જવાબદારી
જવાબદારી
" સૂર મારે તારી સાથે વાત કરવી છે. "
" સારંગી હું તને લગ્ન પહેલાં પણ કહી ચૂક્યો છું અને અત્યારે પણ તને કહું છું કે હું મારી મમ્મી વિરુદ્ધ કોઈ વાત સાંભળવા માંગતો નથી. એ સિવાયની કોઈ પણ વાત હોય તો કહે હું સાંભળવા તૈયાર છું. "
સારંગીની આંખોમાં આંસુ આવી ગયા. એ કેટકેટલાં સ્વપ્ન જોતી હતી. એમાનું કશુંય ના થયું. ધીરે ધીરે એને વાસ્તવિકતા સ્વીકારી લીધી હતી.
સૂર એકનો એક હતો. એના જન્મના એક મહિના પહેલાં એના પપ્પાનું અવસાન થયું હતું. પિતાનો પ્રેમ કેવો હોય એ સૂરે અનુભવ્યુ ન હતું. એને મન તો એની મમ્મી જ એનું સર્વસ્વ હતી. એના પપ્પા એકના એક હતા. સૂરના દાદા તો ગર્ભશ્રીમંત હતાં. એના પપ્પા એ બહુ મોટી રકમનો વીમો લીધો હતો. એ પૈસા તો એને મળેલા જ. એને ધાર્યું હોત તો એ ફરીથી કોઈ યોગ્ય પાત્ર સાથે લગ્ન કરી શકી હોત. જો કે એના સાસુ સસરાએ પણ કહેલું તું લગ્ન કરી લે અમે સૂરને મોટો કરીશું. પરંતુ સૂરની મમ્મી એ કહેલું કે, " મારી આવક જોઈને કોઈ પણ મારી સાથે લગ્ન કરવા તૈયાર થઈ જશે. તમે સૂરને મારાથી પણ અધિક પ્રસન્ન રાખશો કારણ કે દરેકને મુડી કરતાં વ્યાજ વધુ વહાલું હોય. પણ તમારી ઉંમર થઈ આ ઉંમરે મારે તમારી ચાકરી કરવાની હોય એના બદલે હું તમારી પર સૂરની જવાબદારી કઈ રીતે નાંખી શકું ? "
સારંગીની નોકરી ચાલુ હતી. જો કે એનો સમય પસાર થાય એટલા માટે જ નોકરી કરતી હતી. સારંગીને પૈસાની તો કોઈ તકલીફ ન હતી, નોકરીએ જતાં પહેલાં એ સૂરની દરેક જરૂરિયાતની વસ્તુ તૈયાર રાખતી જેથી સાસુ સસરાને તકલીફ ના પડે. એમાં ય કોલેજની નોકરીમાં રજાઓ ઘણી મળી રહેતી. જયારે રજાઓ હોય ત્યારે એ સાસુ સસરા ને કંઈ કામ કરવા દેતી ન હતી.
ત્યારે તો તેઓ કહેતાં, "બેટા, તું થાકી જઈશ. ત્યારે એની મમ્મી સરગમ કહેતી, " મમ્મી, પપ્પા તમે પણ આ ઉંમરે સૂરને કેટલું બધું સાચવો છો ! રજાના દિવસે તો એ સૂર ને પણ સાચવે અને સાસુ સસરાની બધી જરૂરિયાત પણ પૂરી કરે બજારમાંથી બધી વસ્તુઓની ખરીદી કરતી. એ સમયે પણ સૂર ને જોડે લઈ જતી જેથી એના સાસુ સસરા ને આરામ મળે.
સૂર બે વર્ષનો થયો ત્યાં સુધીમાં એના સાસુ સસરા થોડા થોડા અંતરે મૃત્યુ પામ્યા.
સરગમે તે સમયે એક વર્ષની રજા કપાતે પગારે લીધી હતી. સૂર સ્કૂલે જતો થયો ત્યારે એને પાર્ટટાઈમ નોકરી લીધી.
દિવસો શાંતિથી પસાર થતાં હતાં. સૂરના ભણતર પર પણ એ પૂરતું ધ્યાન આપતી. જેથી સૂર હંમેશા પ્રથમ નંબરે પાસ થતો. એટલું જ નહિ પરંતુ જયાં સુધી ભણ્યો ત્યાં સુધી ગોલ્ડ મેડલ મેળવતો રહ્યો. એની સાથે જ અભ્યાસ કરતી સારંગી સાથેની મિત્રતા લગ્નમાં પરિણમી. સરગમે તો કહ્યું, "બેટા સૂર, તારી પસંદગી એ મારી પસંદગી. માબાપને મન સંતાનની ખુશી એ જ એમની ખુશી હોય છે."
સારંગી પણ નોકરી કરતી હતી. અને એને સહેલાઈથી નોકરી મળતી કારણ આઈ. ટી.વાળાને નોકરી મેળવવામાં તકલીફ જ ના પડે.
