જ્ઞાની પુરુષ
જ્ઞાની પુરુષ
"ગામડું એટલે પ્રકૃતિની શોભા,
ગામડું એટલે મીઠપની મજા,
ગામડું એટલે પ્રેમની સરવાણી,
ગામડું એટલે અનેરો આનંદ."
સમજુબેન અને ભીમજીભાઈ ગામડે રહેતા હતા. ગામડાનું વાતાવરણ એકદમ મસ્ત. ગામની પાદરે એક નદી વહે. નદી કિનારે ઘણાં બધાં વૃક્ષો. વૃક્ષો પર જાતજાતના પક્ષીઓ રહે. સૌ કોઈ તેનો મીઠો ટહુકો સાંભળવા ઘડી બે ઘડી થંભી જાય. આવા આહલાદક વાતાવરણમાં સમજુબેન અને ભીમજીભાઈ ખેતી કરે. આનંદથી રહે.
તેમને ત્યાં એક દીકરાનો જન્મ થયો. દીકરાનું નામ વિશાલ. સમજુબેન રોજ અવનવી વાર્તાઓ સંભળાવે અને જ્ઞાનનું સિંચન કરે. વિશાલને તે વાર્તા સાંભળવામાં ખૂબ રસ પડી ગયો. ધીમે-ધીમે મોટો થયો. તેનામાં જ્ઞાનની પિપાસા સતત રહે. તેને ગામડે તો કોઈ વાંચવાની વ્યવસ્થા ન મળે.
તેને ગામને અડીને એક મોટું શહેર હતું. ત્યાં મોટું પુસ્તકાલય. વિશાલ રોજ સવાર અને સાંજ નવરાશના સમયમાં એ પુસ્તકાલયમાં જાય અને પુસ્તક વાંચે. તેને રોજની આદત બની ગઈ. લગભગ તેણે ત્યાંના બધા પુસ્તકો વાંચી નાખ્યા. તે બહાર પણ કોઈ આવતું જતું હોય તો તેની પાસે પુસ્તક મંગાવે. પુસ્તક વાંચનની આ ટેવથી વિશાલને જાણે મોટાભાગના પુસ્તકો મોઢે યાદ રહી ગયા.
પચ્ચીસ વર્ષની ઉંમરે વિશાલ એક જ્ઞાની પુરુષ થઈ ગયો. દૂર દૂર દેશમાંથી સૌ લોકો તેના જ્ઞાનનો લાભ લેવા આવતા. વિશાલ જગવિખ્યાત થઈ ગયો. કોઈપણ પુસ્તક વિશે માહિતી જોઈતી હોય તો સૌ કોઈ તેની પાસે આવવા લાગ્યા. સમજુબેન અને ભીમજીભાઈને તેના પુત્ર પર ગૌરવ થવા માંડ્યું.
" પડતા પંડિત નીપજે, લખતાં લહિયો થાય
થોડું થોડું ચાલતા લાંબો પંથ કપાય."
