Mariyam Dhupli

Inspirational

3  

Mariyam Dhupli

Inspirational

જ્ઞાન

જ્ઞાન

6 mins
7.5K


હજારો વર્ષો પહેલાની વાત છે. એક ખુદાબક્ષ પયગંબર હતા. ખુદાની બંદગી અને આદેશપાલન માટે જેમણે પોતાનું જીવન અને હૃદય બન્ને સંપૂર્ણ પણે સમર્પિત કરી દીધા હતા. ખુદાનો સંદેશો માનવજાત સુધી પહોંચી રહે એ માટે જીવનની દરેક શ્વાસ ખુદા અને માનવસેવા ને નામ કરી દીધી હતી.

ખુદાના આ વ્હાલા અને આદર્શ પયગંબરના મનમાં એકદિવસ વિચાર ઉદ્દભવ્યો કે ખુદાએ મને અનન્ય જ્ઞાનથી નવાજ્યો છે. શું મારી જેમ એના અન્ય કોઈ બંદાને પણ આવા અતિમુલ્ય જ્ઞાનની બક્ષીશ મળી હશે ખરી ?

દુઆમાં ઉઠેલા હાથ જોડે મનની કુતુહલતા એમણે ખુદા આગળ રજૂ કરી.

"હા , છે મારો એક ભલો બંદો . એને એક વિશિષ્ટ જ્ઞાનથી નવાજવામાં આવ્યો છે. એની પાસે જે જ્ઞાન છે એવું જ્ઞાન કોઈને બક્ષવામાં નથી આવ્યું "

માનવસહજ જિજ્ઞાષાથી પ્રેરાય ખુદા આગળ ધરેલી આજીજી કબૂલ થઇ. એ વિશિષ્ટ જ્ઞાન ધરાવતા ખુદાના બંદાની મુલાકાત કરવા પયગંબર સાહેબ ખુદાના માર્ગદર્શનથી દોરાતા ઉમટી પડ્યા .

ખુદાના આદેશની જાણ થતા ખુદાના એ બંદાએ પયગંબર સાહેબને પોતાની જોડે સમય વિતાવવાની પરવાનગી આપી.

"પણ મને ડર છે , તમે મારી ફરજ પ્રત્યે ધીરજ ધરી શકશો નહીં. મારા આદેશપાલન ને નિહાળવાનું ધૈર્ય જાળવી શકશો નહીં."

એ વિશિષ્ટ જ્ઞાનને જીવંત નિહાળી એના ગવાહ બનવાની તત્પરતા વાયદામાં પરિવર્તિત થઇ ઉઠી.

"જો મારા ધૈર્ય અને ધીરજ ખૂટે તો હું એ જ્ઞાનનો ગવાહ બનવા લાયક નહીં."

પયગંબર સાહેબે આપેલા વચનથી સંતુષ્ટ ખુદાનો એ બંદો પયગંબર સાહેબ ને સાથે લઇ પોતાની કર્તવ્ય પરાયણતાની યાત્રા ઉપર નીકળી પડ્યો.

માર્ગના પહેલા પડાવ ઉપર સમુદ્ર કિનારે એક સુંદર નાનકડી નાવડી બંધાયેલી હતી. કોઈ દરિદ્ર માછીમારના જીવનનિર્વાહ માટેના એક માત્ર વિકલ્પ સમી એ નાવડીના તળિયે ખુદાના સેવકે પોતાને મળેલ આદેશ અનુસાર એક છિદ્ર કરી નાખ્યું. એ નિહાળતાંજ પયગંબર સાહેબ ચોંકી ઉઠ્યા.

" એ ખુદા ,રહેમ ! આ તમે કેવું અનર્થ કરી મૂક્યું ? એક ગરીબ માછીમારના રોજીરોટીના એકમાત્ર માધ્યમને આમ ક્ષતિ પહોંચાડવાની ઇઝાઝત શું ખરેખર ખુદાએ આપી છે ?"

