Prakruti Shah 'Preet'

Inspirational

4.1  

Prakruti Shah 'Preet'

Inspirational

જન્મદાતાને પત્ર

જન્મદાતાને પત્ર

2 mins
430


પ્રતિ

અશ્વિનભાઈ સી. શાહ (સાહેબ),

ભગવાન નગર, સ્વર્ગલોક.

તા. ૧૨.૬.૨૦૨૧

વહાલા પપ્પા,

તમે જ્યાં હશો ત્યાં ખુશ હશો અને બીજા લોકોને પણ ખુશ રાખતા હશો !

આપની વસમી વિદાયને પોણા ત્રણ વર્ષ થયાં, પણ મન માનવા તૈયાર નથી. એકદમ હરતો-ફરતો, સાજો-નરવો માનવ, જિંદગીની દરેક તકલીફો સામે ઝઝૂમીને અડીખમ રહેનાર, ટૂંકી માંદગીમાં (એ પણ બે જ દિવસની) અચાનક દુનિયાને અલવિદા કહે, એ તો કેવી રીતે મનાય! તમે અચાનક જે રીતે અમારી વચ્ચેથી ગયાં, એને સ્વીકારવું કઠિન છે. તમને કેટલું બધું કહેવાનું બાકી રહી ગયું. તમારી જોડે ઝગડવું, રાત્રે તમારા હાથે અપાતો દૂધનો ગ્લાસ, ટીવી પર આવતા રીયાલીટી શૉની ટેલેન્ટ વિશેની વાતો અને એવું ઘણુંબધું ફરી કરવું છે.

તમને જાણે તમારાં મૃત્યુનો અણસાર આવી ગયો હોય, એમ છેલ્લાં મહિનામાં તમે લગભગ સૌ સગાં-સંબંધીઓને મળી લીધું અને કોઈની પણ જોડે થયેલ ખટરાગ માટે ક્ષમા યાચી, તમારા મૃત્યુને નિર્મળ અને પવિત્ર બનાવી દીધું. તમારા અવસાન પછી, જે પણ મળવાં આવે તેઓ એમ જ કહે, અમને હમણાં જ તો મળ્યાં હતાં.

તમારા દ્વારા વારસામાં આવેલા વાંચનનાંં શોખને કારણે, હું કવિતાઓ અને વાર્તાઓ લખું છું, અને ફક્ત હું જ નહીં, તમારી વહાલી દોહિત્રી પ્રિયાંશી પણ લખે છે (એ પણ તમારા દ્વારા શીખવવામાં આવેલ ગુજરાતીમાં). 

રંગમંચ પ્રત્યેનો તમારો પ્રેમ તમારી દોહિત્રીની રગેરગમાં વહે છે અને અભિનયક્ષેત્રે પોતાનો રંગ નિખારી રહી છે. મને હજુ પણ યાદ છે કે, તમારી ચિરવિદાયનાં ત્રણ દિવસ પહેલાં જન્માષ્ટમી નિમિત્તે ટેલિવિઝન પર આવેલ નાટકમાં પ્રિયાંશીને બાળકૃષ્ણનું પાત્ર ભજવતાં જોઈ તમે ગદગદ થઈ ગયાં અને એનાં પર ગર્વ અનુભવેલ. હમણાં તો મેં પણ એક નાટકમાં અભિનય કર્યો. આજે લેખનક્ષેત્રે કે અભિનયક્ષેત્રે હું અને પ્રિયાંશી જે પણ કરી રહ્યાં છે, એ તમને આભારી છે.

તમારે અને ૬ નંબરને કંઈક જોડાણ હશે, જન્મતારીખ ૨૪ અને મૃત્યુની તારીખ ૬, એ સંયોગ જ ને!

તમને ખબર છે, ૨૦ જૂન ૨૦૨૧, ફાધર્સ ડેની ઉજવણી થશે. બધાં પિતા માટે કૃતજ્ઞતા બતાવતી પૉસ્ટ સોશિયલ મીડિયા પર મૂકશે. પરંતુ, મારાં માટે ફક્ત આ એક જ દિવસ કૃતજ્ઞતા બતાવવા માટે નથી. આપે આપેલ સંસ્કાર, આપે શીખવેલ સારી બાબતો અને આપે જીવન માટે આપેલ કેળવણી માટે આજીવન આપની ઋણી રહીશ. આપનાં ખમતીધર ખભાએ જીવનપર્યાંત ઉઠાવેલ બોજને તો કેવી રીતે ભૂલી શકાય. 

પપ્પા, તમે તો હસતાં ચહેરે ચિરવિદાય લઈ લીધી. પણ અમારૂ શું ? ઘરનો એક ખૂણો એવો નથી જ્યાં તમારાં સંસ્મરણો ન હોય. પોણા ત્રણ વર્ષમાં એક દિવસ એવો નથી કે જ્યારે તમારી યાદ ન વીંટળાઈ હોય.

હજુ પણ ઘરનો દરવાજો ખખડે ત્યારે એવું થાય છે કે, તમે બહારથી આવી ગયા અને હમણાં પૂછશો કે, ઘરમાં કોઇ છે ? એકવાર તમારો અવાજ સાંભળવો છે, મારાથી તમને જાણતાં અજાણતાં પહોંચેલ દુઃખ માટે માફી માંગવી છે. તમને એકવાર કહેવું છે, આઇ લવ યુ પપ્પા.

તમારી વહાલી દિકરી,

પ્રકૃતિ


Rate this content
Log in

Similar gujarati story from Inspirational