ઝોટી
ઝોટી


કારતકના કામઠી અને ચેતનવંતા દિવસોની એ સોનેરી સવાર છે. ચોરાના ચોવટિયા ગામના જીવતાજાગતા સીસીટીવી કેમેરા એવા વડીલો ગામના ગોંદરે આવેલ તળાવની પાળે બેઠા છે. બજરના ડાબડામાંથી હાથમાં છીંકણી લઈ દેશીબાવળના દાતણના કુચેથી હલાવી છીંકણી ઘસવાની મજા લઈ રહ્યા છે. બીજા બે સામસામે બીડીઓના ઠુંઠા ફુકી ધુમાડાના ગોટા કાઢે છે. પાળ પર પાંચાણી ઢેઢી પરિવારના પાંચણ માતાનુ મંદિર,વર્ષો પુરાણુ શિવાલય છે. બળેવના દિવસે ગામ આખુ નત મસ્તક નમન કરે, એવી પાંચાણીયા ગોગા મહારાજની નાની દેરી છે. દેરી નાની પણ નામ મોટું ચ્યમ નહિં ! શ્રાવણની પુનમ-બળેવના દિવસે ગામની હાજરીમાં નાગદેવતા મંગળગર બાવાના હાથો-હાથ કસુંબો પીવે ગામનો હાજરાહજુર દેવ નાગદેવ !
કાંકરેજના સિમાડે પણ વઢિયારનુ એ ગામ એની કાંપાળી કાળીને ગોરાડું માટી ને એથીએ માટીની સાથે આખો દિવસ મથતા માનવીઓની સમૃદ્ધિને લીધે આખાય પંથકમાં પંકાયેલું. જો કોઈ ત્યાંના યુવાને પુછે કે, "મોટીયાર ચિયા ગાંમના ?"
તો વટથી કહે કે વરસડાના !
સવારના સૂરજનાં કોમળ કિરણો રસ્તે આવતા યુવાન પર પડતાં કપાળ ઝગી રહ્યું છે. એના અંગ ઉપર રહેલું લાંબા ઘેરવાળું કેડિયું ને એમાં છુટી મુકેલી કોશો ને ફડાકા મારતી ફડશો,વળી ગળીવાળું ધોતિયું. પહેરવેશથી કણબી. . . હોય તેવું લાગે છે. ખેડુતનો દિકરો ધીમે હેંડે ખરો ? ઝડપથી આવતા યુવાનને કરશનગર બાપુએ પુછ્યુ,"ચ્યમ અલ્યા પરાગ, કાંઈ ઉતાવળો ? "
"હા બાપુ"
"સત્ કામ જાવું શે"
"બારગામ જાવું શે"
કરશનગર મૂળ ચરમટા-રબારી. દાદા મંગળદાસે ભેખધારણ કરતાં વંશજ બધા બાપજી કેવાયા. ગામ કરશનગર બાપુની ઈજ્જત કરે. પરાગ ઘડીક ઊભો રહ્યો.
"ગામમાંથી કોઈ આમની જાણબાર ના રહી જવું જોઈએ, ચૉરાના ચૉકિયાત હાસા" બબડતો પરાગ પાંસરો ખેંમાના ઘેર ગયો.
"ખેંમાએ. . આવો. . પરાગ. . . પટ્યોલ આવો. . કહી આવકાર્યો. પરાગની આબરું ઘણી. ઈજ્જતદાર ખોરડાનું ફરછંદ. આવકારવામાં વાળંદ શા ને ઓછો ઉતરે ! આમે વાળંદની જીભ જપ કરે ?
પરાગની નજર ઘઉં ભરેલ બખડીયામાં હોઠના બદબદ અવાજ કરતી ખાંડી બકરી પર પડી.
" ખેમા ઝડપથી આ હજામત કરને મારે ઉતાવળ શેે "
"ચમ ચાંય બાર જાવુંશે "
"હા"
પરાગ ખેંમાએ મુકેલા અરિસો,અસ્ત્રો ને આંગણામાં પડેલાં વાસણ જોતો વાળ કાપવા બનાવેલ બેઠકના કોથળા ઉપર બેઠો.
