જીવનદાન
જીવનદાન
રાતના એક વાગ્યે ડો. તીર્થનો મોબાઈલ રણક્યો. સામેથી અવાજ આવ્યો,
'હલ્લો સર એક અરજન્ટ કેસ છે, પ્લીઝ....'
ડો. તીર્થએ 'ઓકે' કહી ફોન કટ કર્યો.
'શું થયું ?' ડો. તીર્થના પત્ની યામિનીએ પૂછ્યું.
'એક અરજન્ટ કેસ છે. જઉ એટલે ખબર પડે.' કહેતા ડો.તીર્થે બેગ અને કારની ચાવી હાથમાં લીધી. લગભગ વીસેક મિનિટમાં તે હોસ્પિટલ પહોંચી ગયા.
'સર, એક્સિડન્ટ કેસ છે. આઠ વર્ષની છોકરી છે જેને માથામાં ઈન્જરી છે.' હોસ્પિટલમાં પ્રવેશતા જ ઈન્ટર્ન ડો. જયેશએ માહિતી આપવા માંડી.
'બ્લડ ગ્રુપ અને બીજા રિપોર્ટસ ટેસ્ટ માટે લીધા ?'
'હા સર...' વાતચીતનો દોર ઓપરેશન થીયેટર સુધી ચાલતો હતો.
ડો. તીર્થ ઓપરેશન થીયેટરમાં દાખલ થયા. ટીમ રેડીજ હતી. સ્ટ્રેચર પર આઠ વર્ષની નાનકડી છોકરી બેહોશ અવસ્થામાં પડી હતી. ડો. તીર્થના હાથ એ માસૂમ છોકરીને જોઈ અટક્યા, પણ 'ડોક્ટર માટે સ્ટ્રેચર રહેલ વ્યક્તિ માત્ર એક વિષય હોય છે.' એ શીખ યાદ આવતા જ તેઓ સ્વસ્થ થયા. એક કલાકની જટિલ શસ્ત્રક્રિયા બાદ ડો.તીર્થ ઓપરેશન થીયેટરની બહાર આવ્યા. ડોક્ટરને જોઈ અત્યંત રઘવાયું અને ચિંતિત દંપતિ પાસે આવીને પૂછવા લાગ્યું,
'સાહેબ, અમારી દીકરી.....' કહેતા કહેતા રડી પડ્યા.
ડો.તીર્થે તેમને આશ્વાસન આપતા કહ્યું, 'ચિંતા ન કરો. ઓપરેશન સક્સેસ ગયું છે. હવે તેને ઓબ્ઝર્વેશન હેઠળ રાખવી પડશે.'
ડોક્ટરના ગયા પછી, એ દંપતિ રિસેપ્શન કાઉન્ટર પર પૂછપરછ કરવા લાગ્યું. ડો. તીર્થ ઓપરેશન પતાવી ઘરે ચાલ્યા ગયા. બીજે દિવસે હોસ્પિટલમાં પ્રવેશતાજ એ નાનકડી છોકરીના વોર્ડમાં જઈ ચેક કર્યું. પરિસ્થિતિ સારી થતી જતી હતી. ડો.તીર્થને થોડી શાંતિ થઈ અને તેઓ પોતાની કેબિનમાં ચાલ્યા ગયા. લગભગ દસેક મિનિટમાં એક નર્સ ડો.તીર્થની કેબિનમાં પ્રવેશી અને કહ્યું, 'સર, વોર્ડ નં. પાંચમાં જેનું કાલે ઓપરેશન થયું હતું, તેના મા-બાપ અફોર્ડ કરી શકે એમ નથી. તો...'
'ઓકે નો પ્રોબ્લેમ, ઓપરેશનનો ખર્ચ લઈ લો, અને તેમને સરકારી હોસ્પિટલમાં કાલેજ ખસેડી દેવાની વ્યવસ્થા કરી દો.' ડો. તીર્થે નર્સને કહ્યું.
