કાળજાનો કટકો
કાળજાનો કટકો
ઘરનો એક એક ખૂણો સ્વચ્છ હતો. સરજુબા ધીમા પગલે બધી રૂમમાં ફરી વળ્યા. તેમની લાગણીશીલ આંખો કંઈક શોધતી હતી. રૂમમાં પડેલો લાંબો કાળો વાળ દેખાઈ ગયો. તેમણે ઝડપથી ઉઠાવી છાતીએ વળગાડી લીધો અને આંખમાંથી આંસુના બુંદ સરકી પડ્યા.
વાળ સાચવીને મૂકી દીધો.
'પાગલપન' સરજુબા વિચારવા લાગ્યા." કેવું વર્તન કરું છું હું !"
ડબલ બેડ પર ચાદર ખુબ જ સરસ રીતે પાથરી હતી. પણ આજે ધોવી પડશે !
"ના. આજે નથી ધોવી." સરજુબાનુ અંતરમન બોલી ઉઠ્યું.
" હજી ધબકે છે.. ચાદરમાં.. કંઈક.."
" કંઈક.. ધબકે.. છે ..હજુ !"
" મહેકી રહી છે ..ચાદરમાં.. તેની સુવાસ..!"
" મારા કાળજાના કટકાની સુવાસ.. મારી દીકરીની સુવાસ !"
ચાદર,ચારસા ટુવાલ જાણે આજે કેટલું બધું ધોવું પડશે !" કદાચ મન પણ આ રીતે વૉશિંગ મશીનમાં નાંખીને ધોવાતું હોય તો ?"કાળજાના કટકાની વિદાય મનને, હૃદયને ચુંભે છે. આ કાંટા જેવું ચુંભન ધોવાઈ જાય તો !"
પંદર વર્ષ થયા તેની વિદાયને ! વાજતે ગાજતે શરણાઈના સૂર સાથે વિદાય કરી હતી, કાળજાના કટકાને !
દૂર.. દૂર..!
પછી તો ભાણેજનો જન્મ.
તે વખતે સુવાવડ કરવા આવી હતી, ત્યારે ત્રણ મહિના રહી તે રહી ! આજદિન સુધી એટલું મારી પાસે રહી જ નથી. વર્ષે-બે વર્ષે પાંચ દિવસ આવે અને સૂકા ભઠ જેવા રણને લીલુંછમ..હરિયાળું બનાવી જતી રહે. એ જાય પછી, રાહ જોયા કરવાની. તે ગાડીમાંથી "આવજો" કહે તે ક્ષણથી, ફરી લાંબો ઇન્તજાર ચાલુ થઈ જાય.
મારી દીકરી સુખી છે. સાસરામાં બધું સુખ છે.
પણ ઘરે આવે ત્યારે ?
મારા હાથમાંથી બધું કામ લઈ લે અને કહે "આજે ઉંધીયુ, લાપસી, વેઢમી, ખમણ.. બનાવ, પાપડી બનાવ, માત્ર તારા હાથની જ રસોઈ મન ભરીને ખાવી છે માં !"
એને ખવડાવતા ખવડાવતા તેનું શૈશવ આંખ સામે તરી આવે. એવી જ જિદ્દી, એવી જ પ્યારી, એવા જ ખાવાના નખરા, કપડામાં નખરા.. બધું જ યાદ આવી જાય !
"સરજુબા ચાલ હું છું જાઉં છું."દોહિત્રનું આલિંગન યાદ આવી જાય.
"રડી લે ! કહું છું રડી લે !" રાય બોલ્યા." આજથી પંદર વર્ષ પહેલા દીકરીને વિદાય કરી હતી, તે વખતે જેટલું રડી હતી તેટલું જ દર વખતે વિદાય વખતે રડે છે. હવે તો તારે કઠણ બનવું જ પડશે અને દીકરી દુઃખી હોય તો વાત ઠીક ? રાજરાણી છે તારી દીકરી ! પછી શેને માટે દુઃખી થાય છે ?"
