જીવન વિકાસનું પ્રેરકબળ
જીવન વિકાસનું પ્રેરકબળ
સિર્ફ સાંસે ચલતે રહેને કો હી જિંદગી નહિ કહેતે,
આંખોમેં ખ્વાબ, દિલમેં ઉમ્મીદો ભી જરૂરી હૈ ! - અજ્ઞાત
ધબકતાં શ્વાસ એ માત્ર જિંદગી નથી એમ શાયરની વાત સાચી માનવી છે, ઊઠે અને ચાલે પાછો પડે -આંખોમાં સ્વપ્ના અને ઉમીદો, આશાઓના હોય તો જિંદગી શા કામની ? જિંદગી અનેક મિશ્રણ યુક્ત રસાયણ છે. અથવા કહો કે ઘટનાઓ, ઈચ્છાઓ, કલ્પનાઓ, સ્મૃતિઓ અને બનાવોનું, વિરહ, મિલન વિખવાદ, સંઘર્ષ વિટંમણાઓ, આનંદ, રહસ્યો, અકસ્માતો, અકલ્પ્ય ઝંખનાઓ અને અતૃપ્ત આશાઓ વગેરેનો માનવ વિરાસતનો છૂપો પટારો છે. જિંદગી તો વિશ્વના મહાન જાદુગર ઈશ્વરના મેઝિક શૉનો એક પાર્ટ છે. આ ખજાનો તેને અનુભવ, સકારાત્મક વિચારણામાંથી ઉદ્ભવતી પ્રેરણા જ આપી શકે. અનુભવોની યાદ માનસપટ ઉપર કાયમી છાપ છોડે છે અને સમય આવે ઉમદા અથવા અકલ્પ્ય કામગીરી બજાવે છે. મારા તમારા બધાના જીવનમાં માઠાં કે સારા બનાવો સર્જાતા રહેવાના તેમાંથી જીવનઘડાય અથવા બદલાય છે.
આજે મને સમજાય છે બાળપણમાં ડગ ભરતાં નાનાં બાળને માતા ના શબ્દો તેને હિંમત આપી આગળ પગ મૂકતા શીખવે છે, શીખવું તે માનવીના જન્મ સાથે મળેલી બક્ષિસ છે, મારા બાળપણથી આજ દિન સુધી અનેક વ્યક્તિઓ, બનાવો અને અનુભવોએ મને 'કશુંક' બનાવ્યો છે આ બધાના ઉપકાર ગણાય - સારા વિચારો અને સારી વૃતિ તેમાંથી જાગવી તે સદભાગ્ય ગણાય ! જે મને સાંપડ્યું છે.
બાળપણથી આજે જીવનના અંતિમ પડાવમાં અનેક બનાવો , પ્રસંગો બન્યા અને મારી કશુંક શીખવાની ધગશ હતી, તેમાંથી હકારાત્મક વિચારણા સાથે સકારાત્મક્તા સ્વીકારવાથી મારુ જીવન જીવવા જેવું અને બીજાં માટે પ્રેરણામય બન્યું હોવાનો અહેસાસ મારા મિત્રો જ મને કરાવ્યો છે.