સાંજ પડતાં ડો.તીર્થ ઘરે જવા નીકળ્યા. જતાં પહેલા ફરી વોર્ડ નં.પાંચમાં એ નાનકડી છોકરીને ચેક કરવા ગયા. તેને હોશ આવી ગયો હતો. ધીમેધીમે બોલતી પણ હતી. ડો.તીર્થે તેની જોડે વાત કરતા કરતાં ચેક કર્યું. વાતવાતમાં એ છોકરીએ ડો.તીર્થનો હાથ પકડી તેમને કહ્યું,
'થેન્કયુ અંકલ, તમે મને બચાવી લીધી. મારા મમ્મી-પપ્પા કહેતા હતા, તમે ભગવાન છો. તમને ખબર છે અંકલ, મારે પણ મોટા થઈને ડોક્ટર બનવું છે. હું થર્ડ સ્ટાન્ડર્ડમાં ભણું છું. અંકલ તમે મને ક્યારે રજા આપશો મારે નેક્સ્ટ વીક એક્ઝામ સ્ટાર્ટ થવાની છે.'
ડો.તીર્થ તેની માસુમ આંખોમાં જોઈ જ રહ્યા. તેની મધુર અને મહત્ત્વાકાંક્ષી વાતો સાંભળી જ રહ્યા. તેના નાના હાથનો સ્પર્શ જાણે ડોક્ટરને હ્રદય સુધી પહોંચી ગયો હતો. એ છોકરીના માથે હાથ ફેરવી સ્મિત આપી ડો.તીર્થ વોર્ડની બહાર નીકળ્યા. નર્સને જરૂરી સૂચનો કર્યા. થોડીવાર કંઈક વિચારી નર્સને કહ્યું,
'વોર્ડ નં. પાંચના પેશન્ટનોજે ખર્ચ થાય તે મેનેજ કરી લઈશું. એને અહીં જ ઓબ્ઝર્વેશનમાં રાખજો.'
ડો.તીર્થને જતાં જોઈ રહેલી નર્સ પણ વિચારવા લાગી, આટલી પ્રોફેશનલ લેન્ગવેજમાં આટલું અનપ્રોફેશનલ ડિસિઝન ? શું થઈ ગયું છે ડોક્ટરને ?
'હલ્લો ! મિસ મધુ, હું બે-ત્રણ દિવસ હોસ્પિટલ નહિ આવી શકું. મારે એક સામાજિક કામે બહારગામ જવાનું છે. કંઈ અરજન્ટ હોય તો ડો. ધ્રુવને કોન્ટેક્ટ કરજો.' ડો.તીર્થે હોસ્પિટલમાં ફોન કરી જણાવી દીધું. ડો.તીર્થ અને
પત્ની યામિની એક જગ્યાએ મેરેજ ફંક્શનમાં હાજરી આપવા ગયા. ત્રણ દિવસ પછી પાછા ફર્યા.
ડો. તીર્થે હોસ્પિટલમાં આવી પોતાના પેશન્ટસની મુલાકાત લીધી.
'મિસ મધુ, વોર્ડ નં પાંચનું પેશન્ટ...' ડોક્ટરે પૂછતાં જ... 'સર એને ડિસ્ચાર્જ કરી દીધા. ડો.ધ્રુવના ઓબ્ઝર્વેશનમાં જ...' નર્સે જવાબ આપ્યો.
ડો. તીર્થને જાણે કંઈક છૂટી ગયું હોય.. એવું અનુભવાયું. તેમને જાણે એ નાનકડી છોકરીને મળવું હતું. પછી પોતે કંઈક વધારે પર્સનલ થઈ રહ્યા હોય એવું લાગ્યું, એટલે જાતે જ સ્વસ્થ થતા કહ્યું, 'ગુડ'.
આ પછી, વિદ્યાનગર હાઈસ્કુલમાં ડો.તીર્થને મુખ્ય મહેમાન તરીકે આમંત્રણ આપવામાં આવ્યું. ડો.તીર્થે શાળામાં વિદ્યાર્થીઓને પ્રેરણાત્મક સ્પીચ આપી. પ્રિન્સિપાલે શાળાના તેજસ્વી વિદ્યાર્થીઓને મંચ પર બોલાવી તેમના હાથે ડો.તીર્થને બુકે અપાવ્યા. એક પછી એક વિદ્યાર્થી બુકે આપવા લાગ્યા, ત્યાં જ ડો.તીર્થની નજર એક વિદ્યાર્થીની ઉપર સ્થિર થઈ ગઈ. 'અરે ! બેટા તું ?' ડોક્ટરથી બોલી જવાયું. પ્રિન્સિપાલે તે જોઈને એ વિદ્યાર્થીની વિશે માહિતી આપતા કહ્યું, 'આ અમારી શાળાની સૌથી તેજસ્વી વિદ્યાર્થીની છે, અમારી શાળાના પટાવાળા રમેશની દીકરી છે.' ડો.તીર્થ તેને ફાટી આંખે જોઈ જ રહ્યા. એ છોકરી ડો.તીર્થને 'બાય અંકલ' કહી જતી રહી, પણ ડો.તીર્થને તો કંઈ ભાનજ નહોતું.