"ઉતાવળ રાખજે"
"હા પણ,પલાળવા તો દ્યો. . . "
ખેંમો એક હાથમાં નાણાવટી સાબુનો કકડો લઈ પાણીમાં પલાળી દાઢીના વાળને કુણા કરવા ઘસવા માંડયો. હાથમાંનો કુચડો બીજા હાથમાં લઈ દાઢી પર ફેણ ચડાવ્યા. હાથ કરતાં ખેંમાની જીભ વધારે હેંડે. . . !
હાથમાં હજાયો લીધો. ધાર કાઢવા પથ્થરી ઉપર હજાયાને ટપાટપ ઘસવા લાગ્યો. કોઈ યોદ્ધો યુદ્ધ પહેલા એના હથિયાર સજાવતો હોય તેમ. કેમ નહિ ? ખેંમાને માટે આ તેનું જીવન ગુજારાનું ઓજાર જ હતું ને !
ખેંમો આઘેડ વયનો પણ ગામ આખુ ખેંમો જ કહે. માણસ ભલો. ગામમાં કોઈના ઘેર પ્રસંગ હોય તો ઘરોળિયાનું આમંત્રણ આપવા જાય. કસુંબામાં ચા-દૂધ પણ રાવણા માટે બનાવે. એની પત્ની જસી પ્રસંગોપાત ગામના વાસણ પણ ઉટકે. ખેંમો દાઢી કરતો હોયને કાંઈ છાંનો બેસે ખરો ? મલક આખાની સારાનરસી વાતોની એને ખબર હોય. . કોણ જાણે એણે કેટકેટલાય ખબરપત્રીઓ રોકી રાખ્યા હશે ?
"ઓલ્યા બિજલ ઓડની છોડી હમણાં કો'કને લઈને જતી રઈ. પરાગ ભૈ રામ-રામ શું જમાનો આયો. . . "
" ખેંમા, મેલને ગામની પંસાત"
"પણ આતો. . . . "
"અલ્યા હઉ હઉનાં કરમ"
પરાગે વાત ટાળી. પરાગ અંતરમુખી માણસ હતો. ભર યુવાનીમાં એની પત્ની રતન મોટે ગામતરે ગઈ ત્યારનો એનો જીવ જપે નહિ. બસ,ઘરને ખેતર એ એનો નિત્યક્રમ થઈ ગયેલો. ખેંમાના ત્યાં એ પાંસરો ઢુકડીયેથી જ આવ્યો હતો.
"હેં પરાગ ભૈ ઘણા દાડે આયા. વઉને કઉ થોડો સા બનાવે ? પરાગના અણગમાને ખાળવા કહ્યું.
પરાગ સહેજ ઊંચી ડોક કરતાં બોલ્યો, "ના. . ના. . ખેંમા સાલશે મારે ઉતાવળ શે. "
ખેંમાએ એક હાથમાં અસ્તરો ને બીજા હાથે પરાગ પટેલના કાનની બુટ પકડીને કહ્યુ : "અંહ. . તમે હલો નઈ, વાગી જાશે "
પરાગની વાતને ધ્યાનમાં ના લીધી. " અલ્યા હાંભરે શે સા બનાવ આ પરાગભૈ ને બેય પિવાં,"
" પણ ખેંમા"
"ઈ પણને બણ"
"ચેવો ઝપાટો રાખે એમને ઉતાવળ શે હોં "
ખેંમાએ અસ્તરે ચોટેલા દાઢીના વાળને એના ડાબાહાથ ઉપર ઊંધો અસ્તરો કરી જમણા હાથની પહેલી આંગળીથી લપદઈ વાળના લોંદાને નીચો નાખી. બીજા ગાલ બાજુ હજામત કરવા હાથ ફેરવ્યો.
