STORYMIRROR

Aniruddhsinh Zala

Comedy Romance Inspirational

3  

Aniruddhsinh Zala

Comedy Romance Inspirational

જીવનમાં ઊગી નવી સવાર

જીવનમાં ઊગી નવી સવાર

3 mins
179

પરાણે પહેલીવાર વહેલા પલંગમાંથી ઉઠાડેલ પ્રિતેશને આજ જાણે નવી સવાર ઊગી હોય તેમ લાગતું હતું. તેનાં પિતાએ કટાક્ષમાં કહ્યું, "ઓહો ને, આજ તો જાણે સૂરજ પશ્ચિમમાં ઊગ્યો હોય તેમ લાગે છે. "

શરમાઈને તે આંખો ચોળતો ઝડપથી નિત્યકર્મ પતાવીને તૈયાર થઈ ગયો હતો. માતા મધુબેન તો દીકરાને જોઈને હરખાઈને બોલ્યાં,... 

 "આજ તો મારા દીકરાને કન્યા પસંદ આવી જ જાશે અને તેનાં જીવનમાં નવી સવાર ઊગી જાશે. "

 પ્રિતેશ બોલ્યો,. "મા એટલું બધું વહેલા જોવાનો સમય કેમ રાખ્યો ? બરાબર ઊંઘ પુરી કરીને જવાનું ગોઠવાય."

 માતા હસીને બોલ્યા,. "બેટા એ કન્યા તો બ્રહ્મ મુર્હૂતમાં સવારે ચાર વાગે રોજ ઊઠી જાય છે અને પૂજાપાઠ કરીને સાફ સફાઈ કરી પછી નાહી ધોઈને તૈયાર થઈ વહેલી સવારથી તારી રાહ જોતી હશે."

 પ્રિતેશ ચમકીને બોલ્યો,. "તો મા એ મારી સાથે કદાપિ સેટ નહીં થાય હો. "

મા બોલ્યા,.. બબુચક સેટ તો એ તને કરી દે એવી ચાલાક છે. ચાલ હવે મોડું બહુ ન કર. તારાં પિતાજી અકળાઈ રહ્યાં હશે રાહ જોઈને "

પ્રિતેશ માતાપિતા સાથે કન્યા જોવા ગયો. નાનકડું ઘર પણ કેવું સુંદર રીતે સજાવેલું હતું. બહાર સુંદર બગીચામાં તાજા ગુલાબ ને ચંપો, ચમેલીની સુગંધ પ્રસરી રહી હતી. પ્રિતેશનું મન અતિ પ્રસન્ન થઈ ગયું. મીઠો મધુરો આવકાર કન્યાના પિતા તરફથી મળ્યો હતો. થોડીવાર બાદ સુંદર શણગાર સાથે અપ્સરાને શરમાવે તેવી રૂડી રૂપાળી યુવતીએ ધીમે પગલે નીચી નજરે આવીને ચા આપી. બીજી તરફ તેનાં અદભુત રૂપથી પાગલ બનેલા પ્રિતેશ તરફ જરીક નજરે તેણે નાખતાં જ પ્રિતેશનાં હૃદયના દરવાજા જાણે તેનાં માટે ખુલી ગયાં હતાં. 

માતા પિતાએ વાતચીત માટે બંનેને બહાર બગીચામાં મોકલ્યાં. બહાર જતાં જ પ્રિતેશ બોલી ઉઠ્યો, "મને તો તમે પસંદ જ છો હો."

પેલી યુવતી શરમાઈને બોલી,.. "મને પણ તમે ગમો જ છો. પણ મારી એક વિનંતી છે જે તમને કદાચ નહીં ગમે."

પ્રિતેશ કહે, "એવું તો હોતું હશે ? તમે વિનંતી કરોને મને ન ગમે.? 

યુવતી કહે,.. "બધાં પહેલાં આવું જ કહેતાં હોય છે. પણ કદાચ ન પણ ગમે."

હવે અપાર રૂપથી અંજાયેલ પ્રિતેશ બોલ્યો,.. "ગમે તેવુ મુશ્કેલ કામ હશે તોય હુ તમારાં માટે કરીશ બસ હુકમ કરો."

 યુવતી ધીમેથી બોલી,.. "મને આપણાં લગન ન થાય ત્યાં સુધી રોજ સવારે છ વાગે તમારી સાથે મંદિર જવાની ઈચ્છા છે. તમે રોજ અવશો ને ?"

 અને પ્રિતેશનું હૃદય ધબકારા ચુકી ગયું હોય તેમ લાગ્યું. સવારે દશ વાગે માંડ ઊભો થનારને છ વાગે જાગવાનું કેવું કાઠું પડે એ તેને ખબર હતી. 

 કન્યા બોલી,.. "કેમ ન ગમ્યું ને ? મને લાગે છે આપણાં વિચારો મળતાં નથી. ચિંતા ન કરો હું જ પિતાજીને ના પાડી દઈશ બસ. તમારુ નામ નહીં આવે."

કહીને યુવતી ઝડપથી ચાલી. પ્રિતેશનો રોકવાં માટેનો હાથ અને હા કહેવા માટેની જીભ ઉપડે તે પહેલાં તો તે ઘરમાં ઘુસી ગઈ હતી. પ્રિતેશને આજ લાગ્યું કે, તેની મોડે સુધી સુવાની આદતના કારણે એક પરી તેને છોડીને ચાલી ગઈ. તે ઝડપભેર અંદર જઈને પેલી યુવતી તેની માને ના પાડે તે પહેલાં જ ભાન ભૂલીને કન્યા પાસે જઈને બોલ્યો,.

 "અરે હું તો આમ પણ વહેલા જ જાગવા માંગુ છું અને મંદિર જવું પણ મને ગમે જ છે."

બધાં જ ખડખડાટ હસી પડ્યાં. પ્રિતેશના પિતા બોલ્યા,.. "જોયું આજ આ પરીને જોતાં જ પ્રિતેશના જીવનમાં નવી સવાર પડી હોય તેવું લાગે છે. "

પરી શરમાઈને અંદર ભાગી ગઈ.

મા બોલ્યા,.. "બબુચક પરીને મેં જ શીખવ્યું હતું તને વહેલા જગાડવા માટે. આખી જિંદગી મા બાપનું નહીં માનનારો આજ આ પરીનું માની ગયો."

પ્રિતેશ શરમાઈને કહે,. "સોરી મા.. પણ મને આજ સાચે જ લાગ્યું કે મારે વહેલા જાગવું જોઈએ. આજે સાચે જ મારાં જીવનમાં નવી સવાર ઊગી છે.


Rate this content
Log in

Similar gujarati story from Comedy