જયહિંદ
જયહિંદ


મોહનભાઈ બોલ્યા, “કેશવસિંહ, તમારો એકનો એક પુત્ર વિક્રમસિંહ વતન માટે શહીદ થયો એ સાંભળીને ઘણું દુઃખ થયું.” કેશવસિંહે મક્કમતાથી કહ્યું, “એમાં દુઃખ શેનું? પ્રભુએ આપેલો, પ્રભુએ પાછો લીધો. જે ભારતમાતાના ખોળામાં ઉછરેલો તેના જ રક્ષણાર્થે શહીદ થયો... આવી ગર્વ લેવા જેવી બાબત પર આંસુ સારી અમે અમારા પુત્રના શોર્ય અને બહાદુરીને લાંછન લગાડવા માંગતા નથી. મને હંમેશા એ વાતનો અફસોસ રહેશે કે મને કોઈ બીજો પુત્ર નથી નહીંતર આજે વતનની સેવા માટે તેને પણ અર્પણ કરી શક્યો હોત.” બાજુમાં ઉભેલો કેશવસિંહનો આઠ વર્ષનો પૌત્ર બોલી ઉઠ્યો, “દાદાજી, હું છું ને!!! હું સૈન્યમાં ભરતી થઇશ...” આ સાંભળી કેશવસિંહની પુત્રવધુ બોલી, “બેટા, સૈન્યમાં ભરતી થઇ તારા પિતાજીને ગોળી મારનાર એ દુશ્મનોને સબક શીખવાડીશ એવું બોલ.” શહીદ વિક્રમસિંહના પરિવારજનોની વાતો સાંભળી મોહનભાઈ ઉભા થયા અને સેલ્યુટ મારતા બોલ્યા, “વાહ! સલામ છે આપણા વતનના જાબાંઝ સપૂતોને.. સલામ છે તેમના પરિવારજનોના વતનપ્રેમ અને બલીદાનને...” સમગ્ર વાતાવરણ ગુંજી ઉઠ્યું મોહનભાઈએ દિલથી લગાવેલા એ જયહિંદના નારાથી.