જીવનનું સત્ય
જીવનનું સત્ય


દુનિયામાં અદભૂત અને સુંદર કોઈ ભેટ હોય તો એ છે મિત્રો અને ઈશ્વરે મને તે ભેટ સચિન, હેમંત, નૈનેશ, અને કેદાર જેવા ચાર મિત્રોના સ્વરૂપે આપી છે. મારા નાનપણના આ ચાર મિત્રો આજે પણ મારી સાથે હોય ત્યારે હું તમામ દુઃખ ભૂલી મજાકમસ્તીના મિજાજમાં આવી જઉં છું. 'મિત્રો સાથે હોય તો દુનિયા રંગીન છે અને તેમના વગર ગમગીન.' આ ઉક્તિને તેઓએ વારંવાર સાચી સાબિત કરી છે. તેમાં પણ એમની સાથે પ્રવાસ પર જવાની વાત હોય ત્યારે તેનો રોમાંચ કેટલો અદભૂત હોય તે તમે વિચારી જ શકો છો.
ઉનાળાના વેકેશનમાં અમે મિત્રો રાજસ્થાનના સિરોહી જિલ્લા સ્થિત પ્રસિદ્ધ હિલ સ્ટેશન એવા માઉન્ટ આબુ પર ફરવા જવાનું નક્કી કર્યું. એ જ સાંજે સચિનની કારમાં બેસી આખા રસ્તે “યહ દોસ્તી હમ નહીં છોડેગે” જેવા ગીતો ગાતા ગાતા અમે વહેલી સવારેજ માઉન્ટ આબુ પહોંચ્યા હતા. એક દિવસ માટે મિત્રો સાથે માણેલી એ પ્રાકૃતિક સુંદરતા, સુર્યાસ્ત સમયે નિહાળેલા એ હર્યા ભર્યા પહાડો, ભારતની એકમાત્ર કૃત્રિમ ઝીલ એવી નખી ઝીલની મનોરમ્યતા આંખ સામેથી આજેપણ ખસવાનું નામ લેતી નથી. જૈનોના પ્રસિદ્ધ તીર્થ સ્થાનોના કરેલા દર્શન હજુપણ મારા શરીરમાં એક અનોખી ઉર્જા અને શક્તિનો સંચાર કરતા રહે છે. ત્યાંથી ખરીદેલી નાની લાકડાની સુંદર મૂર્તિ ઘણા વર્ષો સુધી મારા ટેબલની શોભા બની રહી હતી. ટૂંકમાં મિત્રો સાથે માઉન્ટ આબુ પર વિતાવેલો એ આખો દિવસ મારા જીવનનો યાદગાર પ્રસંગ બનીને રહ્યો છે.
મિત્રો સાથે ધીંગામસ્તી કરતા કરતા માણેલી કુદરતી સૌન્દર્યતાની અનુભૂતિ કંઇક અનોખી જ હતી પરંતુ આ વાત ફક્ત મજાની નથી. માઉન્ટ આબુ પર સૂર્યાસ્ત જોઈ પાછા ફરતી વખતે એક ઢોળાવ પર મારો પગ લપસી પડતા તેમાં મોચ આવી. પીડા ખૂબ ભયંકર હોવાથી મિત્રોની સહાયતાથી જેમ તેમ કરીને હું અમે જે જગ્યાએ રોકાણ કર્યું હતું તે સ્થળે આવી પહોંચ્યા હતા. રાતે બધા મિત્રોએ જમવા માટે બહાર જવાનું નક્કી કર્યું. મને સખત દુઃખાવો થતો હોવાથી મેં તેમની સાથે જવાની ના પાડી. મને એમ કે જો હું ના પાડીશ તો તેઓ જિદ કરશે અને કહેશે કે તું નહીં આવે તો અમે પણ નહીં જઈએ. પરંતુ એવું કશું થયું નહીં! તેઓ “ઠીક છે...” એમ કહી નફફટની જેમ મને એકલો મુકીને હોટેલમાં જમવા નીકળી ગયા. એ દિવસે મને જીવનનું સત્ય સમજાયું કે આ દુનિયામાં આપણે એકલા આવ્યા છીએ અને એકલા જ જવાના છીએ! જ્યાં સુધી સુખ છે ત્યાં સુધી સઘળા સાથે છે પરંતુ દુઃખની ઘડીએ આપણે જ આપણી જાતને સંભાળવાની હોય છે. મને હવે ઘરની ખૂબ યાદ આવવા લાગી. જો મારી માતા મારી સાથે હોત તો તેણે મારી કેટલી કાળજી લીધી હોત.
થોડીવારમાં જ બધા મિત્રો પાછા આવ્યા. મને થોડું આશ્ચર્ય થયું. મેં તેઓને પૂછ્યું, “આટલી જલદી હોટેલમાં જમીને પાછા પણ આવી ગયા?”
મારી વાત સાંભળીને નૈનેશ બોલ્યો, “પાગલ થયો છું ? તને મુકીને અમે હોટેલમાં જમવાના હતા ? અમે આપણા પાંચે જણાનું ભોજન ત્યાંથી પેક કરાવીને લાવ્યા છે.”
સચિન બોલ્યો, “ટોણપા, તારા વગર જમ્યા હોતને તો સવારે અમારા પેટમાં દુઃખ્યું હોત.”
કેદારે પેકેટ ખોલી જમવાની પાંચ થાળી તૈયાર કરતા કરતા બોલ્યો, “હવે જમવા આવીશ કે એમાં પણ તારો પગ દુઃખાશે ? હું તને ના પાડતો હતો તોય તારે આમ કુદકા મારતા ટેકરી ઉતરવાની જરૂર હતી ?”
મારી આંખમાંથી અશ્રુ વહી પડ્યા. એ દિવસે મને જીવનનું બીજું સત્ય સમજાયું કે આ દુનિયામાં મિત્રો વગર બીજું કઈ નથી. મેં ચાદરને એક તરફ ફંગોળતા કહ્યું... “લવ યુ મિત્રો...”
એ જોઈ હેમંત તાડૂક્યો, “જો... જે... નહીંતર બીજો પગ પણ તોડી બેસીશ...”
તેની વાત સાંભળી હું અશ્રુભીની આંખે ખડખડાટ હસી પડ્યો !