જીવદયા - નવા મિત્રોની શોધમાં એક પગલું
જીવદયા - નવા મિત્રોની શોધમાં એક પગલું
ઉનાળાનું વેકેશન હતું. ચોથા ધોરણમાં ભણતો સુનિલ, એ બાબુભાઇનો એકનો એક દીકરો હતો. સુનિલ ખુશ હતો, તેના બે કારણો હતા, એક તો તે સારા માર્કે પાસ થઈ હવે તે પાંચમા ધોરણમાં આવ્યો હતો, અને બીજું કારણ એ હતું કે તેની શાળામાંથી પ્રવાસે સાપુતારા લઈ જવાના હતા. આજે પરિણામ લઈને આવ્યો ત્યારથી તે ઉમંગમાં હતો, દોસ્તો સાથે પ્રવાસે જાણે અત્યારેજ પહોચી ના ગયો હોય ?
બપોરે તેના પિતાજી બાબુભાઇ તેમની અનાજની દુકાનેથી જમવા આવ્યા ત્યારે તેનો ઉત્સાહ ચરમ સીમાએ હતો. સુનિલે તેનું પરિણામ તેમણે બતાવી, તેનો સપૂતારાનો સ્કૂલનો પ્રવાસ આસાનીથી મંજૂર કરવી દીધો હતો અને તે માટેના સ્કૂલમાં ભરવાના પૈસા પણ તેના પિતા બાબુભાઇ પાસેથી મેળવી લીધા હતા. પરંતુ સુનિલના દાદી, એટલેકે બાબુભાઈના મા વિમળાબા, આ વાતથી ખુશ નહતા. જમ્યા પછી તેમણે સુનિલને કહ્યું, કે ઉનાળાની રજાઓ, બાળકને આખા વરસની રઝળપાટ પછીની રજા મળતી હોય છે. આ રજાઓ છોકરાઓને આરામ અને નવું શીખવા માટે તેમજ કુટુંબના બીજા સભ્યોને મળવા માટે હોય છે. વિમળાબાને સુનિલ પ્રવાસે જાય તેની સામે ન હતો. પણ તેઓ એમ કહેતા હતા કે તું સાપુતારા બે દિવસના પ્રવાસે જાય એના કરતાં એ સુરત તેના મામાને ત્યાં અઠવાડિયું ફરવા જાય તે વધારે સારું. પણ સુનિલ મિત્રો સાથે સપુતારાના પ્રવાસની મિજબાની મૂકી તેમની વાત કાને ધરે ખરો ? તેને કહ્યું, "બા તમને શું ખબર પડે મિત્રો સાથે ફરવાની ? ના હું તો પ્રવાસે જવાનોજ."
વિમળાબાએ આખરે સુનિલને સમજાવવા માટે ‘બળ છોડી કળ’ વાપરવાનું નક્કી કર્યું. અને સુનિલને વાર્તા કહેવાનું ચાલુ કર્યું. સુનિલને તેના દાદી વિમળાબા પાસે વાર્તા સાંભળવી ગમતી, તે તરત તેની દાદીની ગોદમાં છુપાઈ ગયો અને દાદીએ વાર્તા ચાલુ કરતાં કહ્યું...
....વાત મહાભારતના એક પ્રસંગની છે. તેઓએ કહ્યું કે આજે તેઓ તેને ભગવાન શ્રી ક્રુષ્ણના જીવનનો એક કિસ્સો કહેશે. સુનિલને શ્રી ક્રુષ્ણની વાર્તા ગમતી હતી. વિમળાબાએ સુનિલને વાર્તા કહેતા જણાવ્યુ કે, "ભાગવન શ્રી કૃષ્ણે કુરુક્ષેત્રના પ્રખ્યાત યુદ્ધમાં તેઓ એ હથિયાર હાથમાં લઈ નહીં લડવાની પ્રતિજ્ઞા લીધી હતી અને તેમણે યુધ્ધમાં એક યોદ્ધા તરીકે ભાગ નહોતો લીધો. તેઓ માત્ર અર્જુનના સારથી બન્યા હતા. દરરોજ ભીષણ યુદ્ધની સમાપ્તિ બાદ તેઓ અર્જુનના રથના ઘોડાઓની સાર સંભાળ લેતા. તેઓ સ્વયં ઘોડાઓ ઘા સાફ કરતા અને દવા મલમ લગાવતા, એમને તેલમાલિશ અને ગરમ પાણીથી સ્નાન કરવી થાક ઉતારતા અને ખવડાવતા. તે પછીજ પોતે જમતા હતા. તેઓ તો રાજાઓના પણ રાજા હતા, તેઓ બીજા કોઈને પણ આવું નાનું કાર્ય કરવા હુકમ કરી શક્યા હોત પરંતુ તેઓ સ્વયં ઘોડાઓની સુશ્રુષા અને કાળજી લેતા.