ખુદાના સેવકે પોતાની ફરઝપુરતીથી હેરતમાં મુકાયેલા પયગંબર સાહેબને એમનું વચન યાદ અપાવ્યું .

"હું જાણતો જ હતો આપ મારી જોડે ધૈર્ય ન ધરી શકશો !"

પોતાનું વચન યાદ આવતાજ પયગંબર સાહેબે શીધ્રજ દિલગીરી વ્યક્ત કરી.

"મારી ખુટેલી ધીરજે મારુ વચન ભુલાવ્યું. મને માફ કરશો. બીજીવાર ભૂલ પુનરાવર્તિત ન થાય એનો સંપૂર્ણ ખ્યાલ રાખીશ ."

પયગંબર સાહેબની વચનબદ્ધતા પર વિશ્વાસ મૂકી ખુદાના સેવકે પોતાની મુસાફરી આગળ વધારી.

બીજા પડાવ અંતર્ગત એક નાનકડા ગામમાં પહોંચેલા ખુદાના સેવકે એક ઢળી ચુકેલી મકાનની દીવાલની મરમ્મત શરૂ કરી. પોતાના સશક્ત શરીરની ઉર્જાનો ઉપયોગ કરી થોડાજ સમયની અંદર દીવાલ પહેલા જેવી હતી એવીજ મજબૂત ઉભી કરી દીધી. આટલા પરિશ્રમ બાદ મહેનતાણું પણ ન માંગ્યું. પયગંબર સાહેબને એ તદ્દન અતાર્કિક વલણ લાગ્યું.

"આટલો બધો પરિશ્રમ કરી મફ્તમાંજ આખી દીવાલ ઉભી કરી. થોડું મહેનતાણું લઇ લીધું હોત તો....કંઈક ભોજનની વ્યવસ્થા પણ થઇ શકી હોત ..."

હવે ખુદાના સેવકને પયગંબર સાહેબના સલાહસૂચનો પોતાની ફરઝપુરતીને અવરોધક લાગ્યા .

"આપના વચન અનુસાર હવે આપણે છુટા પડીએ એજ યોગ્ય રહેશે ."

પોતાની માનવસહજ ઉતાવળ અને ધૈર્યવિહીન પ્રતિક્રિયાથી પયગંબર સાહેબે પણ શરમ અનુભવી.

"એક અંતિમ તકની અપેક્ષા સેવું છું. જો ફરીથી મારી ભૂલ પુનરાવર્તિત થઇ તો હું જાતેજ આપના માર્ગથી અળગો થઇ જઈશ."

પોતાની અંતિમ તકને અત્યંત સાવધતાથી ખર્ચતા પયગંબર સાહેબ ખુદાના એ અતિજ્ઞાની બંદા જોડે મુસાફરીમાં આગળ વધ્યા. માર્ગમાં અચાનક ખુદાના એ આજ્ઞાકારી બંદા એક તરુણ યુવકના આકસ્મિક મૃત્યુના નિમિત્ત બન્યા. એક માસુમ તરુણના આકસ્મિક મૃત્યુનો નિર્ણય ખુદા તરફથી અન્યાય ન કહેવાય ? હજીતો એ યુવા હય્યાએ દુનિયા બરાબર જોઈ પણ ન હશે. પયગંબર સાહેબની ધીરજ પરાકાષ્ઠાએ પહોંચી. ધૈર્ય શૂન્ય થયુ.

"આ આપે કેવું અનર્થ સર્જ્યું ? આ નિર્દોષ બાળકનું આમ અકારણ મૃત્યુ ? આ કુદરતનો કેવો અન્યાય ?"