મારા કૌટુંબિક સંસ્કારો અને વાતાવરણે મને સદા ઉજળા ભવિષ્ય સાથે જીવવાનો મંત્ર શીખવાડ્યો, શાળામાં મારા સંસ્કૃત શિક્ષક શ્રી ભટ્ટ સાહેબે મને પ્રથમ કવિતા લખવા પ્રેરણા આપી , નાટક, વક્તૃત્વ, ચિત્ર સ્પર્ધામાં ભાગ લઇ વિજેતા બનાવ્યો, માતાના કંઠે ગવાતાં ગીતોએ, પિતાના વાંચન શોખે મને વાંચતો કર્યો. અમદાવાદની પોળમાં ઉછળતાં વિમલશાહે સાંસ્કૃતિક કાર્યક્રમોની ગોઠવણી અને સેવા ભાવી કાર્યકર્તા ની પ્રેરણા આપી, સદ્દવિચાર સમિતિ વાળા હરિભાઈ પંચાલે મને લોકો માટે કશુંક કરવાની તાલાવેલી જગાડી, સંત પ્રેમભિક્ષુ મહારાજના સાન્નિધ્યમાં શ્રીરામ જય રામ જયજય રામના અખંડ જપે ચેતના જગાડતી ઊર્જા જાગ્રત કરી (ગુજરાતમાં - જામનગર ,લાખોટા તળાવ, હનુમાન મંદિરમાં તેઓએ સ્થાપેલી રામ નામ ધૂન - ગ્રીનીસ બુક ઓફ વર્લ્ડમાં સ્થાન પામી આજે પણ ચાલે છે અને અનેક ઠેકાણે જ્યાં જ્યાં ધૂન સપ્તાહો કરી છે તે બધે જ રામ ધૂન આજ પર્યન્ત ચાલે છે.) સંકીર્તન ભવનોએ અનેક જીવોને પ્રેરણા આપી છે. કોલેજ નાટ્ય આચાર્ય - જશવંત ઠાકરની મુલાકાતે અને પ્રેમાળ સહવાસથી અદાકારની તમન્ના જાગી. નાટકોમાં ભાગ લીધો ઇનામો જીત્યા. કોલેજ કાળમાં પ્રૉ. મધુસૂદન પારેખે ખૂબ જ સાહિત્ય સ્પર્શ કરાવ્યો. હસ્તલિખિત સાપ્તાહિક પત્રિકાએ - મિત્ર ગણપત મ હિરાગર ''ગમ'' સાથે સંપાદક બન્યો, કે કે શાસ્ત્રી - નગીનદાસ પારેખ, યશવંત શુક્લ, પ્રૉ. પ્રકાશ ગજ્જરે મને ગુજરાતી સાહિત્યના અમીરસ પાયા, બુધવારીયામાં કુમાર કાર્યાલયમાં બચુભાઈ રાવતના સાંનિધ્યે મને પ્રિયકાન્ત મણિયાર, ચીનુભાઈ મોદી, આદિલ મન્સૂરી, મનહર મોદી, રાજેન્દ્ર શુક્લ, બાલમુકુન્દ દવે, હેમંત દેસાઈ, પિનાકીન ઠાકોર જેવા કવિમિત્રો આપ્યા. ગુજરાત યુનિ -અનુસ્નાતક અભ્યાસે ઋષિતુલ્ય ઉમાશંકર જોશી, અનંતરાય રાવળ, હરિવલ્લભ ભાયાણી, રમણલાલ જોશી, ડૉ -યોગેન્દ્ર વ્યાસ એ મને સાહિત્યમાં ઘડ્યો. મારી જ્ઞાતિના કવિ વર્ય સુંદરજી બેટાઈ, વેણીભાઈ પુરોહિતને અવારનવાર મળવાનું થતાં સાહિત્ય રસને પોષણ મળ્યું.
આજીવિકા નોકરી વેળાએ શ્રી નાયડુ, સૈયદઅલી વગેરે એ મને ટેક્ષટાઇલ આર્ટિસ બનાવ્યો. પોળોમાં વસીનેને સાદગી સાથે સમાજ સેવા કેવીરીતે થાય તે મને સવાઈ ગુજરાતી (હાલમાં સ્પેનમાં વસતાં - 96વર્ષના) ફાધર વાલેસે શીખવાડ્યું.
