘણુંબધુ નવું સર્જાય છે તો જૂનામાં ધણા ફેરફાર થાય છે. તેને નવો ઓપ અપાય છે..કયારેક તો એના મૂળ અસ્તિત્વ કરતા સંપૂર્ણપણે તદન નવા જ રૂપમા એ પરિવર્તિત થાય છે ને ઘણીવાર વળી એના નવા સ્વરૂપને એ સહજતાથી સ્વીકારી પણ લે છે અને એજ રીતે એ સમયના પ્રવાહમાં ગતિમાન બની જાય છે...પણ..પણ...ખરેખર એ આંતરિક રીતે સંપૂર્ણતા પોતાના નવા રૂપમાં ઢળી જાય છે?? ના હદયના કોઈક ખૂણાના કોઈક સૂક્ષ્મ પણ ખૂણામાં એનું નીજ જૂનુ સ્વરૂપને યાદ અકબંધ રહે જ છે...
ક્રમશઃ