"સાચી વાત છે. શેને માટે દુઃખી થાઉં છું ? સૂના પડેલા ઘર માટે કે સૂના પડેલા હૃદય માટે ? ઘરના દરેક ખૂણામાં મારા કાળજાનો કટકો ફરતો દેખાય છે. તે નાની હતી ત્યારે પગમાં પહેરેલા ઝાંઝરનો રણકાર હજી સંભળાય છે. નાની હતી ત્યારે "મા..મા .."બોલતા પહેલા શીખી હતી. મારા જીવનના દરેક સુખ-દુઃખ, હાસ્ય-રૂદનની ભાગીદાર તે હતી અને હજી પણ છે. રાય એ મારી દીકરી છે !"
"મારી ય દીકરી છે. પણ હું તો તારી માફક ગાંડાઘેલા નથી કાઢતો ! તારા કાળજાનો કટકો આવે એટલે તું કેવી ગાંડી ગાંડી થઈ જાય છે ! હું એવું નથી કરતો. લાગણી મને પણ છે. વહાલી મને પણ છે. તેના એક બોલ ઉપર આખી દુનિયા ન્યોછાવર કરી દઉં ! પણ એક વાત સાચી સૂરજ ! માંગી માંગીને મારી દીકરી માંગે છે," પપ્પા ખાટી-મીઠી આદુના રસવાળી પીપરમેન્ટ લેતા આવજો. પપ્પા, નાના-નાના કૂતરાના ગલુડિયા જોવા લઈ જજો." આટલી મોટી થઈ પણ આવું જ નાનું નાનું માંગે છે. જાણે હજી નાની જ છે."
"અરે સરજૂ કયાં ગઈ "હજી રડે છે ?"
"ક્યાં ગઈ ? ફ્રીઝનુ બારણું ખુલ્લું છે. શું શોધે છે ?"
"અરે ! આ બાથરૂમનો ગીઝર ચાલુ છે. ક્યાં ગઈ સરજુ? શું કરે છે?
"ચાલ તૈયાર થઈ જા. તને તારા કાળજાના કટકાના ઘરે જ મૂકી આવું. તું તેની પાસે થોડા દિવસ રહેજે."
"આ શું કરે છે ? ફરી કપડા..!"
"બસ કરો રાય, બસ કરો ! હવે ઘાટા પાડવાનું, મારી ચિંતા કરવાનું બંધ કરો. હું સ્વસ્થ છું. રાય પણ શું કરું ? દીકરીની વિદાય મારાથી સહન નથી થતી. આ કપડા જુઓને ! હજી તેનામાંથી જાણે...?"
"સરજુ પ્લીઝ ! આ વખતે ડીંગી ગઈ, પણ તું રડી નથી. રડી લે ! મન હલકું થઈ જાય. સ્વીકારી લે...દીકરીને વિદાય કરી છે."
"રાય ! સાસરે રહીને પણ કેટલી કાળજી લે છે મારી દીકરી ! મારી, ઘરની !" મમ્મી ડોક્ટરને બતાવી આવી ? મમ્મી, આ કપડા જુના થયા. હવે તે કાઢી નાખ. કબાટમાં કપડાં વ્યવસ્થિત મૂકી દઉં ? લાવ તારી આંખમાં દવા નાખી દઉં ? તારાથી ચલાતું નથી, તું બેસ. તારું જમવાનું અહીં જ આપી દઉં ! જા ફેસિયલ કરાવી આવ થોડી ઓછી ઘરડી લાગે !વજન અને પેટ ઓછું કર. નહીં તો કોઈ રોગ પધારશે ! તારી પાસે થોડા પૈસા હાથમાં રાખ, અચાનક જરૂર પડશે તો ક્યાં જઈશ ?" પાડોશીને અને કામવાળીને આજીજી કરતી જાય છે કે "મમ્મીનું ધ્યાન રાખજો."
"રાય ! આ તો નાની અમથી વાત છે ને ! પણ દીકરી આવી નાની-નાની કાળજી લઇને ખૂબ મોટી બની જાય છે. તમને નહીં સમજાય."
" રાય ! તમને નહીં સમજાય."
"આ દીકરીની વિદાય ! કાળજાના કટકાની વિદાય ! તમને નહીં સમજાય."
"પોતાના શરીરમાંથી ઉત્પન્ન થયેલા પોતાના જ અંગને આટલું દૂર કરવું ! તમને નહીં સમજાય રાય."
"રાય ! તમને નહીં સમજાય."
"હૃદય બે છે. માં અને દીકરી ! પણ એનો ધબકાર એક જ છે."
"રાય ! વિદાયની 'વ્યથા' સમજવા માટે 'માં' બનવું પડે !"