પોતાની વચનબદ્ધતાથી વિમુખ થયેલા પયગંબર સાહેબ હવે

સમજી ચુક્યા કે આ મુસાફરી માટે અનિવાર્ય ધૈર્ય અને ધીરજ

કેળવવી એમના માટે શક્ય નથી. પોતાની ભૂલ સ્વીકારી આપેલા વચન અનુસાર એમણે પોતાનો સફર ત્યાંજ સમેટવાની તૈયારી દર્શાવી. ત્રણ તક આપ્યા છતાં પયગંબર સાહેબના ખુટેલા ધીરજે ખુદાના એ સેવકને એમનાથી છુટા પડવા વિવશ કર્યા .

"આપના વચન અનુસાર હવે આપણા છુટા થવાનો સમય થઇ ચુક્યો. પરંતુ છુટા પડવા પહેલા હું એ દરેક ઘટનાનો ખુલાસો આપની સમક્ષ રજૂ કરું છું જેના તરફ આપનો સબર ખૂટી પડ્યો. પેલી નાવડી જેના તળિયે છિદ્ર કરવાનો મને આદેશ મળ્યો હતો એ નાવડી એક ગરીબ માછીમારની હતી. એ પ્રદેશનો રાજા ખુબજ ક્રૂર છે. એના સૈનિકો અવારનવાર સુંદર નાવડીઓ ઝુંટવી પોતાની જોડે લઇ જાય છે . એ ગરીબ માછીમાર માટે એની નાવડી આવકનો એક માત્ર માધ્યમ હોવાથી મને એ નાવડીમાં છિદ્ર કરવાનો આદેશ મળ્યો કે જેથી એ છિદ્ર વાળી નાવડીમાં સૈનિકોને કોઈ રસ પડે નહીં અને માછીમાર એ છિદ્રને પુરી ફરીથી પોતાની રોજી સરળતાથી મેળવી શકે. પેલા નાનકડા ગામમાં મને જે દીવાલની મરમ્મત કરવાનો આદેશ મળ્યો હતો એ મકાન બે અનાથ બાળકોનું હતું. જેમના માતાપિતાએ એ દીવાલ પાછળ બન્ને માટે ધન છુપાવી રાખ્યું હતું. બન્ને પરિપક્વ ઉંમર સુધી પહોંચે ત્યાં સુધી એ ધન કોઈ પડાવીન લે એ માટે એની હિફાઝત અનિવાર્ય હતી. બે અનાથ બાળકો પાસે હું મહેનતાણું મેળવવાની અપેક્ષા કઈ રીતે સેવી શકું ? જે તરુણ યુવાનના અકસ્માતનો હું નિમિત્ત બન્યો હતો એ તરુણ ગુનાહખોરીમાં પ્રવેશી એના આખા કુટુંબને એ ગુનાહખોરીમાં અને લતખોરીમાં ઊંડે ઘસડી તબાહ કરી નાખત . એનું મૃત્યુ એની મુક્તિ હતી જે એના નેક અને ભલા પરિવારને એ ગુનાહ અને લતની તબાહીના દલદલમાંથી ઉઘારી ગયું. "

પયગંબરસાહેબ દરેક ઘટના પાછળનું તર્ક અને કારણ જાણી ખુદાના અસીમ જ્ઞાનથી પ્રભાવિત થઇ ઉઠ્યા. ક્યાં માનવબુદ્ધિનું છીછરું મર્યાદિત જ્ઞાન અને ક્યાં એ સર્વજ્ઞાની નું ઊંડું અમર્યાદિત તાર્કિક જ્ઞાન ? માનવીનું સંકુચિત જ્ઞાન ખરેખર કુદરતના અસીમ જ્ઞાન આગળ કંઈજ નથી.

આજે હજારો વર્ષો પછી પણ આપણે આ સૃષ્ટિ ઉપરની દરેક

ઘટનાઓ પાછળના કારણને સમજવા એટલાજ અસમર્થ નીવડીએ છીએ. આપણું સંકુચિત જ્ઞાન ઘટનાઓને ફક્ત બાહ્ય સ્તરે મૂલવી શકે. પરંતુ ઘટનાઓ પાછળના છુપા ગૂઢ રહસ્યો, કારણો અને કુદરતી તર્કને સમજવાની આપણા માનવીય સંકુચિત જ્ઞાનની હેસિયતજ નથી.