પતિની આજ્ઞા શિરે ચડાવી જસી ઘરમાં અભરાઈ ઉપર વાસણને આઘા કર્યા. પિતળની નાની તપેલી ઉતારી. ચાની ભુક્કી-ગોળ ભેગાં કરીને ચુલા ઉપર જસીએ તપેલી મુકી. દેભડિયું ખોલ્યુંને અંદર દૂધ રાખેલ દૂધિયું ઊધુ વળેલું જોયુ ને ફાળ પડી. . ! હમણાં જ બકરી દોઈ મેલ્યુ હતુ. . અરે. . . ! એનુ. . જાય. . એનુ. . મનાડી. . . દૂધ પીજી " મનોમન બબડી. બહાર આવી ભોંઠા પડેલા ચહેરે પોતાના ધણી ખેંમાની ઇજ્જત જતી હોય તેમ ધીમેધીમે શબ્દો ઉચ્ચાર્યા : "હેં દૂધ તો શે નહિ, મેં તો બધુ ભેગું કરી સુલા પર મુક્યુ પણ દૂધ તો મનાડી પીજી શે"
ખેંમો હજુ લમણો ફેરવતો જ હતો.
" પાડોહમાં ચ્યાંય હોય તો પુછ. . આજ તો આવવા દે એ કાળમોંઢીનું મોંઢુ જ ભાગી નાખું. "
દાઢી કરાવતા પરાગે હોઠ પરથી ફેંણસાથે વાળની કણસ થુંકતાં કહ્યું:" એક કામ કરો હવે ચ્યોય ફાંફા મારવા નથી. ભાભી, મારે ઘેર જઈ લઈ આવો. "
"દૂધ હશે"
"હમણે જ દોઈ, કેજો એમણે મુકીશે".
પરાગનું ઘર બહુ દુર ન હતું ને ગામે બહુ મોટું નહિ.
"સારુ, આ આવી કરતીને જસી પવનવેગી સાંઢણી જેમ ઉપડી.
પરાગના ઘરની ઝાકમઝોળ પણ કાંઈ ઓછી નહતી. ઊંચી પરસાળના ઓરડા. નબળું માણસ તો એની ઓસરીએ પણ ના ચડી શકે એટલી ઊંચી ઓસરીની જેર. સાગના લાકડામાંથી બનાવેલાં બારણાં એના બારસાતે ભરતથી ભરેલી પાણિયારીના ચિત્રવાળી શાખો. ટોડલે મોર-પોપટનાં ચિત્રોવાળા ટોડલિયા. બારસાતવાળી ભીંત પર છાણથી વસંતના ખુલ્લા આકાસમાં ઉડતી કુંજડીઓની હાર જેવી હાથની આંગળીઓથી પાડેલી ઝીણી-ઝીણી ઓકળીઓ. અણદીએ પરોઢિયે ઉઠી છાણ ભેગું કરી ફળિયાનાં ટાબરિયાં બોલાવીને છાણને ખુંદી પગલીઓથી ઓરતા પાડી તાજા જ દીવાળી ટાંણે બનાવેલા ભગોળાથી શોભતું આંગણું જાહોજલાલીની ચાડી ખાતું હતું.
જસીએ પરાગના ડેલાની ખડકીએ મુકેલ ચકેડું ફેરવ્યું કિચડુક અવાજ સાથે ચકેડું ફર્યું. ઝીણી સિસોટી જેવો અવાજ કરતી ખડકી પ્રપંચી મિત્રની જેમ ઘડીબેઘડીમાં અલગ થઈ ગઈ. જસીએ ડેલીમાં પ્રવેશ કર્યો,અવળા હાથે ખડકીને ધક્કો મારી બંધ કરી. આંગણને ઝપાટભેર વટાવી ઓસરી નજીક પહોંચી.
ઓસરીની ઊંચી જેરે પ્રથમ નજરે જ ગમી જાય એવી મેવાસી જોબવંતી અણદીને ઊભેલી જોઈને સવી બોલી ; " અણદીબોન થોડુ દૂધ આલો ને ? " ચ્યમ કોંણ પરોણા શે ?" તોછડાઈથી અણદી બોલી.
" ના બોન ના મે'માન તો કોય નથ"
"તો શુ તારે ગળશવુ શે "
"તમારા ભૈ ને પરાગભૈ બેય અમારે ઘરે બેઠા છે એમણે મેલી. "
અણદીએ ઘસીને ના પાડી "નથ, ઓય ચ્યો દૂધનાં બોઘરણાં ભર્યાં શ બસ,ઈમને તો વાતો જ કરવીશ" આટલું બોલતાં તો સમસમી ગઈ.
