જવાબદારી અને આત્મસન્માન
જવાબદારી અને આત્મસન્માન


"હેપી મધર્સ ડે મમ્મા" કિરણનાં શબ્દો કાને પડતાં ટીવીમાંથી ધ્યાન ખસેડ્યું. દિકરાને જોતાં ખુશીથી ઉછળી પડી. "તું ક્યારે આવ્યો" નાં પ્રશ્ન સાથે તેનાં હાથમાં રહેલો બુકે સ્વીકાર્યો, દિકરાની પાછળ ઉભેલી વહુ બહાર આવી ને ગીફ્ટ પેકેટ ધરતાં બોલી, "સરપ્રાઈઝ"
"ઓહ ! મારાં વહાલાં બાળકો" કહેતાં ભેટી પડી.
"બીજી એક સરપ્રાઈઝ છે મમ્મા."
દિકરાની આંખોમાં અનેરો ઉત્સાહ નીહાળી રહેલી જયા બોલી. "શું ?"
"મમ્મા, હવે અમારા બંનેની અહીંયા ટ્રાન્સફર કરાવી દીધી છે. એટલે હંમેશા માટે તારી સાથે જ રહીશું."
જયા ભણેલી હોવા છત્તાં નોકરી નહોતી કરતી. સાસુ કહેતાં, "ઘરનાં બાળકોમાં સારા સંસ્કાર પૂરવા એ રૂપિયા કમાવવા બરાબર જ છે ને.."
તેને તેની મમ્મીનાં શબ્દો યાદ આવ્યાં.."ઘર સંભાળવું કંઈ નાનીમાનાં ખેલ નથી. જવાબદારીનું કામ છે. એ સુપેરે પાર પાડવા માટે ફક્ત ભણવાથી કે પૈસા કમાવવાથી નહિ ચાલે.."
"બસ, પછી તો પૂછવું જ શું ?" તેને પોતાના સ્વપ્નો, ઈચ્છાઓને અભરાઈએ ચડાવી અને ખુશી-ખુશી ઘરનો ભાર સ્વીકાર્યો હતો.
આત્મસન્માન સાથે એ જવાબદારી એણે સુપેરે પાર પાડી હોવાનો અહેસાસ થયો.