ઘણીવાર આપણી ચારે બાજુ બનતી ઘટનાઓ આપણને ચોંકાવે છે . આવું કેમ બની ગયું ? આવું શા માટે થયું ? આવું મારી સાથેજ કેમ ?આતો કુદરતનો કેવો અન્યાય !

કોઈ નિર્દોષનું મૃત્યુ, કોઈ અનપેક્ષિત નુકસાન, કોઈ સંબંધ વિચ્છેદ, અથાક મહેનત પછી પણ નિષ્ફ્ળતા, જીવનમાં અણધારી આવી પડતી સમસ્યાઓ અને મુશ્કેલીઓ. આ તમામ ઘટનાઓ માનવમનને દુઃખી કરે છે, વ્યાકુળ કરે છે, હતાશ કરે છે અને ક્યારેક આપણું હ્દય કુદરત સામે પ્રશ્નો ઉઠાવે છે ,તદ્દન એ રીતે જે રીતે પયગંબર સાહેબે ઉઠાવ્યા હતા. આપણી ધીરજ-ધૈર્ય પણ એમની જેમજ ખૂટે છે.

કારણકે એ ઘટનાઓ પાછળનું તર્ક આપણે સમજી શકવા સમર્થ નથી. પરંતુ આપણું ધ્યેય જો એ તર્ક ને સમજવાનું જ હોય તો એ માટે અનન્ય ધીરજ ધરવી પડે. અંગ્રેજીમાં એક સરસ કોટ છે જેનો ગુજરાતી ભાવાર્થ આમ કરી શકાય : 'જયારે પણ મને કોઈ સારી બાબતથી દૂર ધકેલવામાં આવ્યો ત્યારે હું એનાથી પણ વધુ શ્રેષ્ઠ બાબત તરફ દોરવાતો ગયો !' ખુબજ ઊંડું અને અર્થપૂર્ણ વિધાન છે.

પણ માનવ હતાશાઓ પાછળનું કારણ એટલુંજ કે આપણે બંધ થઇ ગયેલા દ્વાર પાછળ દુઃખી થવામાં જ બધીજ ઉર્જા ખર્ચી નાખીએ છીએ અને નવું ઉઘડેલું દ્વાર એની જોડે લાવેલ નવા દ્રશ્યો, નવી તકો, નવી ખુશીઓ જોડે રાહ જોતું રહી જાય છે.

યાદ કરીએ એવા કોઈ પ્રસંગને જયારે કોઈ ઘટના ઘટવાનું આપણને ખુબજ દુઃખ થાય અને વર્ષો પછી અનુભવાય કે જે ઘટ્યું હતું એ આપણા ભલા માટેજ હતું. એક નહીં અગણિત પ્રસંગો મળી રહેશે.

માનવજીવનના નિયંત્રણની બહાર જે ઘટનાઓ સર્જાય છે તેનો સહજ 'સ્વીકાર' અને નવી પરિસ્થતિમાં છુપાયેલી નવી તકોને શોધી, કુદરતના ઈશારાઓને અનુસરી,પોતાના નિયંત્રણ હેઠળની દરેક શક્તિનો મહત્તમ ઉપયોગ જ્યાં થાય ત્યાં જ સફળતાનાં ચમત્કારો સર્જાય.

કુદરત સામે પ્રશ્નો ઉઠાવાની જગ્યાએ એના ઈશારાઓને સમજવા જે મથે છે સુખ, શાંતિ અને સફળતા ધીરેથી તેના ખોળામાં આવી સરે છે.


Rate this content
Log in

Similar gujarati story from Inspirational