"જા કેજે દૂધ નથી,"
"એમને કેજે ભેંહો બંધાવે તારે આંગણે ભેંહો"
હાથ લાંબો કરીને આવા ધૃત્તકાર ભર્યાં વેણો ઉચ્ચાર્યાં તયારે હાથમાં પહેરેલો રાધનપુરી ચુડલો પણ લજવાતો હોય તેમ ખણકી ગયો.
ઘર મોટું હોય કે નાનુ પણ ઘરની શોભા તો સ્ત્રી જ છે. જેટલું ઘર મોટું એટલી લોકોની અપેક્ષા વધુ સૌ આશા લઈને આવે કેટલાની આશા પુરી કરવી ?.
અણદીનો સણસણતો જવાબ સાંભળી શરમાયેલા વદને આંખમાં આવતાં આંસુને રોકી. જસીના પગ હવે આ આંગણે ઊભા રહેવાની ના પાડતા હોય તેમ ઝડપથી પાછા વળ્યા. ઘેર જતાં રસ્તામાં સ્વગત બોલતી જતી હતી : " દૂધ નતું આપવું તો ના પાડવી'તી પણ આવાં મેંણાં તો નતાં મારવાં ".
ઘરે પહોંચી કહ્યું : "ઘરે હેંડતું ના હોય તો કોકનાં બૈરાંને આવાં મેણાં હાંભરવા ના મેલાય ".
પરાગ લીંબુની ફાડ જેવી ફાટેલી આંખે જસી શુ કહે છે એ સમજવા મથી રહ્યો હતો.
" ચમ શું થયું જસીબૂન !" આશ્ચર્યથી પરાગ બોલ્યો.
" અણદીએ કીધુ શે કે પરાગને કેજે દૂધ આલવાં હોય તો તારે આંગણે ભેંહો બંધાવે ભેંહો ".
જસીના શબ્દો મુખમાંથી નિકળ્યા તેને સાંભળી જાણે કેશરી પોતાની કેશવાળી ખંખેરતો ઊભો થાય એમ પરાગ દાઢી કરાવતા અડધી દાઢીએ એક લમણો હજુ લેવાનો બાકી હતો ને ગળા ઉપરનો રૂમાલ ખેંમાના હાથમાં આપતાં ઊભો થયો. વાઢયો હોય તો લોહીના આવે આવી ધગેલ ત્રાંબા જેવી કાયા થઈ.
" ખેંમા તુ આમ આઘોરે એની જાતની. . . . . . બોલી ચાલ્યો. ઊભા થઈ જતા પરાગને ખેંમોને જસી બેય જોતાં જ રહ્યાં.
"હોય નહિ હમણાં જ ભેંહ દોઈને બુઘેંણું ભરીને મુકીને આયો શું ને મારી હાળી આ. . . મૂળતો ભંઠીયાંના મલકની ભંઠીયાળ જાત ઉપર જ્યા વગર ના રઈ આજ મારી વઢિયારની હોત તો એના બોલ આવા વાંકા ના હોત આવુ બબડતો જાય છે. "
"તેદી પરોણા આવવાના હતા તોય બે વારાંનુ ભેગુ કરેલ સાડા પાંસ શેર ઘી માદેવનો દીવો પુરવા આપ્યુ હતુ. રતન તો મારુ હાસુ રતન હતી"
પરાગના લગ્ન વઢિયારના ગોચનાદ ગામમાં થયેલાં પણ છોરુના સમયે સગવડના અભાવે અને કાંઈક તો જાડબુદ્ધિએ રતનનું મૃત્યું થયેલું. પરાગને આજ એની પરણેતર રતન યાદ આવી. ટાઢતડકામાં ખેતીકામ કરવાથી બદામીરંગનો થયેલો ચહેરો. ચહેરા પર અપૂર્વ રેખાઓ. મોટી માંજરી આંખો. તેના હોઠ અને નાકના ગર્વિષ્ઠ મરોડ. પૂરા દશ તોલા સોનાના ઝુમણાથી ઢંકાયેલી પાતળી ઊંચી ડોક. ખિનખાબી કાપડામાં ભરાવદાર પૂર્ણકળાએ ખિલેલું