STORYMIRROR

"Komal Deriya"

Inspirational

4  

"Komal Deriya"

Inspirational

જીવન અટકતું નથી

જીવન અટકતું નથી

3 mins
247

આજે તો કંઈ શિખામણ નથી મળી પણ એક વાત સમજાઈ ગઈ છે કે જીવન ક્યારેય કોઈ વ્યક્તિ કે વસ્તુ માટે અટકતું નથી.  

આજથી થોડાં વર્ષો પહેલાં મારા જીવનમાં નવો વળાંક આવ્યો. એ દિવસથી મારા જીવનના મૂલ્યો બદલાયા, કેટલીક આદતો છૂટી અને કેટલાંક નિયમો પણ આવી ગયા. સારાં આદર્શોનું જીવનમાં મહત્વ સમજાયું. આદર તો બધાનો હતો જ પણ એ વ્યક્ત કરતાં પણ શીખી લીધું. ના ગમતાં હોય એવા લોકો અને કામ સાથે પણ હું ખુશ રહેતાં શીખી ગઈ અને સૌથી સરસ તો હું મારા ગુસ્સા પર કાબૂ મેળવવામાં સફળ રહી. કોઈપણ સંજોગમાં હાથના ઉપાડવાનું પ્રણ પણ લઇ લીધું. મારો આખો સ્વભાવ બદલાઈ ગયો. કોઈનું એક ના સાંભળવા વાળી હું એક વ્યક્તિની બધી વાત કોઈપણ પ્રશ્ન વગર સાંભળવા લાગી, સાચું કહું તો માનવા લાગી. ધીમે ધીમે એવું થઈ ગયું કે મને આ બધું જ ગમવા લાગ્યું. પછી મને એ વ્યક્તિની આદત થઈ ગઈ. નાની મુશ્કેલી આવી જાય તો ય એ જ યાદ આવે. મને એવું લાગવા લાગ્યું કે મારું અસ્તિત્વ એ વ્યક્તિ સાથે જ છે. એ નથી તો હું નથી. એમનું હાસ્ય જ મારી ખુશી છે. મારું દરેક કામ એ છે તો જ પૂર્ણ થઇ શકે છે. મને ઊંઘ પણ એમના કારણે જ આવે છે. મારી સફળતાની એ જ ચાવી છે. હું જે પણ કંઈ નવું કરું છું એની પ્રેરણા એ જ છે. એ છે તો બધું છે.

હવે મને ડર લાગવા લાગ્યો હતો કે જો એ નહીં હોય તો મારી જીંદગી અટકી જશે. એમના વગર મારું આ દુનિયામાં કોઈ અસ્તિત્વ જ નથી એવું મને લાગતું હતું.  પછી એ દિવસ પણ આવ્યો જેનો મને ડર હતો. અમે છૂટાં પડી ગયાં. જ્યારે છૂટાં પડ્યાં ત્યારે તો એમ વાત હતી કે માત્ર પાસે નહિ હોઈએ સાથે તો હંમેશાં રહીશું જ! પણ જેમ સમય વીતવા લાગ્યો એમ આ અંતર વધતુ ગયું. અમે જેટલા કિલોમીટર દુર નથી એનાથી વધારે તો અમારાં મન દૂર થઈ ગયા. ઈચ્છીએ તો ગણતરી ના સમયમાં રૂબરૂ મુલાકાત થઈ જાય પણ એ એકલી અટૂલી ઈચ્છા જ મરી પરવારી. જેમ જેમ એ દૂર થતાં ગયા તેમ તેમ મારી મંઝિલ સુધી પહોંચવાની ગતિ ધીમી પડતી ગઈ. મારી પાસે માત્ર બે જ કામ હતાં એમને યાદ કરો અને પછી ડાયરીમાં લખો. એ લખેલું ભલે કોઈ વાંચે કે ના વાંચે. પછી મને સમજાતું નહોતું કે હું જીવી પણ રહી છું કે નહિ? પછી અચાનક મને એવું થયું કે મારું જીવન અટકી ગયું છે એનાથી બીજાં કોઈને તો કોઈ ફરક પડતો જ નથી. હું કેવી સ્થિતિમાં છું એનાથી પણ કોઈને કંઈ નિસ્બત નથી તો હું શા માટે મારા સાથે જ અન્યાય કરી રહી છું. મારું કેમ નુકશાન કરી રહી છું. 

આ વાત સમજતાં મને બે વર્ષ લાગ્યા. આ બે વર્ષમાં મારા જીવનના ઉદ્દેશ પણ બદલાઈ ગયાં. હું જ્યાં અટકી હતી ત્યાંથી શરૂઆત કરવી અશક્ય હતી પણ તો ય મેં હિંમત કરી અને આજે મારી એ અટકેલી જીવનની ગાડીને ફરીથી પાટા પર લાવવામાં હું કદાચ થોડીક સફળ પણ થઈ છું. મેં આ સમય પાસેથી ખુબ શીખ્યું છે. માણસોને ઓળખતાં શીખી છું. ગમે તેના માટે ખર્ચાઈ ન જવાનું શીખી છું. એટલે આ સમય તો મારો સાચો ગુરૂ છે. મારા જીવનનો જે પણ સમય મેં બગાડ્યો એનો કદાચ મને અફસોસ નથી પણ હું એ સમજી ગઇ છું કે આ જીવન ક્યારેય અટકતું નથી.


Rate this content
Log in

Similar gujarati story from Inspirational