આવા દયાવાન ભગવાન શ્રી ક્રુષ્ણએ એક દિવસ મહાભારતના યુધ્ધ સમયે ટીટોડીએ કુરુક્ષેત્રના રણમેદાન નજીક માળો બનાવેલો હતો તે જોયો. માળામાં ટિટોડીના નાના ચાર બચ્ચાઓ હતા. માનવીઓ વચ્ચે ચાલતા આ ભીષણ યુદ્ધથી આ બિચારું નિર્દોષ પક્ષી અને તેના માસૂમ બચ્ચા તો સાવ જ અજાણ હતાં. સૂર્યોદય બાદ તે દિવસના યુદ્ધનો આરંભ થતાં જ શ્રીકૃષ્ણએ આ માળો અને બચ્ચા જોયાં. એમણે ટીટોડીના માળાનું રક્ષણ કરવા તેમના રથમાં રહેલા ઘોડાના ખાવાના ચણામાંથી એક મુઠ્ઠી ચણા લઈ તે માળા પાસે વેરી તેના ઉપટ એક મોટો ઘંટ મૂકી દીધો.
મહાભારતનાં ભીષણ યુધ્ધ દરમ્યાન, નિર્દોષ ટિટોડી પક્ષી એનાં બચ્ચાંની ચિંતા કરતું કલ્પાંત કરતું હતું. પરંતુ તેઓ તો શ્રીકૃષ્ણએ મુકેલા ઘંટ નીચે સલામત હતા. અઢાર દિવસ પછી યુદ્ધ સમાપ્ત થતાં શ્રીકૃષ્ણએ ઘંટ ઉપાડી લીધો અને આટલા દિવસથી પોતાના બચ્ચા શોધતી ટીટોડીને એના બચ્ચા માળામાં સહી સલામત તેને મળી ગયા હતા તેથી ટિટોટી આનંદમાં હતી. આવા ભીષણ યુદ્ધ મધ્યે પણ ભગવાન આટલા નાના જીવની આટલી બધી કાળજી લીધી બદલ મનોમન દ્રૌપદીની માફક શ્રી કૃષ્ણને પણ સખો ગણતી થઈ હતી. સુનિલ તારે પ્રવાસે જવું હોય તો જજે પરંતુ અત્યારે નિશ્ચિંત બની સૂઈ જા. આ જગતમાં ભગવાન બધાનનું ભલું કરે !"કહેતા સુણી અને બા બંને સૂઈ ગયા.
બીજે દિવસે સવારે જ્યારે બાબુભાઇ તેમની અનાજની દુકાને જતાં હતા ત્યારે સુનિલ નહી ધોઈને તૈયાર હતો, અને તે પણ બાબુભાઈના એક્ટિવા પાછળ તેમની સાથે દુકાને ગયો. સવારમાં દુકાનમા સફાઈ કરતાં ભાઈ પાસેથી દુકાનમાંથી નીકળેલા કચરાને તે ચારણીથી સાફ કરી તેમાથી ભેગા થયેલા બાજરી, જુવાર, ચોખા જેવા અનાજનું સુનિલને પડીકું વાળતો જોઈ, બાબુભાઈને નવાઈ લાગી, અને તેમણે સુનિલને કહ્યું, "દીકરા આ કચરો છે, તે કોઈ નહીં લે. આમ કચરામાં ગંદો ન થા, ચાલ આવ મારી પાસે ગલ્લા ઉપર અને બેસ પંખા નીચે. બોલ તારે ફાફડા જલેબી ખાવા છે ?" સુનિલે તેના પિતાને કહ્યું, "હું જાણુ છું આ કચરો છે, અને તે કોઈ આપણી પાસે ખરીદશે નહીં. પણ આ કચરો ગણાતા અનાજના દાણા લઈ આપણે મંદિરના પીપળે જઈશું અને ત્યાં આવેલી પરબડીમાં મૂકીશું તો ત્યાં કબૂતર – પોપટ, ચકલી જેવા મૂંગા પંખીઓ તેને ખાઈ તેમનું પેટ ભરશે. અને મારે હવે પ્રવાસે નથી જવું. હું રોજ સવારે તમારી સાથે દુકાને આવીશ અને બપોરે ઘેર જતાં મંદિરે આવેલી પરબડીમાં આપણી દુકાનના કચરામાંથી અલગ તારવેલા અનાજના દાણા નાખતા જઈશું."
બાબુભાઇ અને દુકાનના સફાઈ કામદાર નાના સુનિલની મોટી વાત સાંભળી ભાવ વિભોર બની ગયા. સુનિલે બીજુ તેના પિતાને જણાવ્યુ કે તે ચાલુ વરસની ઉનાળાની રજાઑ નવા મિત્રો શોધી તેઓ સાથે આ ઉનાળાનું વેકેશન ઉજવવા માંગે છે. અને હસતહસતા કહ્યું કે તે સાપુતારાના શાળાના પ્રવાસે હવે નહીં જાય, પણ તે પ્રવાસના પૈસાથી અનાજ તેમજ માટીના પાણી ભરવાની કુલડીઓ ખરીદી ઉનાળાની રજાઓમાં પંખીઓને દાણા ખવરાવશે અને કાળ-ઝાળ ગરમીમાં માટીની કુલડીઓમાં પાણી ભરી પીવા માટે મૂકશે.
એકાએક સુનિલના કોમળ મનમાં ઉમટી રહેલી જીવદયાની સરવણીથી બાબુભાઈને સુનિલ જેવો દીકરો હોવાનો ગર્વ હતો. બધાએ ભેગા મળી ફાફડા જલેબી ખાધા અને બાબુભાઈએ દુકાનના માણસને કહ્યું કે તે એક બાજરીનુ પેકેટ અને સુનિલને લઈ મહાદેવના મંદિરે આવેલી પરબડીએ જઇ મૂકી આવે..