ઘાટુ વક્ષસ્થળ, સિસમના સોટા જેવી તંગ તરવરતી પાતળી કેડ. લાલ ચટાક ઘેરદાર ઘાઘરો. સોનારૂપાના તારે મઢેલુ લીલારંગનુ પટોળું ઓઢી ચોરીમાં ફરતાં કંકુના પગલાં પાડતી રતન વિસરી વિસરાતી ન હતી. જેટલી સુંદરતા રતનના દેહમાં એથીએ મીઠી એની વાણીમાં હતી. સાસરેથી સુવાવડ ખાવા પિયર ગયેલી ત્યારે પરાગને કહેલા છેલ્લા શબ્દો " આ વરહ તો રયું પણ મા ખોડલ હારાં વાંના કરશે તો આવતે વરહ આપણેય ઘાણી હશે ને સાની કરવા ખોડીયારના મેળે વરાણા જાસુ ! નહિ. ખરાઈ કરતી હોય તેવા શબ્દોને વળી પાછું એનું પેલું મનગમતું ગીત " વીરા વઢિયારી વેલડા હેંડયા, મેળે ખોડીયારને. " પરાગના માનસપટ પર રમવા લાગ્યું.
પરાગ બબડયે જતો હતો "ઘરઘેણું એ ઘરઘેણું, સાતફેરા ફરેલની વાત થાય. " મોટા બાપુએ પોતાના ગોળમાં હેડીની કન્યા ન મળતાં છાડછડ વિસ્તારમાં પુન:વિવાહ કરાવેલા.
"દૂધ લેવા મેં મેલી એમાં ઈ જસીનો બચારીનો શું વાંક ? તે એને બોલી ! " આવું બોલતાં શેરીમાં પડેલા પથ્થરની ઠોકર આવતાં લથડતાં ડેલાની બારી ખોલવાને બદલે આખો માઢ ખોલ્યો. નવેળાની પાછળ ઢોર બાંધવાનો વાડો હતો એમાં પાંસરો આવ્યો.
પછવાડના વાડામાં બે કાંકરેચી બળદ,એક ગાય અને પાંચ-છ ભેંસો બાંધેલી હતી. અસલ બન્ની નસલની નાગોરી ભેંસોમાંથી તાજુ વિયાયેલું એક બીજીયાત ઝોટું છોડ્યું. માથે હાથ મુકોતો હાથ લપસી જાય. નાગણી જેવી લોહી અને ચરબીના લીધે માંથે એકપણ રૂવાટી નથી. શિંગડીઓ લુહારે ઘરે આવીને ઘાટ આપી આપીને ઈંઢોણી જેવી બનાવી હોય ! બીડીની ગડી નાખો તો પણ ના નિકળે એવી કોંઢી. ડચકારો કરી બોલાવી. પાડુ છોડી સાથે લઈ જાણે કાંઈજ બન્યુ ના હોય તેમ ડેલામાંથી ભેંસ લઈને પરાગ નિકળી ગયો.
અણદી કાજળ ભરેલી પણ કૈડામણી આંખો ફાડીને ફાટી આંખે આ દ્રશ્ય જોતી જ રહી.
"લે ખેંમા ચ્યાં શે સિલો. આજથી આ ઝોટી તારીને તારા બાપની, મારે હવે ના જોવે. "
" અરે. . પરાગભૈ હોય નહિ આવી નાની વાતનું વતેસર. "
મારા બોલની કિંમત ના હોય તો હું પણ પરાગ મેમા ચોડ શેનો એક નહિં આખો વાડો આપી દઉ. હવે આ ઝોટી તો આ મારી બેન જસીને કાપડામાં આલી. "
ખેંમાને આંગણે ભેંસને બાંધી પરાગ પાછો ખેંમા જોડે દાઢી કરાવવા બેઠો.
ઝોટી પણ જાણે એના માલિકના ત્યાગને સ્વીકારતી હોય તેમ વાગોળવા લાગી. પરાગ દાઢી કરાવીને ઊભો થયો.
"બોલ ખેંમા કેટલા આલું"
"ખેમો શું બોલે ?. "
***