પરંતુ લગ્નના ચાર વર્ષ બાદ એમને એક બાળકની ઈચ્છા થઈ. એકાદ વર્ષ આમ જ નીકળી ગયું. પરિણામ પ્રાપ્ત કરવા આધુનિક ટેકનોલોજીનો ઉપયોગ કરી પાંચેક લાખના ખર્ચ કર્યા બાદ આખરે પુત્ર પ્રાપ્તિ થઈ. બધા ખુશ હતા. સારંગી પિયરથી સાસરીમાં આવી ત્યારે એને ખાતરી હતી કે એના સાસુ નિવૃત્તિ બાદ ઓનલાઈન ટ્યુશન કરે છે. બાળકની મમતાને કારણે એ ટ્યુશન છોડીને દીકરો રાખશે.સારંગીની રજાઓ પૂરી થવા આવી હતી. કોરોનાને કારણે એને કામ તો ઘરેથી જ કરવાનું હતું. પરંતુ એનો પુત્ર સૌજન્ય ધુટણિયા ભરતાં ભરતાં સારંગીના રૂમમાં જતો રહેતો. એના સાસુ ઓનલાઈન ટ્યુશન કરતાં હતાં. જયારે સૂરને તો ઓફિસ જવું પડતું. ઘરમાં સાસુ વહુ એકલાં જ હોય. સારંગી બાળક સૌજન્યને કારણે બરાબર કામ કરી શકતી નહિ.
તે દિવસે સૂર ઘેર આવ્યો ત્યારે સારંગી સૂર ને જોઈ રડી પડી. બોલી, "સૂર, ગમે તેમ કરી તું મમ્મીજીને સમજાવ કે એ ટ્યુશન કરવાનું છોડી દે. એમને આખી જિંદગી તો નોકરી કરી હજી પણ ધરાતા નથી ! "
" તું તારા મમ્મી પાસે મૂકી આવ ".
"મારી મમ્મીને તો બા દાદાની ચાકરીમાંથી સમય જ નથી મળતો. હું ત્યાં રહી એ દરમ્યાન મારા માટે બાઈ રાખી હતી. એ જ અમારી સંભાળ રાખતી હતી. "
"સારંગી, તારી મમ્મી પાસેથી તું શીખી નહિ કે માબાપની સેવા જ સર્વસ્વ છે. મારી મમ્મી એ પણ ધાર્યું હોત તો લગ્ન કરીને સુખી થઈ ગઈ હોત છતાં પણ મમ્મીએ પોતાનું સુખ જોવાને બદલે બા દાદાનું સુખ જોયું. સારંગી આપણે બંને સંસ્કારી માબાપના સંતાન છીએ. "
"બધાને મૂડી કરતાં વ્યાજ વધુ વહાલું હોય પરંતુ મમ્મીજીને તો એમના ટ્યુશન જ વહાલા છે. "
"મારી મમ્મીએ જિંદગીમાં માત્ર મારૂ સુખ જ જોયું છે. હવે મારી ફરજ છે કે હું મમ્મીને સુખી કરુ. તું તો આઈ. ટી. વાળી છું. તું જ નોકરી કેમ છોડતી નથી ? તમને તો નવી નોકરી સહેલાઈથી મળી જાય. તને કદાચ ખબર નહિ હોય કે હું કાયમ પ્રથમ આવતો રહ્યો એનો શ્રેય મારી મમ્મીને છે. મેં કયારેય કોઈ કલાસ ભર્યા નથી. મને હંમેશા મારી મમ્મી જ ભણાવતી. સારંગી "એક મા સો શિક્ષકની ગરજ સારે "એ મારા અનુભવની વાત છે. સૌજન્યને સાચવવાની જવાબદારી તારી છે. મમ્મીએ આખી જિંદગી ખૂબ કામ કર્યું છે. નિવૃત્તિ પછી એને એની પસંદગીનું કામ કરવાનો પૂરેપૂરો હક્ક છે. મમ્મીએ એની જવાબદારી પૂરી કરી. શું મારી મમ્મી એ મરતાં સુધી માત્ર જવાબદારી જ નિભાવવાની છે ? આપણા બાળકની સંપૂર્ણ જવાબદારી આપણી જ છે. માબાપ એટલે આખી જિંદગી જવાબદારી નિભાવવાની ના હોય. એમને જવાબદારીમાંથી મુક્ત કરવાની જવાબદારી આપણી છે.
સારંગીએ આવું કંઈ જ વિચાર્યું ન હતું. સૂરની વાત સાંભળતા એને લાગ્યું કે હું નસીબદાર છું કે મને આટલો સમજુ પતિ મળ્યો છે.
" સૂર, તારી વાત સાચી છે મેં આવું કંઈ જ વિચાર્યું ન હતું. આપણે ત્યાં પૈસાની કોઈ તકલીફ નથી. હું નોકરી છોડીશ તો પણ કંઈ ફરક પડવાનો નથી. હવે હું સૌજન્યને તથા મમ્મીજીને સાચવીને બધી જવાબદારીમાંથી મુક્ત કરીશ.