મિત્રો સાથે કેમ જીવાય, તેને કેમ સચવાય તે મારા આજ સુધી મિત્રતા ટકાવનારા મધુસુદન કાયસ્થ, ચંપક ઠક્કર, સ્વ. દિનેશ અમીન, સ્વ. અંજના ધાબળીયા ભગવતી આહીર, વિદુલા મહેતાએ ઘણું શીખવાડ્યું. મુંબઈના વસવાટ વખતે કવિ સુરેશ દલાલના હાથ નીચે કામ કરતા તેઓની વિદ્વતા, સંકલન કુશળતા, પ્રવકતા - સુકાન, અનુવાદ કળા શીખવા મળ્યા. સંસ્થાકીય સમાચારો લખતાં આખરે સ્થાનિક દૈનિકખબરોમાં કામ કરવાની તક ઉપર જણાવેલી તાલીમ દ્વારા મળી નવી મુંબઈમાં પોતાનું સાપ્તાહિક - ૯ ( નવ ) વર્ષ નિયમિત ચલાવવાનું સાહસ કર્યું. ગઝલ ક્ષેત્રે લૈ જનારા શ્રી ગુજરાતી ગઝલ પીંગળ કાર મુરબ્બી જમિયત પંડ્યા હતાં. સંતાનોની કેળવણી, સમાજમાં પ્રતિષ્ઠા અને માન મને મારી શિક્ષિત પત્ની વત્સલાના સહવાસ અને પ્રેરણાના પ્રતાપે મળ્યા. તેની માવજત, સંસ્કારો, ઘડતર કુશળતા થકી પરદેશમાં સંતાનો સ્થાઈ થતાં અનેક મિત્રો જેવાં કે સુરેશ જાની, વિજય શાહ, કનક રાવળ, રવિભાઈ દવે જેવા મિત્રો એ મને અનેક પ્રેરણા આપી. વીજાણું - ઈન્ટરેનેટ માધ્યમે - પ્રતિલિપિ ગુજરાતી; સ્ટોરી મિરર ગુજરાતી લિંક; રાષ્ટ્રદર્પણ સામયિક વગેરે એ મને સતત લખવાની પ્રેરણા આપી. આ બધી વિવિધ ઉપલ્બધિઓ જેને હું ઈશ્વરીય આશીર્વાદ માનું છું તે મને મારા આશાવાદી વલણને મારા હકારત્મક વિચારધારાના અમલીકરણને આભારી ગણું છું. જો તમારામાં સકારાત્મક વિચારણા જન્મે તો જ તમે કશુંક કરવા વિચારો. આ વિચાર તમારામાં મહત્વકાંક્ષા જગાડે છે. મિલ્ડ્રેડ લિસેટ નોર્મનની વાત સાચી લાગે છે; ''જયારે તમને તમારા સકારાત્મક વિચારોની શક્તિઓ ખ્યાલ આવશે તો તમે ક્યારેય નકારાત્મક વિચારો કરશો જ નહીં.'' મેં જુદા જુદાં અનુભવો દ્વારા તે અનુભવ્યું છે જેના નામ માત્ર દાખલાઓ મેં અત્યારે રજૂ કર્યાં છે જે બિલકુલ સત્ય છે.
હું તો એટલું જ કહીંશ કે ''જીન્દગી મેં કુછ પાના હૈ તો ખુદ પર એતબાર રખ્ખો / સોચ પક્કી ઔર કદમોં મેં રફતાર રખ્ખો / ન ડગો લાખ અસફલતાઓં કે તૂફાનોંસે ખુદ કો મંઝિલ કી તલાશમેં જારી રખ્ખો એનું કારણ એ છે કે જો ખૈરાતમેં મિલતી કામિયાબી તો, હર શખ્સ કામયાબ હોતા, ફિર કદર ન હોતી હુન્નરકી, ઑર નહીં કોઈ લાજવાબ હોતા ! વ્યક્તિએ નાસીપાસ થઈને કદી કાયર ન થવું જોઈએ કારણકે સંસારમાં કાયરો માટે ક્યાંય સ્થાન નથી. ( સ્ટીવેન્સન )
જીવનમાં ઘણીવાર એવું બને છે કે માનવી ધારે કૈંક અને બને કૈંક ત્યારે તેનું મન વિહવળ બની જાય છે. નિરાશાના અંધકારમાં તે અટવાઈ જાય છે, કશું જ સૂઝતું નથી; આવી દ્વિધા વેળાએ તેને કોઈના સહારાની જરૂર ઊભી થાય છે , જે તેને યોગ્ય માર્ગદર્શન સાથે મદદ રૂપ બને. આવી વ્યક્તિ મળે તો જીવન પરિવર્તન તરફ સહજતાથી ઢળે છે પણ જો આમ ન બને તો નિરાશા વાદી વલણ તેના વિચારો ઉપર કબ્જો જમાવી બેસે છે. આવી હાલતમાં ક્યારેક શરીર પર વિપરીત અસર માંદગી બની વળગી પડે, માનસિક હાલત ખરાબ થાય ત્યારે મન ઉચિત નિર્ણય લઇ શકતું નથી; જીવન ઉત્સાહ વિહીન ,નીરસ અને અંધારમય બની જાય છે. મૂંઝવણમાં માનવી તેમાંથી કોઈપણ રીતે ,કોઈપણ ભોગે ઉગરવા ચાહે છે. ઈશ્વરને શરણે જઇ મુક્તિમયી શાંતિ પ્રાપ્ત કરવા ધર્મનો આશરો લે છે. મુસીબતમાંથી મુક્તિનો માર્ગ ધર્મ બતાવે એમ પરંપરાગત માન્યતા વર્ષોથી ચાલી આવે છે.