ડોક્ટર તીર્થ એકાદ-બે દિવસ પછી એ શાળાના પટાવાળા રમેશને મળવા આવ્યા. તેમણે રમેશને એક કાર્ડ આપ્યું અને કહ્યું, 'રમેશ તારી દીકરી બહુ હોંશિયાર છે. તેને ડોક્ટર બનવું છે. તેને ખૂબ ભણાવજે. આજથી તેનો તમામ ભણવાનો ખર્ચ હું ઉપાડીશ.' રમેશ તો આભો જ બની ગયો. આટલો મોટો ઉપકાર ! તે તીર્થને હાથ જોડવા લાગ્યો. ડો.તીર્થ તેને સ્મિત આપી ત્યાંથી ચાલ્યા ગયા. કેટલાય દિવસથી એ છોકરીની વાતો સાંભળી અસમંજસમાં પડેલા ડો.તીર્થને આજે અજબ શાંતિ અનુભવાતી હતી. બે વર્ષ પછી ડો.તીર્થ તેમની પત્ની સાથે અમેરિકા સેટલ થઈ ગયા, પણ રમેશને તેની દીકરીને ભણાવવાનો ખર્ચ રેગ્યુલર મળતો રહેતો. અમેરિકા ગયા પછી ડો.તીર્થ એક દીકરાના પિતા બન્યા.
આમને આમ પચીસ વર્ષ વીતી ગયા. ડો.તીર્થ હવે પોતાના વતનમાં રિટાયર્ડ લાઈફ જીવવા માંગતા હતા, દીકરો ત્યાં જ સેટલ્ડ હતો પણ પોતે પતિ-પત્ની અમેરિકાથી પરત આવી ગયા. અહીં તેમના જૂના મિત્રો અને સગાવહાલાઓ વચ્ચે જીવન સરળ બની ગયું હતું. દિવસો સુખેથી પસાર થતા હતાં. જુદી-જુદી જગ્યાએ જાત્રા કરવા જતા તો ક્યારે હરવા-ફરવા...
એકવાર અચાનક ડો.તીર્થને હાર્ટએટેક આવ્યો. તરત જ તેમને હોસ્પિટલ ખસેડવામાં આવ્યા. તેમની એક નળી બ્લોક હતી. અરજન્ટ ઓપરેશન કરવામાં આવ્યું. થોડા કલાકો પછી તેઓ હોશમાં આવ્યા. પત્નીના મોં પર રાહત જોઈ ડો.તીર્થના મોં પર સ્મિત આવ્યું.
'હાઉ ડુ યુ ફિલ નાઉ અંકલ ?' ચેક કરતાં ડો.લતાએ ડો.તીર્થને પૂછ્યું. ડો.તીર્થ તેમને જોઈ કંઈક અસમંજસ અનુભવતા હોય એવું લાગ્યું. 'ઓળખી મને અંકલ ?' ડો.લતાએ સ્માઈલ કરતાં પૂછ્યું. 'હું યાદ કરવાની કોશિષ કરું છું, પણ...' ડો.તીર્થ કંઈક યાદ કરવા મથ્યા પણ યાદ નહોતું આવતું.
'એ આઠ વર્ષની છોકરી જેનો એક્સિડન્ટ થયો હતો અને તમે તેને જીવનદાન આપ્યું હતું, એ છોકરી જેને તમે વિદ્યાદાન પણ આપ્યું હતું. એ છોકરી જે તમારા લીધે પોતાનું ડોક્ટર બનવાનું સપનું સાકાર કરી શકી... રમેશભાઈ પટાવાળાની દીકરી..' ડો.લતા ગળગળા અવાજે બોલી રહી હતી.
'ઓહ માય ગોડ... બેટા તું ? એટલે આ ઓપરેશન તે ?' ડો.તીર્થ આશ્ચર્ય સાથે બોલ્યા.
ડો. લતાએ આજે ફરી ડો. અંકલનો હાથ પોતાના હાથમાં લેતા હકારમાં માથુ હલાવ્યું. રૂમમાં આનંદનું મોજુ ફરી વળ્યું.