ધર્મ માનવી માટે ડૂબતાનું તરણું બને છે પણ તે વધુ પડતું મહત્વનું ઘટક બની જાય તો અંધશ્રદ્ધા બની જાય છે. બીજો માર્ગ કોઈ પણ રીતે પ્રેરક પ્રેરણાત્મક પ્રવચન, વાંચન, કોઈ ઘટના, બનાવ, દાખલો, ઉદાહરણ દ્વારા જીવનને વધુ પુરુષાર્થ તરફ દ્રઢ કરવાનો છે. કોઈપણ પ્રકારે મળેલી કે મેળવેલી પ્રેરણા જીવનમાં નવસંચાર કરી, ઊર્જા પ્રાપ્તિનું કાર્ય કરે છે, હત ઉત્સાહી માનવી પુનઃ નવ જાગૃતિ સાથે વિપરીત પ્રસંગો, પરિસ્થિતિ સામે સામનો કરી સુખદ વાતાવરણ સર્જી, વિજય પ્રાપ્ત કરવા કટિબદ્ધ બને છે અને બોલી ઊઠે; "મુઝે સહલ હો ગઈ મંઝિલે, હવા કે રૂખ બદલ ગયે, તેરા સાથ જો મુઝે મિલ ગયા, ચિરાગ રાહમેં કે જલ ગયે."
જીવનમાં હકારાત્મક પ્રેરણા અનિવાર્ય ઘટક છે. સ્વભાવગત જીદ્દ, હઠ અને જક્કી વ્યક્તિ ક્યારે ય પોતાના મમત્વને છોડવા તૈયાર હોતો નથી, પોતે જ સાચો છે તેમ માની બીજાની સાચી વાત ગણકારતો નથી અને સામે ચાલીને મુસીબત વ્હોરી લે છે. કોઈની પ્રેરણાત્મક વાત તેને ગળે ઉતરતી નથી દરેકમાં શંકા અને ખોટી અટકળો કરતો રહે છે. સંસારમાં આવા બે પ્રકારના માણસો હોય છે, એક ત્રીજો વર્ગ છે, ઈશ્વરની મરજીને દરેક વખતે જરૂરી હોય કે ન હોય તો યે વધુ પડતા શ્રદ્ધાવાદી - આસ્તિક કે આસ્થાવાન બની ને પોતાનો વ્યવહાર કુંઠિત કરે રાખે છે , આવી પુરુષાર્થ વગરની પ્રારબ્ધવાદી વ્યક્તિ, ભાગ્ય આધીન સ્વીકૃતિ સ્વીકારી - મોટા નિર્ણય કે જોખમ ઉઠાવવાનું ઇચ્છતી નથી . તેઓ પણ પોતાની અલાયદી દુનિયામાં જ્યાં છે ત્યાં ને ત્યાં સંતોષ માનીને પડ્યા રહે છે. વિકાસ કે નવા વિક્રમો કરવા સાહસ જરૂરી છે ,સાહસ માટે પ્રેરણા મેળવી ઉદ્યમવાદી -પરિશ્રમ, આત્મવિશ્વાસ અને આખરી સિદ્ધિ ન મળે ત્યાં સુધી અવિરામ કૂચ કરવાની ધગસ - વિજય માટેની ખેવના જોઈએ.
માનવી પોતે જ પોતાના જીવનનો ઘડવૈયો છે ,પોતે ચાહે તે પ્રમાણે જીવનને ઘાટ આપી શકે છે, પ્રેરણા મેળવવી કે ન મેળવવી તે વ્યક્તિગત બાબત ગણાય તેમ છતાં એક વાત નિશ્ચિત છે કે જગતની મોટા ભાગની સંશોધાત્મક ઘટનાઓ વ્યક્તિઓ દ્વારા પૂર્વજોના કાર્યની પ્રેરણાનો આધાર લઈને સફળ બની નવા શિખરો સ્થાપિત કરી પ્રખ્યાત બની છે તેથી એ વાત સિદ્ધ થાય છે કે હકારાત્મકઅને સકારાત્મક વિચાર પ્રેરણા બની જીવનને નવો વળાંક આપવા મહત્ત્વનું પ્રેરક બળ છે.
